________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરથી અને ઉપલા વર્ણમાં ઘીના વપરાશના પ્રમાણ ઉપરથી તેમની મોટાઈનું મૂલ્યાંકન કરાતું હતું. દારૂ પીવાનું અમુક વર્ગ પૂરતું મર્યાદિત હતું. પરંતુ પછીથી કેટલાંક પ્રગતિશીલ રાજ્યોએ દારૂબંધી ફરમાવી હતી.
હોકો, ચલમ કે બીડી પીવાનાં વ્યસનો પણ હતાં. પરંતુ પછીથી તો તેમાં ગાંજાનો ઉપયોગ શરૂ થયો હતો. જુગાર પણ રમાતો હતો. જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન વરસમાં એક વાર જુગાર રમવાને સમાજમાં ખરાબ ગણવામાં આવતો નહિ. ૧૯૩૮માં રાજકોટ રાજ્ય આ તહેવાર ઉપર જાહેર જુગાર રમવા માટેનું કેન્દ્ર ખોલવાની પરવાનગી આપતાં, રાજકોટની પ્રજાએ તેનો વિરોધ કરી સત્યાગ્રહ કર્યો હતો. વેશ્યાવૃત્તિ જાહેરમાં જોવા મળતી ન હતી, પરંતુ શહેરમાં તે છાનેછપને ચાલતી હતી. ઉપરાંત અંધશ્રદ્ધા, વહેમો, ગ્રામ સમાજમાં વિશેષ હતાં. દોરા, ધાગા, મંત્ર, તંત્ર, ડાકલાં, ભૂવા વગેરેનો પ્રભાવ હતો. અસ્પૃશ્યતાની ભાવના પ્રબળ હતી. પરંતુ શિક્ષણના પ્રસાર અને રાષ્ટ્રીય ચળવળના પ્રભાવને કારણે આ બધાં દૂષણોની પકડ ઢીલી પડી હતી.
સૌરાષ્ટ્રમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં તથા વીસમી સદીના પૂર્વાર્ધમાં ૧૮૫૮ થી ૧૯૪૮ ના ૯૦ વર્ષના ગાળામાં સામાજિક ક્ષેત્રે ઘણાં દૂષણો પ્રવર્તતાં હતાં. આ ગાળામાં વિશ્વમાં તથા ભારતમાં થયેલ સુધારાની ચળવળની અસર સૌરાષ્ટ્રમાં પણ થઈ હતી. તેમાં પણ કેટલાક પ્રગતિશીલ ઉદારવાદી રાજવીઓ, કેટલાક દિવાનો, બ્રિટિશ એજન્સી સાથે સંકળાયેલા કેટલાક ગુજરાતી અમલદારો, કેટલીક બિન-સરકારી સંસ્થાઓ તથા કેટલાંક વૃત્તપત્રો કે સામયિકોના સંયુક્ત પ્રયત્નોના પ્રભાવ સ્વરૂપે સમાજમાં જાગૃતિ આવી હતી. શિક્ષણ પામેલા શહેરીજનો જૂનાં રૂઢિબંધનો અને અંધવિશ્વાસો તથા વહેમોને તિલાંજલી આપી નૂતન સમાજના સર્જનમાં સહયોગી બનવા પ્રેરાયા હતા. બ્રિટિશ એજન્સીના વહીવટકર્તાઓ પણ આવી સુધારક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા હતા. ભાવનગરના તખતસિંહજી અને ભાવસિંહજી-બીજા, રાજકોટના લાખાજીરાજ, ગોંડલના ભગવતસિંહજી, પોરબંદરના નટવરસિંહજી, મોરબીના વાઘજી જેવા રાજવીઓ; ગંગા ઓઝા, પ્રભાશંકર પટ્ટણી, ગોકળજી ઝાલા, કબા ગાંધી, કરસનદાસ મૂળજી જેવા દીવાનો; દુર્ગારામ મહેતા, મણિશંકર કીકાણી, હરગોવિંદદાસ કાંટાવાલા, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, કવિ નાનાલાલ જેવા એજન્સીના અધિકારીઓ તથા અનેક બિન-સરકારી સંસ્થાઓ અને સામયિકો કે વૃત્તપત્રોએ સમાજસુધારાના કાર્યમાં પોતાનું યોગદાન આપી તેમાં સફળતા મેળવી હતી.
૧૮૭૦-૭૧માં રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના સાથે જ સૌરાષ્ટ્રમાં આધુનિક યુગનો પ્રારંભ થયો તેમ કહી શકાય. પ્રારંભમાં ચાર વર્ષ સુધી “કિંગ કૉલેજ' તરીકે ઓળખાતી રાજકુમાર કોલેજ પરોક્ષ રીતે સૌરાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રે સુધારાનો મશાલચી બને. તેમાં અભ્યાસ કરીને રાજવી બનેલાઓએ પોતાના રાજયમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સુધારા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આમ આ સંસ્થાએ એક જ્યોત પ્રગટાવી જેનાથી સૌરાષ્ટ્રના રાજા તથા પ્રજાનાં અંધવિશ્વાસ,વહેમ, રૂઢિનાં બંધનો, સામાજિક કુરિવાજો જેવા દૂષણોરૂપી અંધકારને દૂર કરી શકાયો. તે રીતે તેણે સૌરાષ્ટ્રના સામાજિક તથા આર્થિક ઉત્થાનમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
પશ્ચિમ ભારતમાં સામાજિક ક્ષેત્રે સુધારા માટેના પ્રયત્ન સૌપ્રથમ મુંબઈમાં અને પછીથી સુરત અને અમદાવાદમાં થયા હતા. તે માટે ૧૮૪૪માં સુરતમાં માનવધર્મસભા અને ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ હતી. સૌરાષ્ટ્રમાં સુધારાનાં મુખ્ય કેન્દ્ર રાજકોટ અને જૂનાગઢ હતાં. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ શાસનની સ્થાપનાને પગલે સામાજિક ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જાયું હતું. સૌરાષ્ટ્રમાં બ્રિટિશ વહીવટતંત્રમાં અથવા દેશી રાજયોમાં મહત્ત્વના હોદા ધરાવતા બ્રિટિશ અમલદારો તથા હિંદી અમલદારોએ આ ક્ષેત્રે પહેલ કરી હતી. સૌરાષ્ટ્રમાં સામાજિક સુધારાની ચળવળના મુખ્ય પ્રણેતા હતા - જૂનાગઢના મણિશંકર કીકાણી. તેઓ ૧૮૩૪ થી ૧૮૭૪નાં ૪૦ વર્ષ દરમ્યાન રાજકોટમાં સ્થપાયેલ બ્રિટિશ એજન્સીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહ્યા
સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજકીય પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં સમાજ-પ્રશ્નો,... [ ૯૯
For Private and Personal Use Only