Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી
(સ્વોપજ્ઞ બાલાવબોધ-ટીકા અને હિન્દી-ગુજરાતી અનુવાદ સહિત) સંપાદક : પ્રેમલ કાપડિયા
પ્રકાશક : હર્ષદરાય પ્રા. લિ.
જી. જી. હાઉસ, ડી. એસ. માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
પૃષ્ઠ : ૫૦૬
(૪૭૧ પ્રાચીન રંગીન ચિત્રો અને ૧૫૯ કલાત્મક કૃતિઓ સહિત)
મૂલ્ય : US $ 70
પ્રસ્તુત રચના ‘ચોવીસી' એક મહાન વિદ્વાન અને સુપ્રતિષ્ઠિત સિદ્ધ અધ્યાત્મયોગી પરમ પૂજ્ય શ્રીમદ્ દેવચન્દ્રજી વાચક (વિ. સં. ૧૭૪૬–૧૮૧૨ તદનુસાર ઈ. સ. ૧૬૮૯–૧૭૫૫)ની આજીવન સમર્પિત અધ્યાત્મ સાધનાનું પરિપક્વ ફળ છે. શ્રીમદ્ દેવચન્દ્રજી ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રી દીપચન્દ્રજી કે જેઓ રાજહંસગણિના નામે પણ વિખ્યાત હતા, તેઓના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રસ્તાવનામાં સંપાદકે ગ્રંથકાર શ્રીમદ્ દેવચન્દ્રજીના સંક્ષિપ્ત જીવન વૃત્તાંતને રોચક રીતે નિરૂપિત કર્યું છે. શ્રીમદ્ દેવચન્દ્રજીના જીવન કવનને આલેખતા અન્ય મહત્ત્વપૂર્ણ ગુજરાતી ગ્રંથો જેવા કે – શ્રી કાંતિભાઈ બી. શાહ દ્વારા સંપાદિત ‘શ્રી દેવચન્દ્રજી મહારાજ કૃત સ્તવન—ચોવીસી', શ્રી મણિલાલ એમ. પાદરાવાલા દ્વારા લિખિત ‘શ્રીમદ્ દેવચન્દ્રજી : તેમનું જીવન અને ગુજરાતી સાહિત્ય' આદિ ગ્રંથોમાંથી ઉદ્ધૃત સંદર્ભો અને વિવરણોને લીધે પ્રસ્તુત ગ્રંથમાં નિરૂપિત થયેલું ગ્રંથકારનું જીવન–ચિત્રણ આધારભૂત અને તથ્યનિષ્ઠ બન્યું છે.
જૈન પરંપરામાં સચિત્ર પ્રાચીન ગ્રંથોની પ્રથા મળે છે. જેથી આ પુસ્તકમાં પ્રાચીન ચિત્રો, પટ, હાંસિયા, ફૂલિકાઓ વગેરેનો યથાર્થ ઉપયોગ કરી દેવચન્દ્રજી ચોવીસીને સચિત્ર પ્રકાશિત કરી છે. આ માટે જૈન સંગ્રહાલયો તેમજ વ્યક્તિગત સંગ્રહમાંથી મળેલા ચિત્રો-પટ વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે આ ગ્રંથ અતિ સુંદર અને અદ્ભુત કક્ષાનો બન્યો છે.
આ ગ્રંથ ‘ચોવીસી' અથવા ‘સ્તવન ચોવીસી'માં ખરેખર ૨૫ સ્તવનો આવેલા છે. ૨૪ સ્તવનો ચોવીસ તીર્થંકરોના નામથી અંકિત થયેલાં છે, જ્યારે અંતિમ પચીસમું સ્તવન ઉપસંહારાત્મક છે. આ ૨૫ સ્તવનોમાં કુલ ૨૧૪ ગાથાઓ આવેલી છે, જે અઢારમી સદીની ગુજરાતી ભાષામાં રચવામાં આવી છે.
આ ગ્રંથમાં ગ્રંથકારની સ્વરચિત ટીકા-સ્વોપજ્ઞ બાલાવબોધ, પૂજ્ય કલાપૂર્ણસૂરીશ્વરજી કૃત રોચક અને વિશદ ગુજરાતી ભાવાનુવાદ અને તેનો પં. બંસીલાલ નલવાયા રતલામવાળાએ કરેલો હિન્ધુ અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
જો કે આ ગ્રંથ આમ તો તીર્થંકર પ્રભુની સ્તુતિરૂપે રચાયેલાં ભક્તિપૂર્ણ સ્તવનોનો સંગ્રહ છે, છતાંય તેનું એક આગવું વિશિષ્ટ પ્રયોજન પણ છે જ. આ કૃતિનું મુખ્ય લક્ષ્ય સર્વોચ્ચ પ્રબુદ્ધ આત્મા એવા તીર્થંકર પ્રભુને સમર્પિત સંનિષ્ઠ પરા ભક્તિનું સંવર્ધન કરવું એ જ છે. પણ આ ભક્તિ કેવળ ભાવનાઓ કે હાર્દિક સંવેદનાઓના આવેગની પરિણતિ નથી, વળી અહીં પ્રગાઢ મુગ્ધતા કે દીનતાની અવસ્થાનું નિરૂપણ પણ નથી. આ ભક્તિ તો ખરેખર આત્મ—દર્શનની સર્વોચ્ચ ભૂમિકાએ બિરાજતા તીર્થંકર પ્રભુને નિવેદિત સેવા અને સમર્પણના માધ્યમથી પોતાના જ આત્માને સમજવા, ઓળખવા અને તત્ત્વતઃ જાણવા માટેની પ્રક્રિયામાં સહાય કરનાર ઉત્કૃષ્ટ સાધન છે.
આમ આ કૃતિ ભક્તિભાવથી રસાર્દ્ર હોવા છતાં બૌદ્ધિક દ્રષ્ટિકોણ અને આત્માના સ્વભાવ તથા તેની મૂળ દશાના શાસ્ત્રીય વૈજ્ઞાનિક વિવેચનથી જરાય અછૂતી નથી. વિનય, સમર્પણ, આદર અને ભક્તિના હૃદયંગમ ભાવોના સુંદર તાણા-વાણામાં ગૂંથવામાં આવેલા અધ્યાત્મ વિષયક સિદ્ધાંતોનું અહીં થયેલું નિરૂપણ એક પરમ અનુભવી અને પ્રબુદ્ધ ઉપદેષ્ટા શ્રીમદ્ દેવચન્દ્રજીના પ્રત્યક્ષ આત્મ-દર્શન પંથનું તદ્દન આગવું અનન્ય ચિત્રણ રજૂ કરે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________ ભક્તિ કેવી રીતે આત્મજ્ઞાન તરફ લઈ જઈ શકે ? આત્માને વાસ્તવિક વિકાસનું રહસ્ય શું છે ? પરમ વીતરાગ ભગવંતોના ઉદાત્ત ગુણ અને સ્વભાવ સહજ ઉમદા ધર્મો–લક્ષણોનું શ્રવણ કરવું, તેમની પ્રતિમા કે છબિના દર્શન કરવા વગેરે. શાસ્ત્રોક્ત સાધન–ઉપાય આત્મ વિષયક પરમ જ્ઞાનની સિદ્ધિમાં કેટલી હદ સુધી સહાયક થઈ શકે ? આત્મ સાક્ષાત્કારનો માર્ગ શા માટે પ્રભુની ભક્તિપૂર્ણ આરાધનાના પ્રદેશમાં થઈને નીકળે છે ? છેવટની મુક્તિ અર્થાત મોક્ષની ઉપલબ્ધિમાં તર્ક, વિવેકબુદ્ધિ અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની જટિલતાનું જ્ઞાન કેટલુંક સહાયકારી નીવડી શકે? આવા તમામ પ્રશ્નોના સમાધાનકારક અને સાચા ઉત્તર આ સ્તવન ગ્રંથની ગાથાઓની પાવન યાત્રામાં સહજતાથી મળી રહે છે. સ્વરૂપના પરમ સાક્ષાત્કારમાં ધ્યાનનું મહત્ત્વ, કર્મદોષના પરિમાર્જનથી શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, પ્રભુનામજપની પરંપરાનું મહત્ત્વ, આત્માના વિશુદ્ધ સ્વરૂપની અસલી ઓળખ કરવામાં નયશાસ્ત્ર અને તર્કસંગત બૌદ્ધિક વિવેચનાના જ્ઞાનની ભૂમિકા, પ્રભુના વિભિન્ન સ્વરૂપોની વૈવિધ્યપૂર્ણ આરાધનાનું રહસ્ય, પરમાત્માની ઈચ્છાની સર્વોપરિતા, ઉપાસક અને ઉપાસ્ય વચ્ચેનો અભેદ (એકત્વ), પ્રભુ અને તેમની પ્રતિમાની તાત્ત્વિક એકતા, પ્રભુ માહાભ્યના ગુણગાનનું ગૌરવ, આત્માની લાક્ષણિક શક્તિ (સામર્થ્ય), સત્સંગનું ફળ તેમ જ આત્માની તીક્ષ્ણ-તીવ્ર આગવી વિશુદ્ધતા-નિર્મળતા દ્વારા મોહનો વિનાશ. આવા સઘળા વિષયોનું પ્રસ્તુત ગ્રંથમાં રસાળ અને વેગવંતી ભાષામાં વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. આ રચનામાં ઉત્કૃષ્ટ સાહિત્યિક સૌંદર્ય અને દાર્શનિક ચૈતન્યના ઓજસથી ભરપૂર, અત્યંત પ્રભાવકારક અને મનોહારી શબ્દાવલિઓનો સહજ સુંદર પ્રવાહ વાચકના ચિત્તને જાણે કે ખેંચી લઈ જાય છે. અધ્યાત્મ વિષયક સિદ્ધાંતોનું નિરૂપણ પણ એવી સરસ રીતે કરવામાં આવ્યું છે કે જેથી ગ્રંથકારના ઉપદેશનો બોધ સહજતા અને સુગમતાથી થાય છે. પ્રત્યેક સ્તવન પછી સંપાદકે તે તે સ્તવનનો સંક્ષિપ્ત સાર પણ આપ્યો છે, જેથી ક્રમશઃ પ્રત્યેક સ્તવનમાં ચર્ચાયેલા મુખ્ય વિષયને તરત જ સમજવામાં વાચકને ઘણી જ સહાય પ્રાપ્ત થાય છે અને આનાથી નાનું એવું આવર્તન પણ થઈ જાય છે. કાળજી કૃતિઓમાં છૂપાયેલાં મર્મ-રહસ્ય તો તેના વારંવાર કરેલા પઠન, અવગાહન, પારાયણથી જ અનાવૃત્ત થતા હોય છે. આ ગ્રંથને ચારસોથીયે વધુ નાનાં-મોટાં ખૂબ જ રમણીય અને નેત્રોત્સવકારક ચિત્રો, લઘુચિત્રો, સુશોભન કલાકૃતિઓ તેમ જ છબિઓ-ફોટોગ્રાફસથી સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. આથી આ ગ્રંથ ખરેખર કલા જગતમાં, ખાસ કરીને ચિત્રકલાના ક્ષેત્રે, જૈન સંસ્કૃતિ અને પરંપરાના માતબર પ્રદાનની ઝલકને અંકિત કરનાર એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે આપણી સામે આવે છે. ગાથાઓના કલામય સુલેખને આ ઉત્કૃષ્ટ પ્રકાશનની ગુણવત્તા અને શોભા બંને વધારી દીધા છે. આ ગ્રંથના પરિશિષ્ટમાં વિશિષ્ટ દાર્શનિક, પારિભાષિક શબ્દોના સરળ અર્થ, ગ્રંથમાં રજૂ થયેલા ચિત્રોની વિગત તથા કલા સંગ્રહાલય જેવા ચિત્રોના સ્ત્રોતો પ્રત્યે આભાર પ્રકટન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરમ સત્યના સાક્ષાત્કારમાં સહાયભૂત થનાર ભક્તિ જેવા વિષયની વૈજ્ઞાનિક ઢબે થયેલી વિવેચનાને રજૂ કરનાર આ ગ્રંથ કે જેની આજના યુગમાં કદાચ વધારે પ્રાસંગિકતા છે, તેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથનું પ્રકાશન કરવા બદલ સંપાદક અને પ્રકાશક બંને આપણા હાર્દિક અભિનંદનને પાત્ર છે. આશા છે કે, દર્શનશાસ્ત્ર અને ભક્તિ સાહિત્યના વિદ્યાર્થીઓ તેમ જ વિદ્વાનો તથા ચિત્રકારો અને ભારતીય કલા-વારસના મર્મજ્ઞ રસિકજનો આ ગ્રંથનું ઉમળકાભેર સ્વાગત કરશે.