________________
જ લ પૂજા નું ફળ
શ્રી. નવીનચંદ્ર અ. દોશી
જિનભક્તિ ભરી નિજ અંતરમાં, વહી લાવે ઘડો-જલ મંદિરમાં, તેનું દામ્ય પ્રભુમય ઉજજવલ છે;
એનું ભાગ્ય મનોરમ નિર્મલ છે. જંબૂડીપમાં દક્ષિણ ભાગમાં, ભારત નામે દેશમાં દેવોની નગરી જેવી મનોહર બ્રહ્મપુરી નામે નગરી હતી. ત્યાં સોમિલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે વેદો, ઉપવેદો અને વેદાંગોનાં ચૌદ શાસ્ત્રોમાં પારંગત હતો. તે રાજમાન્ય પુરોહિત હતો. તેને યજ્ઞમુખ નામે પુત્ર હતો. સોમા નામે બ્રાહ્મણી, તેની માતા બ્રાહ્મણની પ્રીતિપૂર્ણ એવી ગૃહિણી હતી. સોમલક્ષ્મી નામે સરલહૃદયા અને વિનીત એવી તે બ્રાહ્મણની પુત્રવધૂ હતી.
વખત જતાં તે બ્રાહ્મણ સોમિલ એકદા ઘેર આવ્યો કે તરત તેને માથામાં વેદના જણાવા લાગી. વેદનાની ચિકિત્સા કરવા માટે અનેક જાતના ઉપાયો કર્યા પણ વેદના તો તેવી ને તેવી ચાલુ રહી. વૈદોએ આ રોગ અસાધ્ય છે તેવું જાહેર કર્યું. એકાદ વર્ષ શિરો-વેદનાનું કષ્ટ વેઠવાથી સોમિલનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું. તેણે પત્નીને અને પુત્ર તેમ જ પુત્રવધૂને પાસે બોલાવીને કહ્યું, “હું પરલોકગમન કરું છું. તમે આપણો કુલાચાર સાચવીને ઉજજવલ જીવનનો માર્ગ ચાલુ રાખશો એવી મારી શિખામણ છે.” બ્રાહ્મણનો સ્વર્ગવાસ થયો.
યજ્ઞમુખ બ્રાહ્મણે પિતાની ઉત્તરક્રિયા કરવા માંડી. બારમે દિવસે સાસુ સોમાએ પોતાની પુત્રવધૂને પ્રેમથી કહ્યું, “બેટા સોમલક્ષ્મી, દ્વાદશીના દાન નિમિત્તે તમારા સસરાની ઉત્તરક્રિયા માટે પવિત્ર શરીરે જલ ભરી લાવો.”
સાસુના કહેવાથી સોમલક્ષ્મી ચોખાં વસ્ત્રો પહેરી ઘડો લઈને જળ ભરવાને નીકળી. જળનો ઘડો ભરીને પાછા ફરતાં તે એક જિનાલય પાસેથી જતી હતી ત્યાં તેના કાન પર એક મુનિમહારાજના ઉપદેશના શબ્દો
પડ્યા, “જે નરનારી ઉત્તમ જલથી ભરેલ ઘડો વીતરાગ પ્રભુનાં ચરણમાં લઈ આવે છે તે પોતાની ભક્તિના પ્રભાવે, ઉત્કૃષ્ટ પુણ્ય બાંધીને મનોહર ભોગસુખના અધિકારી થાય છે અને અંતમાં અવશ્ય જન્મમરણનાં ચક્રથી છૂટે છે.”
સંસ્કારી બ્રાહ્મણી સોમલક્ષ્મીના હૃદયમાં ચમકારો થયો. તેને મુનિવચન પર વિશ્વાસ બેઠો. તેણે પોતાની પાસેનો જલથી ભરેલ ઘડો જિનમંદિરમાં આપી દીધો. તેની કેટલીક સખીઓને આ વાત બિલકુલ ગમી નહિ. તેમણે જઈને તેની સાસુ સોમાને તરત જ આ વાત જણાવી દીધી. સોમાને પણ વાત સાંભળીને ક્રોધ ચડ્યો. તે બોલીઃ “જયારે તેણે જલનો ઘડો જિનને ધરાવ્યો તો પોતાનું માથું શા માટે ન ધરાવ્યું?” વળી તે રોષમાં બબડવા લાગી : “એ દુષ્ટાને મારા ઘરમાં હવે પેસવા નહિ દઉં.' આમ ચિંતવી લાકડી લઈ તે ઘરનાં બારણા પાસે ઊભી રહી.
સોમલક્ષ્મી ત્યાં આવી અને ઘરમાં દાખલ થવા જતી હતી ત્યાં સોમાએ પોતાનો ક્રોધ ઠાલવ્યો, “હે મૂખ, અદ્યાપિ પિતૃઓનું તર્પણ કર્યું નથી, અગ્નિને આહુતિ આપી નથી અને વિપ્રોને કંઈ દાન દીધું નથી તે પૂર્વે તે જળનો ઘડો જિનમંદિરમાં કેમ આપી દીધો ? હે ઉદ્ધત, ઘડા વિના તને મારા ગૃહમાં પ્રવેશ નહિ મળે.'
આ સાંભળીને સોમલમી તરત જ ગામના કુંભારના નિવાસસ્થાને ગઈ. તેણે રોતાં રોતાં વિનંતિ કરી, “ભાઈ મારું આ કંકણ લઈને મને એક અખંડ ઘડો આપ.' કુંભારે તેને રડતી જોઈને હકીકત પૂછી. વૃત્તાંત જાણીને તેણે કહ્યું, “બહેન, તને ધન્ય છે. આ મનુષ્યજીવનમાં ભક્તિ જેવો મહામૂલો કોઈ પદાર્થ નથી. તું તારે માટે કોઈપણ ઘડો લઈ લે. બહેનનું કંકણુ ભાઈ લઈ શકે નહિ. તું સુખેથી જલપૂર્ણ ઘટ લઈ જા અને તારી સાસુનો ક્રોધ શાંત કર.'