________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાબરકાંઠા જિલ્લાના મુડેટી ગામનું પ્રદાન
વસંત આર. પટેલ*
આપણો ભારત દેશ પ્રાચીનકાળથી માંડીને અર્વાચીનકાળ સુધી વારંવાર પરતંત્ર બન્યો છે, તો તેની સાથે સ્વતંત્ર પણ થયો છે, આ દેશના અનેક રાષ્ટ્ર નાયકોએ દેશને ગુલામી રૂપી બેડિયોમાંથી સ્વતંત્ર કર્યો છે. એટલે આ દેશની પ્રજાએ જય-પરાજયના અનેક અનુભવો કર્યા છે.
પરંતુ સાંપ્રત સમયમાં આવા રાષ્ટ્ર નાયકો અને તેમના ત્યાગ-બલિદાનો સમાજ તરફથી ભૂલાતા જાય છે. દેશની સ્વતંત્રતા માટે માત્ર કોઈ પ્રદેશ કે કોઈ એક સ્થળ દ્વારા પ્રવૃત્તિઓ થઈ ન હતી. બીજા રાજ્યોની સાથે રહીને ગુજરાતે પણ સ્વાતંત્ર્યની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે ને અવ્વલ નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
કોઈપણ દેશની પરતંત્ર પ્રજાએ વિદેશી શાસનને લડત આપ્યા વિના તેની પાસેથી સ્વતંત્રતા મેળવી હોય તેવું બન્યું નથી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે પ્રજા બલિદાન આપવા તૈયાર થાય છે, ત્યારે જ તે આઝાદીનો આનંદ માણી શકે છે.'
ગૌરવશાળી ગુજરાતની અસ્મિતામાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું પણ દેશના ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. આ જિલ્લાની પ્રજાની શાંત તાકાત અને દેશભક્તિ વખતો વખત રાષ્ટ્રભાવના સાથે પ્રગટ થઈ છે. અને સ્વાતંત્ર્યની પવિત્ર વેદીને પ્રજવલીત રાખી છે.
આ પ્રસ્તુત લેખમાં સાબરકાંઠાના મુડેટી ગામના ઠાકોર સૂરજમલે ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો સામે માથુ ઉચક્યું હતું તેનું વિસ્તૃત વર્ણન આપવાનો ઉપક્રમ સેવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના મુડેટી વિસ્તારમાં એક વનવાસી લોકગીતમાં ૧૮૫૮માં ઠાકોર સુરજમલે કરેલા બળવાની સ્મૃતિ સંગ્રહવામાં આવી છે.
સાબરકાંઠાના ઈડર તાલુકાથી ૧૭ કિ.મી. એ વસેલું મુડેટી ઇડરના રાજા સાર્વભૌમત્વ હેઠળનું એક નાનકડું રાજય હતું. મુડેટીના ઠાકોર સૂરજમલ પાણીદાર અને સ્વમાની ઠાકોર હતા. ૧૮૫૩માં હિંમતનગરનો રાજા કરણસિહ મૃત્યુ પામ્યો ત્યારે, પોલિટીકલ એજન્ટ અસ્કિન વિરુદ્ધ કરણસિંહની રાણીઓને સતી થવા દઈને સૂરજમલે અંગ્રેજો સામે બહારવટું ખેલ્યું હતું. ત્યારથી જ મુડેટીના ઠાકોર સામે વેર રાખવામાં આવ્યું હતું.
ઈ.સ. ૧૮૫૭ના વિપ્લવ પછી ૧૮૫૮માં ગુજરાતના કમિશનર શેક્સપિયરે, ગુજરાતને નિઃશસ્ત્ર બનાવવા પોલિટીકલ એજન્ટો ન્યાયધીશો તથા પોલીસની મદદથી શસ્ત્રો ઝડપી લીધાં. તેથી મહીકાંઠા, પંચમહાલ, અમદાવાદ અને રેવાકાંઠા જિલ્લાએ શસ્ત્રો સોંપવામાં ઈનકાર કર્યો તેથી ગુજરાતમાં આ નિર્ણય સામે ઠેર ઠેર બંડ થયાં.
ઈડરના રાજા ઠાકોર જવાનસિંહજીએ આજુબાજુના ઠાકોર તથા જમીનદારોની બેઠક બોલાવી, સભામાં નિઃશસ્ત્રીકરણ પત્ર ફેરવવામાં આવ્યો. આ પત્ર મુડેટીના ઠાકોરના હાથમાં આવ્યો અને તે જ ઘડીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના, તેમણે ભરી સભામાં જ નિઃશસ્ત્રીકરણ સ્વીકૃતિપત્રને તલવારથી ઊભો ચીરી નાખ્યો અને સિંહગર્જના કરી. અમારી ક્ષત્રિયોની પ્રતિજ્ઞા છે કે મહેમાનોનો વધ ન થાય, હથિયાર લેવાં હોય તો હથિયારો લઈને આવજો."
* સંશોધક, ઇતિહાસ-ભારતીય સંસ્કૃતિ, મુ. માલપુર, તા. વડાલી, જિ. સાબરકાંઠા.
૧૧0
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only