________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
નરોત્તમ પલાણા
ભટ્ટ)એ ‘હલેસાં' નામનો એક વાર્તાસંગ્રહ (પ્ર.આ. ૧૯૬૬) આપ્યો છે, તેમાં આ વેપારીઓએ કહેલી સત્યઘટનાઓનો સમાવેશ પણ થાય છે. ભાટિયા અને વાણિયા પછી લોહાણા વેપારીઓ(નાનજી કાલિદાસ મહેતા, ભાણજી લવજી ઘીવાળા)એ પોરબંદરનું નામ દેશવિદેશમાં ગુંજતું રાખ્યું છે. લોહાણા બાળાશ્રમના સ્થાપક શેઠશ્રી હરિદાસ ભીમજી પ્રાગજી પણ બંદર સાથે જોડાયેલા લોહાણા વેપારી હતા.
(૨) ઈ.સ. ૧૨૬૦નો ગધે ખાંભો, જે હાલ પુરાતત્વખાતાં દ્વારા રક્ષિત રાણા સરતાનજીના ચોરામાં સંગ્રહાયેલો છે. “ગધે ખાંભો’ આપણા સમાજના લોકમાનસનું પ્રતિબિંબ છે, તે એક પ્રકારની ગાળ છે. દાનમાં અપાયેલી જમીન ઉપર તે મૂકવામાં આવે છે. એનો સૂચિતાર્થ એવો છે કે “અમે આ જમીન દાનમાં આપી છે, હવે એની ઉપર જે હાથ નાખે તેને ગધેડે ગાળ છે.' અદ્યાપિ સૌરાષ્ટ્રમાં આવા કુલ સોળ પાળિયા નોંધાયાની જાણ મોહનપુરી ગોસ્વામીએ કરેલી છે. ('અતીતની આંખે', પૃ. ૨૮)
(૩) ઈ.સ. ૧૨૭૦નો કેદારેશ્વર મંદિરની ભગ્ન વિષ્ણુપ્રતિમાનો લેખ. આ મૂર્તિ હાલ કેદારેશ્વર મંદિરની સામે આવેલા કેદારકુંડમાં પડેલી છે. આ કેદારકુંડ, કેદારેશ્વર મહાદેવ અને અસ્માવતી ઘાટના ઉલ્લેખો “સ્કંદપુરાણ'માં મળે છે. -શિવ, શક્તિ, હનુમાન અને જૈન પછી પોરબંદરમાં પ્રાપ્ત વિષ્ણુ (વૈષ્ણવ) સંદર્ભે આ પ્રથમ અવશેષ
(૪) ઈ.સ. ૧૨૭૫ - ખારવાવાડમાં પદમાણી(લક્ષ્મી)માતાનું મંદિર બન્યું તેનો લેખ, જે હાલ તે જ મંદિરમાં આવેલો છે. પદમાણીનો સીધો સંબંધ વેપાર સાથે છે. પોરબંદરમાં ખાડીકાંઠે આવેલું પોરાવમાતાનું મંદિર પણ મહાલક્ષ્મીમંદિર છે. જેમ ‘ચોર' ઉપરથી ‘ચોરાવ' તેમ ‘પોર' ઉપરથી ‘પોરાવ’ છે. ઘણા ઇતિહાસ લેખકો પોરાવમાતા ઉપરથી ‘પોરબંદર' નામ આવ્યાનું વિધાન કરે છે. તે “ચોરાવ' ઉપરથી ‘ચોર' આવ્યા જેવી અવળી ગતિ છે !
(૫) ઈ.સ. ૧૩૩૫નો પાળિયો. આ પાળિયો વહાણવટી વેપારીઓ અને ખારવાઓનો પાળિયો છે, હાલ ખારવા પૂજે છે. જ્યુબિલી પુલ નો'તો ત્યારે નાનાં વહાણો ખાડીમાં અંદર પોરાવમાતાના મંદિર સુધી આવતાં,
ત્યાં ખાડીકાંઠે આ પાળિયો આવેલો છે. અહીં વંચાતો ‘કુમારપાલી સોલંકીકુમારપાળ ન હોઈ શકે કારણ કે તે ૧૧૪૨ થી ૧૧૭૨ વચ્ચે પાટણની ગાદીએ છે. જ્યારે અહીં ૧૩૩૫ સ્પષ્ટ છે એટલે માંગરોળનો ગોહિલ કુમારપાલ છે. પોરબંદરમાં ‘ગોહિલ' ખારવાઓ છે.
(૬) ઈ.સ. ૧૫૭૪નો રાણા રામદેવજીનો પાળિયો, જે સુદામામંદિરના પટાંગણમાં નાની ડેરીમાં આવેલો છે. ધૂમલીના જેઠવાવંશના રાણા રામદેવજીનો જામનગરમાં ઘાત થયેલો. જામનગરની ગાદીએ જામ સતાજી (ઈ.સ. ૧૫૬૯-૧૫૯૨) હતા. સતાજી અને રામદેવજી સગા મામા-ભાણેજ હતા, ત્યારે ધૂમલીભંગ થઈ ગયેલો અને જેઠવાની ગાદી રાણપરમાં હતી. રાણપુરની ગાદીએ ઈ.સ. ૧૫૫૯માં રામદેવજી આવ્યા ત્યારે જામનગરની ગાદીએ જામ વિભાજી (ઈ.સ. ૧૫૬૨-૧૫૬૯) છે. વિભાજીની પુત્રી બાઈજીબા રાણપુરના ખીમાજી વેરે પરણેલ છે, તેનો દીકરો રામદેવજી, ખીમાજીના મૃત્યુ પછી ગાદીએ આવેલો છે, ત્યારે જામનગરમાં વિભાજીના મૃત્યુ પછી જામ સતાજી (બાઈબાનો ભાઈ) ગાદીએ આવેલ છે. એને રાજની સીમા વધારવાનો ભારે અભરખો છે, આ કારણે ભાણેજને જામનગર બોલાવી, રાજમહેલમાં જ ઘાત કરેલ છે. રામદેવજીના ચારણ લાગીદાસે જામનગરના પાદરમાં ત્રાગું કરેલ છે. રામદેવજીના યુવરાજ ભાણજી પોતાની પત્ની કલાંબાઈ અને બાળ ખીમાજીને લઈને રાણપુરથી ભાગેલા
For Private and Personal Use Only