________________
(૩૨૭)
જાણકાર હોય છે. પોતાની ઉપાધિ રેઢી મૂકીને સાધુ ગોચરી આદિ માટે બહાર જઈ શકે નહીં, પરંતુ અન્ય સાધુને ભળાવીને જ જઈ શકે, અન્યથા વરસાદજન્ય વિરાધના તથા ચૌર્યાદિનો ભય રહે. વળી, સાધુ-સાધ્વીઓએ ચાતુર્માસમાં અવિચલ પાટ-પાટલા આદિનો ઉપયોગ કરવો જોઈએ. અન્યથા જીવાદિની વિરાધનાનું પાપ લાગે છે.
સાધુ-સાધ્વીઓને ભાદરવા સુદ ૪ પૂર્વે લોચ કરાવી જ નાંખવો જોઈએ, કારણ કે લોચ વગર સંવત્સરિક પ્રતિક્રમણ કરવું સંયમીઓને કલ્પે નહીં. તાવ આદિવાળા અને રુદન કરતા બાળ સંયમીને અસ્ત્રાથી અપવાદ માર્ગે મુંડન કરાવી શકાય. અસ્ત્રાથી મુંડન કરાવનારે દર મહિને તથા કાતરથી વાળ કપાવનારે દર પખવાડિયે મુંડન કરાવવું જોઈએ.
સાધુ-સાધ્વીઓએ સંવત્સરીના પ્રતિક્રમણ સમયે પોતાના ક્રોધાદિ ભાવોની ક્ષમાપના કરી લેવી અને સંવત્સરી બાદ કલેશકારી વચનો બોલવાં નહીં. કોઈ બોલે તો તેને અન્ય સાધુઓએ વારવા. વારંવાર વા૨વા છતાં જો તે બોલે જ રાખે, તો તેવા અનન્તાનુબંધી કષાયવાળા સાધુને સંઘ બહાર મૂકવો. કેમકે એવો સાધુ બીજાઓના કષાયાદિમાં નિમિત્ત બને છે. અરસપરસ સંઘર્ષ થયો હોય તો ખમતખામણાં કરવા. નાના મોટાને ખમાવે, મોટા નાનાને ખમાવે. પોતે ઉપશાંત થાય અને બીજાને પણ ઉપશાંત કરે. જે ઉપશાંત થતો નથી, બીજાને ખમાવતો નથી તે વિરાધક છે. જે ઉપશાંત થાય છે, ખમાવે છે એ આરાધક છે, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘‘ઉવસમસારું ખુ સામણું !'' શ્રમણ જીવનનો સાર ઉપશમભાવ છે.
(૩૨૭)