________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સ્વીકારાતી ગઈ છે. આજનો ઇતિહાસકાર ભૂતકાળના બનાવોને વૈચારિક માળખામાં ગોઠવવા માટે અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના સિદ્ધાંતોનો ખૂબ જ ચીવટપૂર્વક ઉપયોગ કરે છે. આવાં કારણોસર આજનાં કેટલાક સર્જનશીલ સામાજિક કાર્યકરો, ઉદ્યોગપતિઓ, વ્યાપારી પ્રતિષ્ઠાનોના સંચાલકો, સાહિત્યકારો, અમલદારો અને સમાજ સુધારકો ઇતિહાસના ગ્રંથોને ઉપયોગી ગણીને તે વાંચે છે અને સાર ગ્રહણ કરે છે.
આજે સંશોધનનાં કેટલાંક નવાં ક્ષેત્રો વિકસ્યાં છે. તેમાં પ્રયોજકીય ઇતિહાસ(entrepreneurial history) નું પણ સ્થાન છે. વેપારીઓ, શરાફો, ઉદ્યોગપતિઓ, ખેડૂતો અને કારીગરો જેવા જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયા હોય તેમની પ્રવૃત્તિઓમાં રહેલી સર્જનશક્તિ અને ખાસ કરીને નવી નવી રીતે કાર્ય કરવાની તેમની શક્તિ (inrovative talents) ને તેના સામાજિક સંદર્ભમાં પ્રયોજકીય ઇતિહાસકારો મૂલવે છે. આ દૃષ્ટિએ પ્રયોજકોને આર્થિક વિકાસના અને આર્થિક-સામાજિક પરિવર્તનના મુખ્ય ચાલકો ગણવામાં આવ્યા છે.
આર્થિક અને પ્રયોજકીય ઇતિહાસકારોનું એક નોંધપાત્ર પ્રદાન એ છે કે તેમણે સામ્રાજ્યવાદી યુરોપીય અને અમેરિકન વિદ્વાનોનાં ભારતને હલકો ચીતરતાં લખાણોને જોરદાર રદિયા આપ્યા છે. મેક્સ વેબર, વેરા એન્ટી, વિલિયમ કૅપ અને મોરિસ ડેવિડ મોરીસ જેવા યુરોપકેન્દ્રી વિદ્વાનોએ એવી દલીલો કરી હતી કે “ભારત ઉપર બ્રિટિશ હકૂમત સ્થપાઈ તે પહેલાં ભારત ખેતી અને વ્યાપાર-ઉદ્યોગ તેમજ ટેક્નોલોજીને ક્ષેત્રે યુરોપની સરખામણીમાં ઘણું પછાત હતું અને તેને માટે હિંદુઓની જ્ઞાતિસંસ્થા તેમજ તેમના પારલૌકિક આચારવિચારો જવાબદાર હતા.” અંગ્રેજોએ આ પ્રકારના હક-દાવાઓ એશિયા અને આફ્રિકાના દેશો ઉપર તેમનું સામ્રાજ્ય દૃઢ કરવા અને વળી તેને નૈતિક સમર્થન આપવાના આશયથી કર્યા હતા.
પરંતુ ભારતીય ઇતિહાસ-સંશોધકોએ આવા પ્રચારાત્મક હક-દાવાઓને આહ્વાન આપતાં લખ્યું છે કે મધ્યકાલીન ભારતમાં, એટલે કે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થપાયું તેનાં ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં, ભારત વ્યાપારઉદ્યોગ અને ટેકનોલોજીને ક્ષેત્રે યુરોપની સરખામણીમાં ન તો પાછળ હતું કે ન તો તેના કહેવાતા “પછાતપણા” માટે તેની જ્ઞાતિ-સંસ્થા કે ધાર્મિક મૂલ્યો જવાબદાર હતાં. અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને ખોરવ્યું તે પહેલાં મુઘલ-ભારતે તેના સામંતશાહી ઢાંચામાંથી મહત્ત્વપૂર્ણ મૂડીવાદી તત્ત્વો વિકસાવ્યાં હતાં, પરંતુ વ્યાપારી મૂડી પરિપક્વ થઈને અર્થપૂર્ણ રીતે ઔદ્યોગિક મૂડીમાં રૂપાંતર પામે તે પહેલાં તો ભારત ઉપર બ્રિટિશ શાસન આરૂઢ થઈ ચૂક્યું હતું !
આ બાબતમાં મારે નમ્રતાપૂર્વક જણાવવાનું કે મેં મારાં સંશોધનોમાં ઉપર્યુક્ત યુરોપકેન્દ્રી વિચારસરણીને સૈદ્ધાંતિક રીતે અને નવા સ્રોતોને આધારે પડકારી છે. મેં એમ બતાવ્યું છે કે ગુજરાતે તો વ્યાપારી સંસ્કૃતિ ખીલવી હતી અને આ પ્રદેશમાં માત્ર જૈનો અને વૈષ્ણવ વાણિયાઓ જ નહિ, પણ બ્રાહ્મણો, રાજપૂતો, લોહાણા, ભાટિયા, સુથાર અને કણબી જેવી વૈશ્યતર જ્ઞાતિઓમાં જન્મેલા માણસો પણ જાણીતા બન્યા હતા. હકીકતમાં તો ગુજરાતે “વ્યાપારી જ્ઞાતિઓ” નહિ, પણ “વ્યાપારી વર્ગ” વિકસાવ્યો હતો. અમદાવાદ અને સુરતમાં પાંગરેલ મહાજનોમાં હિંદુ, જૈન અને મુસલમાન વેપારીઓ સામેલ થયા હતા. ૧૭મા સૈકાનો સુરતનો શરાફ અને વેપારી દયારામ નાગર બ્રાહ્મણ હતો. આ સમયે વૈશ્ય જ્ઞાતિઓ ધરાવતા વેપારીઓ ઉપરાંત કેટલાએ ભાટિયા અને બ્રાહ્મણો પરદેશ વસતા હતા. ૧૮મા સૈકાનો સુરતનો સુપ્રસિદ્ધ શરાફ અર્જુનજી નાથજી ત્રવાડી બ્રાહ્મણ હતો. તેનો સમકાલીન કચ્છનો કરોડપતિ શાહસોદાગર સુંદરજી શિવજી ખત્રી હતો. ગુજરાતમાં નવી ટેક્નોલોજીને આધારે મિલ-ઉદ્યોગની સ્થાપના કરનાર રણછોડલાલ છોટાલાલ અને બેચરદાસ લશ્કરી અનુક્રમે સાઠોદરા નાગર અને કડવા પટેલ હતા. સુપ્રસિદ્ધ મફતલાલ ગ્રુપના સ્થાપક મફતલાલ ગગલભાઈ કડવા પટેલ હતા. વડોદરાની એલેમ્બિક કંપનીના સ્થાપકો ત્રિભુવનદાસ ગજ્જર અને ભાઈલાલભાઈ અમીન
સાહિત્ય, સામાજિકશાસ્ત્રો અને ઇતિહાસ : ગુજરાતના ઇતિહાસની પલટાતી જતી દિશાઓ D ૨૨
For Private and Personal Use Only