________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓફ ઇન્ડિયન સ્ટડીઝમાંથી આમંત્રણ આવતાં ફરીને બનારસ ગયા. એ સંસ્થાઓમાં કુલ મળી તેઓ ૩૭ વર્ષથી કાર્યરત છે. આ દીર્ઘ સમય દરમિયાન તેમણે દેશભરનાં મંદિરોના તળ આદિના નકશાઓ તૈયાર કરાવ્યા. આ બધી સામગ્રીના આધારે, તેમણે અન્ય શોધકોના સહકારથી, એન્સાઇક્લોપીડિયા ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચરના આઠ ભાગ તૈયાર કરાવી પ્રકાશિત કર્યા છે. જે ભારતીય મંદિરના સ્થાપત્યના ક્ષેત્રે બેનમૂન છે. આ કાર્યને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. સંદર્ભગ્રંથ તરીકે તેનો આજે ખૂબખૂબ ઉપયોગ થાય છે. એ ગ્રંથોમાં તેમની ઊંડી સૂઝ, સૂક્ષ્મ અધ્યયન, તુલનાત્મક દૃષ્ટિકોણ, કળાની પરખ જેવા અનેક ગુણો સહજ જ પ્રગટ થાય છે. તે શ્રેણીમાં એમણે લખેલો કર્ણાટક અને તેલંગણનાં મંદિરો વિશેનો દળદાર સચિત્ર ગ્રંથ એમનું મહાન અને ચિરંજીવ પ્રદાન છે.
સન્ ૧૯૭૭માં શ્રીલંકા અને સને ૧૯૮૩માં ઇન્ડોનેશિયા-જાવા અને બાલિદ્વીપનો-પ્રવાસ ખેડેલો. ત્યાંનાં મંદિરોનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત અમેરિકામાં સન્ ૧૯૮૧માં ફિલાડેલ્ફિયામાં શિવ ઉપરના સિમ્પોઝિયમ, એ જ સાલમાં મિનિમેપોલિસમાં ACCSA ના સેમિનારમાં, ને ઇંગ્લેન્ડમાં એક્સફર્ડમાં ઓશમોલિયન મ્યુઝિયમમાં વ્યાખ્યાન, તેમ જ અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન, સન્ ૧૯૮પમાં જર્મનીમાં હાઈડલબર્ગ યુનિવર્સિટીમાં આયોજિત સેમિનારમાં ઉપસ્થિત રહી જિનપ્રતિમા અને આગમિક તેમ જ સ્તોત્રિક વિભાવના ઉપર ઊંડાણ ભર્યો શોધપત્ર રજૂ કરેલો જેની વિદ્વાનોએ ઘણી પ્રશંસા કરી છે. સન્ ૧૯૮૧ તથા ૧૯૮૩માં યુરોપનો પ્રવાસ કરી ત્યાં રામેનેસ્ક અને ગોથિક સ્થાપત્યનો અભ્યાસ કરેલો જે ભારતીય પુરાતત્ત્વવેત્તા માટે એક વિરલ વાત ગણાય.
આગળ જોઈએ તો ડૉ. મૂર્તિના સહલેખન સાથેનો એમનો કુંભારિયાજીનાં જિનમંદિરો ઉપર એક સુંદર સચિત્રલેખ તાજેતરમાં પ્રકાશિત થયો છે જેમાં તેનાં ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય, પ્રતિમાલેખો આદિ પર અધ્યયન રજૂ કર્યું છે. આણંદજી કલ્યાણજી પેઢી અને કૃતનિધિ ટ્રસ્ટ દ્વારા તારંગા, કુંભારિયા, ગિરનાર, જેસલમેર, મિરપુર, દેલવાડા આદિ કેટલાયે જૈન તીર્થો ઉપર પરિચય પુસ્તિકાઓ તૈયાર કરી છે જે સૌ સાથે એ સ્થળોનાં મંદિરોનાં ઇતિહાસ અને કલા તેમ જ સ્થાપત્ય વિવેચતી અનુપમ પુસ્તિકાઓ છે. તેમણે દેવાલયોની સુશોભનકળા પર પણ શોધલેખો લખ્યા છે. તેમના ચોલ પ્રતિમાકલા, અમથોનો વિભાવ અને પ્રતિમાઓ આદિ વિષયો પરના લેખો દેશવિદેશની વિભિન્ન શોધ-પત્રિકામાં પ્રગટ થયેલ છે. એમના ગુજરાતીમાં પ્રકાશિત જૈન શોધ વિષયક લેખોનો સંગ્રહ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ સમુચ્ચય ભાગ ૧-૨ શારદાબેન ચિમનભાઈ એજયુકેશન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રકાશિત થયેલ છે. તેમના એવા જ બે અંગ્રેજી લેખોના સંગ્રહ પણ ટૂંક સમયમાં જ પ્રગટ થનાર છે.
તેમના ગદ્યલેખનમાં સરળતા અને સહજતા હોવા ઉપરાંત સંબંધકર્તા વિષયની શબ્દાવલી પરિભાષા પણ ધ્યાન ખેંચે તેવી છે. તેમણે હમણાં જ “તામ્રશાસન” નામની એક પુરાતત્ત્વ આધારિત સંદર ફેન્ટેસી વર્ગની ટૂંકી વાર્તા પણ લખી છે. આ ઉપરાંત તેમને પશુ, પક્ષી અને મત્સ્યો સાથેના દોસ્તી-સંબંધના અનુભવ વર્ણવતા લેખો પરબ અને શબ્દસૃષ્ટિમાં પ્રકાશિત થયા છે. સંગીતશાસ્ત્રનું તેમનું જ્ઞાન અદ્ભુત છે. ગુજરાતનો એક માત્ર શાસ્ત્રીય સંગીતની સમાલોચનાત્મક લેખોનો સંગ્રહ સપ્તક પણ તેમણે આપ્યો છે જેની સંગીતજ્ઞો દ્વારા ખૂબ પ્રશંસા થયેલી છે. રત્નશાસ્ત્રના પણ તેઓ સારા જાણકાર છે. તેમણે રત્નો ઉપર પણ લેખો લખ્યા છે, જે હવે પ્રગટ થશે.
આમ, વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પ્રા. મધુસૂદન ઢાંકીનો વિદ્યાકીય પરિચય તો આપ્યો, પરંતુ તેઓ ઉમદા ગુણો ધરાવતા, ઉચ્ચ કોટિના સજ્જન પણ છે. વિદ્વત્તાનો જરાય ભાર નહીં, ઉંમરનો અહંકાર નહીં : પદ અને પ્રતિષ્ઠાનું ગુમાન નહીં, કોઈનું દુઃખ ક્યારેય જોઈ ન શકે, કોઈ દુઃખીને ક્યારેય પણ યત્કિંચિત દુઃખ દૂર કરવાની પરોપકારી વૃત્તિ, પરગજુ, નમ્ર, હસમુખા, વિનોદી અને બાળસહજ વૃત્તિ ધરાવતા પ્રો. મધુસૂદન ઢાંકી એક મહામાનવ છે. જો કે ગુજરાતમાં તેમની કદર નથી થઈ પણ ગુજરાતી તરીકે આપણે ગૌરવ અનુભવી શકીએ તેવી વ્યક્તિ હોવાનું ગુજરાતના સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રના વિદ્વાનો અલબત્ત સુપેરે જાણે છે.
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૫૩
For Private and Personal Use Only