________________
જૈન યુગ
૨૩
સપ્ટેમ્બર ૧૯૫૯
લંબાવેલો હાથ દેખાયો અને સંભળાયું: “ભગવાન! આ રંકની આટલી ભિક્ષા શું નહીં સ્વીકારશો?' સૌની અજાયબી વચ્ચે ભગવાને તે વસ્ત્રનો સ્વીકાર કર્યો.
ભિક્ષાના સ્વીકાર-અસ્વીકારનું આ રહસ્ય આનંદને ન સમજાતાં તેણે આ બાબતમાં ભગવાનને પૂછ્યું. ભગવાન બુદ્દે દાન અને ભિક્ષાનું રહસ્ય સમજાવતાં આનંદને કહ્યું : “આનંદ! ભિક્ષા અને દાનનું રહસ્ય સમજવા જેવું છે. દાન સ્વીકારનારે દાન લેતાં પહેલાં એ ઉપર વિવેકબુદ્ધિ વાપરી એની પાત્રતાનો વિચાર કરવો જોઈએ. જેની પાસે વગર પરિશ્રમે અગર અન્યના ભોગે થોડું કે વધારે એકઠું થયું છે, તે નૈતિક ધોરણે દાનને લાયક નથી. દાન દેનાર દોષિત ભલે ન માને, પણ સ્વીકાર કરનારે એનું પૃથક્કરણ કરવું જ જોઈએ.” ભગવાને આનંદને સમજાવતાં આગળ કહ્યું: “અઢળક દોલતનો મોટો ભાગ પોતાના આનંદપ્રમોદ અને વૈભવ વિલાસ માટે સાચવી રાખી બાકીનાનું દાન કરવું એ દાનમાં શ્રેષ્ઠતા નથી. પરિશ્રમ અને નીતિથી રળેલી એક કોડીની કિંમત, અનીતિ અને અન્યાયના માર્ગે મેળવેલા કરોડો રૂપિયાથી પણ વધુ આંકવી જોઈએ.”
પેલા ગરીબ માણસ પાસે તેની સુધા શમાવવા માત્ર અર્ધદાડમ હતું, જ્યારે જીર્ણ થયેલ વસ્ત્રથી પોતાનું અંગ ઢાંકવા સિવાય બીજું કોઈપણ વસ્ત્ર પાસે ન હોવા છતાં પેલી સ્ત્રીએ એ વસ્તુનું દાન કર્યું. આ દાનની પાછળ સર્વસ્વના સમર્પણની વાત હતી. જે દાનમાં આપત્તિ સહી લઈને આત્મત્યાગ કરવાની વિશુદ્ધ ભાવના છે તે જ દાન ઉત્કૃષ્ટ કોટિનાં છે. દાનમાં અપાતી વસ્તુના મૂલ્ય પર દાનની શ્રેષ્ઠતાનો આધાર નથી, દાનની શ્રેષ્ઠતાનો આધાર તો દાન કરનારની ત્યાગશક્તિ અને તેની વિશુદ્ધ ભાવના પર અવલંબે છે. પેલા ગરીબ માનવ અને વસ્ત્રરહિત થયેલી પેલી સ્ત્રીના દાનની પાછળ કોઈ ભાવ, ઇચ્છા, તૃષ્ણા કે વાંચ્છના ન હતાં, પણ માત્ર એક જ ભાવના રહેલી હતી. એ ભાવના- સર્વસ્વના સમર્પણની. જે સર્વસ્વનો ત્યાગ કરી શકે છે, તે જ દાનના સાચા અધિકારી છે, સર્વવના ત્યાગ સિવાય શ્રેષ્ઠ દાન કરી શકાતાં નથી.” ભગવાનના ઉપદેશથી આનંદ દાનનું સાચું રહસ્ય સમજ્યો.
જૈન સાહિત્યમાં પણ આવા અપૂર્વ ત્યાગની એક કથા બહુ જાણીતી છે. આ અપૂર્વ ત્યાગીનું નામ સંગમક
હતું. રાજગૃહીની પાસે આવેલા શાલી ગામના એક અત્યંત ગરીબ ધન્યા નામની ગોવાળણુનો તે એકનો એક પુત્ર હતો. આ બાળક સિવાય બાકીનો બધો વંશ ઉચ્છેદ પામ્યો હતો. સંગમક નગરજનોના ઢોરો ચારતો. એક ઉજાણીના પ્રસંગે ગામમાં ઘેર ઘેર ખીરનું ભોજન થયું. સંગમકે પણ માતાની પાસે ખીર ખાવાની હઠ કરી. માતા ગરીબ હતી અને ઘરમાં દૂધ ચોખા અને સાકરના સાંસા હતા. પુત્ર રડવા લાગ્યો એટલે માતાનું હૃદય ભરાઈ આવ્યું અને તે પણ રડવા લાગી. આજુબાજુના પાડોશીઓએ આ જાણ્યું, એટલે ખીર બનાવવા દૂધ વગેરે પદાર્થો આપી ગયા, અને માતાએ હોંશથી પુત્ર માટે ખીર તૈયાર કરી. એક થાળીમાં ગરમ ખીર સંગમકને પીરસી તે પાણી ભરવા ગઈ સંગમક આતુરતાથી ખીર ઠંડી થવાની રાહ જોતો બેઠો હતો, તેવામાં એક મહિનાના ઉપવાસી એક મુનિરાજ પારણા માટે ભિક્ષા માંગતા ત્યાં આવ્યા. મુનિરાજને જોઈ સંગમકના હૃદયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો, અને અતિભક્તિપૂર્વક થાળીમાંની બધી ખીર મુનિરાજના પાત્રામાં વહોરાવી દીધી. આ સંગમક મરણ પામી રાજગૃહનગરમાં ગોભદ્ર શેઠને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો. આ પુત્ર એજ શાલિભદ્ર. “શાલિભદ્રની રિદ્ધિ હો ” એમ દિવાળી વખતે ચોપડા પૂજનમાં લખાય છે ખરું, પણ પૂર્વ જન્મના તેના અપૂર્વ ત્યાગ વિષે લોકોને જાણવાની પડી નથી. દરેક ક્રિયાનું ફળ તો મળે છે જ, પણ ફળની આશા વગર ચિત્તશુદ્ધિનું ધ્યેય નજર સમક્ષ રાખી બધી ક્રિયાઓ કરવામાં આવે તો તેથી આત્માની ઉન્નતિ થાય છે.
માનપત્ર મેળવવાની ઈચ્છાએ કે આરસપહાણની તકતીમાં નામ મુકાવવાની લાલચે, અગર પુતળાં મુકાવવા કે દેવલોકમાં જઈવૈભવ પ્રાપ્ત કરવાની લાલચે, દાન કરનારાઓ માટે નંદમણિયારની કથા જેમ સમજવા જેવી છે, તેમ આપણી અનેક સંસ્થાઓના વહીવટ કરનારાઓ માટે દાન સ્વીકારવાની બાબતમાં ભગવાન બુદ્ધનો ઉપદેશ પણ ખ્યાલમાં રાખવા જેવો છે.
શ્રી. શંકરાચાર્યે એક સુંદર વાક્ય કહ્યું છે. વિત્તસ્ય શુદ્ધ ધર્મ તું વસ્તુપત્રક. અર્થાત શુભ કર્મો વસ્તુની પ્રાપ્તિ માટે નથી, પણ શુભ કર્મો ચિત્તની શુદ્ધિ માટે છે.