Book Title: Anandghan ni Atmanubhuti 08
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ જ્યારે મોહોદય માઝા મૂકે છે, અજ્ઞાન મહાભયાનક સપાટીને વટાવી દે છે, અને વેદનીય દુર્બળ (અવ્યક્ત) બને છે, ત્યારે એકેન્દ્રિયપણું મળે છે. એક વખતનો શ્રીમંત આજે નાળિયેરીનું ઝાડ બન્યો છે. ભવ બદલાયો છે પણ ભાવ બદલાયા નથી, ગતિ બદલાઇ છે, પણ મતિ બદલાઇ નથી. પોતે દાટેલા ધન પરના તીવ્ર મમત્વભાવથી અવ્યક્ત સંજ્ઞાને કારણે એણે એ ધનની આસપાસ પોતાના મૂળ ફેલાવી દીધા છે. જેથી કોઈને એ દેખાય નહીં, અને કોઈ એને લઇ ન જાય. સંપત્તિ પર મમત્વ કરતા પહેલા તેની આજુ બાજુ ગરોળી કે વાંદો બનીને ફરતી પોતાની જાતના દર્શન કરી લેજો. એ જ શેરના કાગળિયાઓ પર કંથવા બનીને ફરતા પોતાના આત્માનો વિચાર કરી લેજો. એ જ પોતાની માલિકીની જમીન પર છોડ બનીને ઉગેલા પોતાના જીવનું ચિંતન કરી લેજો. રે... એ ગરોળીને તમારો પોતાનો જ નોકર નવમા માળેથી નીચે નાખી દે છે. એ કંથવો તમારા જ પુત્રના હાથથી ચગદાઇ જાય છે, એ છોડ તમારા જ એક મજૂર દ્વારા ઉખેડાઈ જાય છે. કંપારી છૂટી જાય એવી આ ઘટના છે. સદ્નસીબ હોય તો એટલું જ કે આજે આ માત્ર એક શક્યતા છે, વાસ્તવિકતા નથી. અને તમે ચાહો તો એને વાસ્તવિકતા બનતા અટકાવી શકો છો. જે સંપત્તિએ આપણા અનંતકાળને ઘોર દુઃખમય બનાવી દીધો છે, જે સંપત્તિ પરના મમત્વ ભાવે આપણને દુ:ખી દુ:ખી કરી દેવામાં કોઇ કસર નથી રાખી, એ સંપત્તિ પાસેથી સુખની આશા રાખવી, એટલે મરચા પાસેથી મીઠાશની આશા રાખવા બરાબર છે. તમે પૂરા થઇ જશો, પણ આ આશા પૂરી થવાની નથી. ममता संग सो पाय अजागल-थनतें दुध, दुहावे પ્રેય (પ્રિય) એ શ્રેય બની શકે એવી કોઇ જ શક્યતા નથી, આ સ્થિતિમાં શાણપણ એમાં જ છે કે આપણે શ્રેયને જ પ્રેય બનાવી દઇએ. મમતાને મારીને સમતાનો સાથ સ્વીકારી લઈએ. શ્રામણ્યોપનિષદ્માં કહ્યું છે ममत्वमरणे जाते समत्वे सुप्रतिष्ठिते। यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ।। એક વાર મમતા મૃત્યુ પામે, અને સમતાની સમ્યક્ પ્રતિષ્ઠા થઇ જાય, પછી તો મન જ્યાં જ્યાં જાય, ત્યાં સમાધિ જ સમાધિ છે. સમતા એ કામધેનુ ગાયના સ્તન છે, અને મમતા એ બકરીના ગળાના સ્તન છે, કોની પાસેથી સુખની આશા કરવી... એ સ્વયં વિચારી લો, કદાચ આ વાતો કડવી પણ લાગે, પ્રેયને હેય સમજવું તો મુશ્કેલ છે જ, ‘પ્રેય હેય છે’ એવું સાંભળવું પણ મુશ્કેલ છે. એના જ અનુસંધાનમાં આગળની કડી રજુ થઇ રહી છે...

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32