________________
(૬૩)
એક વખત દ્રૌપદી મહેલમાં બેઠા હતા ત્યાં નારદજી પધાર્યા. પણ દ્રૌપદીએ તેમનું સન્માન ન કર્યું. દ્રૌપદીને મનમાં થયું કે આ ક્યાં એવા સાચા સાધુ મહાત્મા છે ?
આથી નાદરજીને અપમાન લાગ્યું. તેમને થયું, આ દ્રૌપદીને કાંઈ વિનય-વિવેકની ગતાગમ નથી. તેને અભિમાન આવી ગયું છે તો હવે તેની ખબર લઈ નાખું.
પછી નારદ પહોંચ્યાં ઘાતકીખંડમાં. આપણા જંબુદ્વીપ પછી લવણસમુદ્ર આવે. ત્યાર પછી ઘાતકીખંડ આવે. આ ઘાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નામની રાજધાની હતી. ત્યાંના રાજા પદ્મોત્તર પાસે નારદજી પહોંચ્યા. તે રાજા પાસે દ્રૌપદીના ખૂબ ગુણગાન ગાયાં. જેથી પદ્મોત્તર રાજા એટલો બધો કામાસક્ત થઈ ગયો કે દ્રૌપદીને મિત્રદેવની સહાયથી તે પોતાના મહેલમાં લાવ્યો.
આ બાજુ દ્રૌપદીને ન જોવાથી તેમનાં સાસુ કુંતી રડારોળ કરવા લાગ્યાં. તેણે કૃષ્ણને ઠપકો આપ્યો. કૃષ્ણે દ્રૌપદીની શોધ ચાલુ કરી પણ ક્યાંય પત્તો ન લાગ્યો. એકદા તેઓ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારદજી આવી ચડ્યા.
નારદજી બોલ્યા, ‘કેમ કૃષ્ણ વાસુદેવ ! આમ ઉદાસીન કેમ ?’
‘દ્રૌપદીનું અપહરણ થયું છે ! આપને કાંઈ દ્રૌપદી અંગે ખબર છે ?’
નારદજી—અરે ! ઘાતકીખંડની રાજધાની અપરકંકાના રાજવી પદ્મોત્તરે દ્રૌપદીનું અપહરણ કર્યું છે.
(૬૩)