________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદકીય આઝાદીના ૫૦મા વર્ષની ઉજવણી કરીએ છીએ ત્યારે પથિક એની સાડત્રીસ વર્ષની યાત્રા પૂર્ણ કરી આ માસથી આડત્રીસમા વર્ષમાં પ્રવેશ કરે છે. આ પ્રકારનાં ગુજરાતી સામાયિકોમાં માસિક તરીકે ઈતિહાસ, પુરાતત્ત્વ, લોકસંસ્કૃતિ અને લોકકલા ક્ષેત્રે આટલી દીર્ઘ સમયમર્યાદાનું આ પ્રથમ માસિક છે, જેનો આનંદ વ્યક્ત કરીએ છીએ અને આ માટે સૌ લેખક મિત્રોનો ઋણસ્વીકાર કરીએ છીએ.
આ દીપોત્સવી અંક કચ્છના આઘઐતિહાસિક યુગના પ્રાચીનતમ સ્થાન ધોળાવીરા નગરને વિષયવસ્તુ કરીને પ્રસિદ્ધ કરી રહ્યા છીએ, જેમાં કચ્છવિષયક અન્ય લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા વિદ્વાન ઈતિહાસવિદો અને પુરાવસ્તુવિદોની સહાયથી આ અંક પ્રસિદ્ધ કરી રહ્યા છીએ ત્યારે એમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
અમારા આજીવન સહાયક અને વાર્ષિક ગ્રાહકોએ જે હૂંફ બતાવી છે તેમજ એજન્ટોએ અમને જે સાથ આપ્યો છે તથા જાહેર ખબર આપવામાં જે સ્વજનોનો સહકાર મળ્યો છે તે સર્વેનો ટ્રસ્ટી-મંડળ વતી અને તંત્રી-મંડળ વતી આભાર વ્યક્ત કરવાનો સંતોષ લઈએ છીએ.
અમારા પથિકના સૌ વાચકોને અમે અભિનંદન સાથે નવા વર્ષનું સર્વ પ્રકારે મંગલ ઇચ્છીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે..
सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥
પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
(સંપાદક)
For Private and Personal Use Only