________________
९
પં. અમૃતભાઈનો પરિશ્રમ વ્યર્થ ન જાય, તેમ જ તેમણે અનેક અનેક પ્રતિઓમાંથી લીધેલા પાઠભેદો સચવાઈ રહે એ દૃષ્ટિથી આ પ્રકાશન ખાસ ઉપયોગી છે. પં. અમૃતભાઈએ પાંડુલિપમાં આચારાંગના મૂળ સૂત્રો લીધાં નથી, તેમજ આચારાંગવૃત્તિમાં આવતા અનેક અનેક અનેક સાક્ષિપાઠોના મૂળસ્થાનો પણ તેમણે ખાસ જણાવ્યાં નથી. ભવિષ્યમાં દેવ-ગુરુકૃપાથી જે જે કાર્યો હાથમાં લેવાનો અમારો વિચાર છે તેમાં શીલાચાર્ય વિરચિત આચારાંગસૂત્રવૃત્તિ પણ અગ્રસ્થાને છે. જ્યારે એ કાર્ય કરાશે ત્યારે શક્ય તેટલી વધારે સામગ્રી મેળવીને સંપૂર્ણ આચારાંગસૂત્ર વૃત્તિનું સંશોધન તેમજ બીજા પણ અનેક પરિશિષ્ટો સાથે એ કાર્ય કરવા અમારી ભાવના છે.
આ ચાર અધ્યયનોની વૃત્તિનું સંપાદન-પ્રકાશન કરતાં પહેલાં અમે આ બધું વાંચવાનો તથા સમજવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. છતાં પ્રૂફ વાંચન કરતાં અનવધાનથી જે ભૂલો રહી ગઈ હોય કે થઈ ગઈ હોય તે માટે અમે ક્ષમા માગીએ છીએ.
ધન્યવાદ : આ ગ્રંથનાં બધાં પ્રૂફો સંઘમાતા શતવર્ષાધિકાયુ (મારાં સંસારી માતુશ્રી) પૂ. સાધ્વીજી મનોહરશ્રીજી મહારાજનાં પરમસેવિકા શિષ્યા સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ જોયાં છે. ટિપ્પણો તો મેં ખાસ વાંચ્યાં જ નથી. ટિપ્પણોને પાંડુલિપિ સાથે મેળવવાનું કાર્ય સાધ્વીજીએ જ કર્યું છે. મારાં કાર્યો પરમકૃપાળુ અનંત ઉપકારી અરિહંત પરમાત્માની કૃપાથી જ ચાલે છે. મારા પૂ. પિતાશ્રી તથા ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ કે જેમનો શ્રી શંખેશ્વરજીતીર્થમાં વિક્રમ સં. ૨૦૧૫માં મહાસુદ આઠમે સોમવારે રાત્રે ૧-૧૫ કલાકે સ્વર્ગવાસ થયો છે તેમની તથા મારાં પૂ.માતુશ્રી સંઘમાતા શતવર્ષાધિકાયુ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેમનો સ્વર્ગવાસ સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં તળેટી પાસે વિસાનીમાની ધર્મશાળામાં વિક્રમ સં. ૨૦૫૧માં પોષસુદ દશમે રાત્રે ૮-૫૪ વાગે સ્વર્ગવાસ થયો છે તેમની કૃપા અને આશિષ એ જ મારું અંતરંગ સામર્થ્ય છે. મારા પ્રથમ શિષ્ય દેવતુલ્ય દેવભદ્રવિજયજી મહારાજ કે જેમનો સ્વર્ગવાસ શંખેશ્વરજી તીર્થ પાસે લોલાડા ગામમાં વિક્રમ સં. ૨૦૪૦માં કાર્તિક સુદિ બીજે સાંજે છ વાગે થયો છે તેમનું પણ આ પ્રસંગે સ્મરણ કરું છું.
મારા અતિવિનીત શિષ્ય મુનિરાજશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્યપ્રશિષ્યો મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજી, મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી, મુનિરાજશ્રી મહાવિદેહવિજયજી, મુનિરાજશ્રી નમસ્કારવિજયજી મારાં કાર્યોમાં ખડે પગે સેવા આપી રહ્યા છે તેમને મારા ઘણા ઘણા ધન્યવાદ છે.
મારાં માતુશ્રી સાધ્વીજી મનોહરશ્રીજી મહારાજનો શિષ્યા પરિવાર પણ આ કાર્યમાં વિવિધ રીતે ઉપયોગી થયો છે તેમને પણ ધન્યવાદ.