________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાદશાહી શહેરની પોળો
છે. સુભાષ બ્રહ્મભટ્ટ* સામાજિક, આર્થિક સુરક્ષાનું પ્રતીક એટલે પોતાનું ઘર. ઇતિહાસનાં જુદાં જુદાં પાનાંઓ તપાસતાં જણાય છે કે સમયે સમયે મનુષ્ય પોતાના રહેઠાણમાં વાતાવરણને અનુરૂપ ફેરફારો કર્યા છે. વિજ્ઞાનની જેમજેમ શોધખોળો થતી ગઈ તેમ તેમ મનુષ્ય પોતાની સગવડો વધારવામાં વિજ્ઞાનનો વિનિયોગ કરતો ગયો છે. પોતાની સુરક્ષા અને સાધનોની ઉપલબ્ધિને ધ્યાનમાં લઈને મનુષ્ય રહેઠાણ વિકસાવ્યા છે. પથ્થર યુગનો માનવી ગુફામાં રહેતો હતો. અને આજે ૨૧ મા સૈકામાં માણસ સિમેન્ટ, કોંક્રીટના જંગલ વચ્ચે સો મજલા ઊંચી ઈમારતમાં વસવાટ કરે છે.
એમ કહેવાય છે કે મનુષ્યો વચ્ચે જયારે સંબંધોની કોઈ ભૂમિકા ન હતી ત્યારે માનવી એકલો એકલવાયું જીવન જીવતો હતો. પરંતુ ખેતીની શોધ થતાં મનુષ્યનું જીવનસ્થિર થયું. આ સ્થિરતાને પરિણામે મનુષ્યને પોતાના સુરક્ષિત વસવાટની આવશ્યકતા ઊભી થઈ. આ સુરક્ષિત વસવાટ એટલે મનુષ્યનું પોતાનું રહેઠાણ. સામૂહિક જીવનની ભાવનાનો વિકાસ થતાં સમૂહ રહેઠાણોનો વિચાર વહેતો થયો અને ધીમે ધીમે આ સામૂહિક રહેઠાણ ગામ તરીકે ઓળખાવા લાગ્યા. મજાની વાત એ છે કે એકસરખું કામ કરનારા લોકો અને એકસરખી વિચારધારા ધરાવતા લોકોએ પોતપોતાનો સમૂહ ઊભો કર્યો. અને આ સમૂહ આજે લત્તા, પોળ કે સોસાયટી તરીકે ઓળખાય છે.
આપણા ગુજરાતમાં જે જે વિસ્તારોમાં રહેઠાણોના વસવાટનો વિકાસ થયો છે તેમાં મોટે ભાગે સુરક્ષાનો વિચાર સૌથી પહેલો કરવામાં આવ્યો. એથી જ સ્વતંત્ર મકાનોને સ્થાને એકબીજાની દિવાલોને અડોઅડ રહેઠાણો ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રકારનાં રહેઠાણી માટે આપણે ત્યાં પોળ શબ્દ-પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં પોળોનું બાંધકામ ક્યારે અને કેવી રીતે શરૂ થયું તે કહેવું મુશ્કેલ છે. ગુજરાતના સૌથી મોટા બાદશાહી શહેર અમદાવાદમાં અસંખ્ય પોળો આવેલી છે. પરંતુ અમદાવાદ તો છેક ૧૫ મા સૈકામાં બંધાયું. એ પહેલાં પાટણ એ ગુજરાતની રાજધાનીનું નગર હતું. અને ત્યાં પણ આઇને અકબરીમાં જણાવ્યા પ્રમાણે નાની મોટી પોળો બંધાઈ ગઈ. સલ્તનત પછી મુઘલકાલમાં ધીમે ધીમે ગુજરાતમાં પોળ જેવાં રહેઠાણોનો વિકાસ થયેલો જણાય છે. છેક મરાઠાકાલમાં તો નાની મોટી અનેક પોળો અમદાવાદ, પાટણ, વડોદરા, સુરત વગેરે શહેરોમાં જોવા મળે છે.
બાદશાહી શહેર અમદાવાદમાં આ પોળોનું બાંધકામ કેવી રીતે થયું અને તેની બાંધણીના મૂળમાં શું ધ્યાનમાં રાખ્યું હશે તે ખૂબ જ રસપ્રદ છે. સૌથી પહેલાં તો ગુજરાતમાં થતા વારંવારના આક્રમણથી બચવા એક સુરક્ષિત સમૂહ વસવાટની આવશ્યકતા ઊભી થઈ. આ વસવાટ એવો હોય કે જેમાં સમય આવે બધી જ વ્યવસ્થા ઊભી કરી શકાય. અને આ પોળના સ્ટ્રકચરને સમજીએ તો આપોઆપ ખ્યાલ આવશે કે આપણા વડવાઓએ આ પોળના સ્વરૂપમાં કેવી રીતે સુવિધાઓ ઊભી કરી છે.
સામાન્યપણે ગુજરાતની પોળો ખાસ્સી ઊંડી હોય છે. સામાન્યપણે પોળને એક જ દરવાજો હોય છે. કેટલીક પોળોમાં પાછલા દરવાજાઓથી બીજી પળોમાં જઈ શકાય તેવી વ્યવસ્થા પણ હોય છે. જેને બારી પણ કહેવાય છે. પોળનો મુખ્ય દરવાજો ગામ કે નગરના મુખ્ય રસ્તા ઉપર પડતો હોય છે. દરવાજાને મોટા કમાડ હોય છે. મોટે ભાગે પોળોના દરવાજા કમાનવાળા અને કેટલીકવાર ડહેલા જેવા ચોરસ હોય છે. પ્રવેશના મુખ્ય * આચાર્ય, શ્રી એચ.કે.આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૬૦
For Private and Personal Use Only