________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનો નમૂનો જોવા મળે છે. અહીં મંડનકૃત ‘પારિજાતમંજરી નાટિકા'ના ચાર અંકો પૈકી બે અંકો દીવાલ પર કોતરીને લખવામાં આવ્યા હતા. ભોજે પ્રાકૃતમાં રચેલાં બે કાવ્યો પણ અહીં ભીંત પર કોતરવામાં આવ્યાં હતાં. ‘સૂર્યશતક'ની પંક્તિઓ ધરાવતો એક સ્તંભનો નાનો ભાગ કાંચીપુરમાંથી મળ્યો છે. આ પંક્તિઓ ૧૧મી સદીની ગ્રંથલિપિમાં કોતરેલી છે. આ પરથી અનુમાન કરી શકાય કે ત્યાંના સૂર્યમંડપમાં સંપૂર્ણ ‘સૂર્યશતક’ હસ્તપ્રત કોતરેલા સ્તંભો હોવા જોઈએ. તિરુચિરાપલ્લીના એક શૈલાત્મક મંદિરની દીવાલો પર સંપૂર્ણ ‘સૌંદર્યલહરી’ કોતરેલી હતી.
તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલભી, બનારસ, કાંચી વગેરે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો સાથે મોટા પુસ્તકભંડારો સંકળાયેલા હતા અને તેમાં સેંકડો ગ્રંથો હતા. આ પુસ્તકભંડારોમાં પુસ્તકારિણી સરસ્વતીની પ્રતિમા રાખવામાં આવતી. આ પ્રકારની સરસ્વતીની એક પ્રતિમા રાજા ભોજે ધારના પુસ્તકભંડારને આપી હતી. આનો ઉલ્લેખ પ્રતિમાની પીઠિકા પરના લેખમાં કરવામાં આવ્યો છે. હાલ આ પ્રતિમા બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બૌદ્ધ વિદ્યાપીઠોમાં પણ સરસ્વતીની આવી પ્રતિમા રાખવામાં આવતી. નાલંદા વિદ્યાપીઠમાં વીણાધારિણી બૌદ્ધ વિદ્યાદેવીની પ્રતિમા હતી. વિદ્યાપીઠો અને મહાવિદ્યાલયો સાથે સંકળાયેલાં ગ્રંથાલયો સરસ્વતીભંડાર તરીકે ઓળખાતાં. શેદેિવીના એક અભિલેખમાં ત્યાંના મંદિરના સરસ્વતીભંડારને એક બ્રાહ્મણ દ્વારા દાન આપવાનો ઉલ્લેખ છે. શ્રીરંગના મંદિરમાં સરસ્વતીભંડારનો ઉલ્લેખ કરતો એક અભિલેખ મળ્યો છે. નાલંદાના સાધુના પાલન-પોષણના અને ત્યાંના ગ્રંથોની નકલ કરવાના ખર્ચ પેટે દેવપાલે રાજગૃહ જિલ્લાના પાંચ ગામો દાનમાં આપ્યાં હોવાનું મુગિરિ(મોંધીર)ના તામ્રપત્ર દ્વારા જાણવા મળે છે. બુક્ક બીજા અને દેવરાયના સમયના વિજયનગરના બે અભિલેખોમાં ગુંગેરી મઠના ગ્રંથાલયને રાજ્ય તરફથી મળેલ આર્થિક સહાયનો નિર્દેશ છે. અમોઘવર્ષ ૧લાના સમયમાં ભદ્રવિષ્ણુએ પુસ્તકોની ખરીદી માટે દાન આપ્યું હતું.
વેદોનું સન્માન થતું. વેદને ‘ત્રયીપુરુષ’ માનીને તેની પૂજા થતી. બીજાપુરના સલોી ગામમાં કૃષ્ણ ત્રીજાના સમયમાં રાષ્ટ્રકૂટ સમ્રાટના મંત્રી નારાયણે એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી અને તે ‘ત્રયીપુરુષ'ને અર્પણ કરવામાં આવી હતી.
રાજાઓ તરફથી ગ્રંથનું કેટલું બધું સન્માન કરવામાં આવતું તેનો ઉત્તમ દાખલો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનો છે. માળવાના ‘ભોજ વ્યાકરણ'થી પણ ચઢિયાતો વ્યાકરણગ્રંથ રચવા સિદ્ધરાજે આચાર્ય હેમચંદ્રાચાર્યને વિનંતી કરી. આ ગ્રંથ પૂરો થયા બાદ તેને ‘સિદ્ધ-હેમશબ્દાનુશાસન’ નામ આપવામાં આવ્યું. હાથી પર સોનાની અંબાડી પર પધરાવી પાટણ નગરમાં તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં સિદ્ધરાજ પોતે આચાર્યની સાથે પગે ચાલતો હતો. આ રીતે એક મહાન ગ્રંથને મહાન રાજવી દ્વારા ભવ્ય રીતે સમ્માનિત કરવામાં આવ્યો.
ગ્રંથની સાધના માટે ભારદ્વાજ ઋષિનો દાખલો જાણીતો છે. વેદનો અભ્યાસ કરતાં ભારદ્વાજે ત્રણ વખત માનવજન્મ ધારણ કર્યો. વેદોનો અભ્યાસ ચાલુ રાખવા ભારદ્વાજે ઇન્દ્રને ફરીથી વિનંતી કરી. ઇન્દ્ર જણાવ્યું કે, ‘વેદોનું જ્ઞાન અનન્ત છે, તમે જે જ્ઞાન મેળવ્યું તે તો ત્રણ મૂઠીભર છે.' ગ્રંથનું પારાયણ કરવામાં જેને ત્રણ માનવભવ પણ ઓછા પડ્યા તેવા ગ્રંથ-સાધક ભારદ્વાજનો જોટો જડે તેમ નથી.
જ્ઞાનની વિવિધ વિદ્યા-શાખાઓ પ્રત્યે ભારતીય માનસમાં ઊંડા માનની લાગણી હતી. તેની પ્રતીતિ દર વર્ષે ઊજવાતા ઉપાકર્મમાં પ્રતિબિંબિત થયેલી છે. તે દિવસે લોકો સમૂહમાં એકત્ર થતા અને અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લેતા. તે પછીના દિવસે આખા વર્ષ દરમિયાન વધુ ને વધુ અભ્યાસ વધારવાનો મહાસંકલ્પ કરતા. આ વિધિ આજે પણ વિશેષ કરીને દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ ઊજવવામાં આવે છે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ॥ ૩૮
For Private and Personal Use Only