________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી એ ચોક્કસ છે. જો કે બુલ્સર કહે છે તેમ ગુરુમાં રહેલી નબળાઈનું પોતાને પૂરું ભાન હતું. ભગવાનલાલની કે મિત્રપ્રીતિ પણ ગુરુભક્તિ જેવી જ ઉજ્જવલ હતી.
પુરાવિદ્યાના ક્ષેત્રમાં કાર્ય કરનાર ભગવાનલાલના સમકાલીનોમાં ડૉ. રા.ગો.ભાંડારકર, જસ્ટિસ કા.ö. તેલંક, રા.સા.વિ.ના મંડલિક, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક વગેરે દેશી ગૃહસ્થોમાંથી એક ઝવેરીલાલને ભગવાનલાલ સાથે ઊંડો સ્નિગ્ધ સંબંધ હોય એમ એનાં સ્મરણો ઉપરથી દેખાય છે. બાકીના મિત્રો યુરોપીય છે. ડૉ. વ્યૂહલર, ડૉ. કોર્નિંગ્ટન, પ્રો. પીટર્સન, ડૉ. દ.કુન્હા વગેરે સમવયસ્ક, સમાનશીલ અને વિદ્યારસિક સજ્જનો સાથે ભગવાનલાલને મૈત્રીનો મીઠો સંબંધ હતો. ડૉ. કોર્નિંગ્ટન એ સંબંધ વિશે લખે છે કે “ભગવાનલાલને હું ઘરમાં અને ઘર બહાર ઘણી સારી રીતે ઓળખતો હતો. કોઈ પણ હિંદી ગૃહસ્થ કરતાં એને હું વધારે નિકટતાથી ઓળખતો હતો અને અસમાનતા અને પોતાપણાના ભાવથી એમની સાથે વર્તી શકતો. એમનામાં સાદાઈ અને પ્રામાણિકતા એવાં હતાં કે એની હિંદી તરીકેની લાગણીઓને કે ટેવોને ખૂંચે એવું યુરોપીય હોઈને હું કાંઈક કરી કે કહી બેસીશ એવી મને કદી બીક નહોતી લાગતી. તેમજ તેઓને મારે માટે એવી અવ્યવસ્થા નહોતી રહેતી. હું એમની પાસેથી હિન્દુસ્તાનની સર્વ બાબતો-ઇતિહાસ, પ્રાચીન અને અર્વાચીન રૂઢિઓ તથા રીતભાત, કારીગરી અને ઉદ્યોગો, દેશીવૈદ્યક, ધર્મ, જ્ઞાતિઓ અને એ ઉપરાંત જે માટે તેઓ પ્રખ્યાત હતા તે પુરાવિદ્યા એ સર્વ વિશે કાંઈક કાંઈક શીખ્યો છું.”
બ્યૂલર અને ભગવાનલાલ તો, બ્યૂલર મુંબઈમાં હોય ત્યારે, વારંવાર મળતા અને ઝવેરીલાલ કહે છે તેમ “પ્રવાસોમાંથી ભગવાનલાલ અનેકવિધ માહિતીનો ભંડાર અને માનવસ્વભાવનું અવલોકન દર્શાવતા હાસ્યરસપૂર્ણ ટુચકાઓ લઈ આવતા હતા.” મિત્રો મળે ત્યારે ભગવાનલાલ છૂટથી આ સામગ્રીની લહાણી કરતા હશે. બ્યૂલર કહે છે કે ઇ.સ. ૧૮૭૬ના ઑગસ્ટ-ઑક્ટોબરમાં અને ૧૮૭૯ના જુલાઈ-ઑગસ્ટમાં અમે સવારના ૬ થી ૯ સુધી સાથે કામ કરતા. (અલબત્ત ભ.ના લેખો તૈયાર કરવાનું) એ દિવસોને યાદ કરીને બ્યૂલર કહે છે કે “જે દિવસોમાં પંડિત આવ્યા છે એમ માણસ આવીને કહે એની હું આતુરતાથી વાટ જોઈ રહેતો. એ આનંદી દિવસોને હું કદી ભૂલીશ નહિ. તીક્ષ્ણ બુદ્ધિ, નિષ્કપટ માયાળુ સ્વભાવ અને વિશાળ જ્ઞાનથી તેઓ મને બહુ પ્રિય લાગતા.”
સને ૧૮૮૮માં ઓગણપચાસ વર્ષની નાની ઉંમરે, એમનું અવસાન થયું. એમણે દેહ છોડ્યો, એ પ્રસંગ ખરા ઋષિવરની યાદ આપે તેવો છે. પોતાની પાછળ તો કોઈ હતું નહિ એટલે “વીલ” કર્યું હતું. તેમાં પોતાના જૂના પુસ્તકો વગેરે મુંબઈની રોયલ-એશિયાટિક સોસાયટીને આપી દીધાં. તેમાં તેમણે ખાસ વિનંતી કરી કે મારાં પુસ્તકો ઉપર “ડૉ. ભાઉદાજીના શિષ્ય ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ” એ રીતે લખાવવું. સિક્કાઓ તથા મથુરામાંથી મળેલો ખરોદી લિપિમાં લખેલો લેખ સહિત નેતા સિંહના ચિહ્નવાળા અશોક સ્તંભનો ઉપરનો ભાગ એમણે બ્રિટિશ મ્યુઝિયમને ભેટ આપ્યો. તામ્રપત્રો, શિલાલેખો વગેરે મૂળ વ્યક્તિને પાછાં આપી દેવાનું ઠરાવ્યું.
વાલકેશ્વરમાતાનું પોતાનું ઘર એમણે સેનીટોરિયમ માટે ભાટિયા ગૃહસ્થો દ્વારા વાપરવા આપી દીધું. ‘બૉમ્બે ગૅઝેટિયર-વૉલ્યુમ‘માં ‘ગુજરાતનો ઇતિહાસ' ૧૮૯૦ માં છપાયો છે, તે ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજીની સંશોધન નોંધને આધારે જ પ્રગટ થયો છે.
ગુજરાતની યશગાથા ઉકેલનાર આ મહાનુભાવની ‘જન્મ-શતાબ્દી’ સને ૧૯૩૯ માં મુંબઈમાં ઉજવાઈ હતી. તેનો સ્મૃતિગ્રંથ ગુજરાત રિસર્ચ સોસાયટી દ્વારા પ્રગટ થયો છે. આ મહાગુજરાતીના કાર્ય માટે આપણે ગૌરવ લઈ શકીએ છીએ.
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૮
-
For Private and Personal Use Only