________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર્મદ, કવિ દલપતરામ, દુર્ગારામ અને મહિપતરામ જેવા સમાજસુધારકોની પ્રવૃત્તિઓ મોટેભાગે ઉચ્ચવર્ણના અને નગરોમાં વસતા હિંદુ સમાજ પૂરતી મર્યાદિત હતી. આ દૃષ્ટિએ જોઈએ તો મહાત્મા ગાંધીજી પહેલાં ગ્રામસુધારણાનો કાર્યક્રમ અમલી બનાવનાર સૌપ્રથમ વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડ હતા. ગાંધીચીંધ્યા માર્ગે આદિવાસી-ઉત્કર્ષ પ્રવૃત્તિઓ :
ઈ.સ. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી હિંદમાં કાયમી વસવાટ કરવા માટે ગાંધીજી આવ્યા. ગાંધીજીએ એક તરફ બ્રિટિશ સામ્રાજ્ય સામે અહિંસક રીતે લડવાના કાર્યક્રમો આપ્યા. સમસ્ત હિંદની પ્રજાને તેમણે ભેગી કરી. બીજી તરફ તેમણે હરિજનો અને આદિવાસીઓ સહિત ગરીબ લોકોની ઉન્નતિ કરવાના ભગીરથ પ્રયાસો આદર્યા. તેમણે “માસ મુવમેન્ટ” – એટલે કે પ્રજાકીય આંદોલન શરૂ કર્યું. તેમાં હરિજનો, ખેડૂતો અને આદિવાસીઓ જોડાયા. ગાંધીજીએ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને હાની પ્રથામાંથી મુક્ત કરાવવાના પ્રયાસો કર્યા. બીજી તરફ તેમણે દારૂ-તાડીના વ્યસનમાંથી આદિવાસીઓને મુક્ત કરાવવાના પ્રયાસો કર્યા. જુગતરામ દવે જેવા તેજસ્વી સામાજિક કાર્યકરો (Grass Root Workers) આ રીતે ઊભા થયા. તેમણે રચનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે ખાદીનું કામ ઉપાડી લીધું. ઈસ. ૧૯૨૨ અને ત્યારબાદ બારડોલી, વેડછી, સરભોણ અને વ્યારા જેવા ગામોમાં સ્વરાજ આશ્રમો શરૂ થયા. આ અંગેનું વર્ણન અને વિશ્લેષણ સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈએ તેમના ગ્રંથમાં અસરકારક રીતે કર્યું હોવાથી તેને દોહરાવવાની જરૂર નથી. માત્ર એટલી જ સ્પષ્ટતા કરવી છે કે નિરક્ષર અને અભણ આદિવાસીઓ સુધી પહોંચવા માટે ગાંધીવાદી પાયાના કાર્યકરો સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરતા. તેઓ કાવ્યો દ્વારા પણ ગાંધીવાદી કાર્યક્રમોને આદિવાસી સમાજમાં લોકપ્રિય બનાવતા. તેમાંથી ઉકાભાઈ ચૌધરી જેવા અનેક આદિવાસી નેતાઓ ઊભા થયા. આદિવાસી સમાજમાં એટલે કે ગ્રામીણ સમાજમાં પ્રસરેલાં ગીતો કવિ કાન્ત, નરસિંહરાવ કે કલાપી, ઉમાશંકર જોષી કે સુંદરમૂની ભાષા અને શૈલી મુજબનાં ન હતાં. તે તો સમાજપરિવર્તનના ધ્યેયને અમલી બનાવવાના ઇરાદાથી રચાયાં હતાં. આદિવાસીઓનું શોષણ કરનાર મુખ્યત્વે શાહુકારો અને દારૂતાડીને પીઠાવાળાઓ હતા. તેમની પ્રવૃત્તિઓથી વાકેફ બનીને તેમને જાગ્રત કરવાનો આવાં કાવ્યોનો મુખ્ય ઉદેશ હતો.
“લખમીધર શેઠ” હું તો લખમીધરજી શેઠ, મારું બહુ મોટું છે પેટ ! દુનિયા આખી સમાય તેમાં, સોના-ચાંદી સમેત ! મારું બહુ મોટું છે પેટ ! દુકાળિયાંની ભૂખ, એ તો મારું મોટું સુખ! એ ભૂખમાંથી મહોર પકાવું, એવો મારો પંચ ! મારું બહુ મોટું છે પેટ ! દારૂડિયાનો દારૂ; એ તો મારું ધનનું બારું ! ધન આપે ને ઉપર આપે માગું એટલી વેઠ ! મારું બહુ મોટું છે પેટ !
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ x ૧૧૨
For Private and Personal Use Only