________________
તા. ૧૬-૪-૨૦૦૦
વગેરે વાહનો હતા. સાંજ પડતાં પહેલાં અમારા વિસ્તારમાં કેટલાક ગામઠી મરાઠી કુટુંબો બિસ્તરા-પોટલા સાથે બળદગાડીમાં રવાના થવા લાગ્યાં હતાં. રેલવે સ્ટેશન તરફનો ધસારો વધી ગયો હતો. આ દશ્યો જોઇ અમારી ચાલીમાં પણ કેટલાકને લાગ્યું કે બૈરા છોકરાંઓને ઝટ દેશભેગાં કરી દેવા જોઇએ. આમેય ૧૯૪૨-૪૩માં યુદ્ધના ભયને કારણે ઘણાં કુટુંબો મુંબઈ છોડી ગયાં હતાં. એટલે કેટલાક મકાનો સૂમસામ થઇ ગયાં હતાં. અમારા કુટુંબમાં પણ વિચારણા થઇ કે બીજે દિવસે કોણે કોણે વતનમાં ચાલ્યા જવું.
તે સાંજે લોકો સમાચાર લાવ્યા (છાપાં-રેડિયો-ટેલિફોનનો પ્રચાર તે દિવસોમાં અલ્પ હતો.) કે જાપાનીઓ નથી ચડી આવ્યા, પણ ગોદર્દીમાં સ્ટીમરમાં દારૂગોળામાં લાગેલી આગના ધડાકા થયા છે. આગ અકલ્પ્ય મોટી છે અને હજુ બુઝાઇ નથી એ વાતની ખાતરી અડધા રાતા આકાશથી થઇ ગઇ. પોતપોતાના મકાનની અગાશીઓમાં ચડીને લોકો વધતી જતી આગ મોડી રાત સુધી નિહાળતા રહ્યા હતા.
પ્રબુદ્ધ જીવન
બીજે દિવસે છાપાંઓમાં સત્તાવાર વિગતો આવી. જાપાનની આગેકૂચને ખાળવા માટે બ્રિટને દારૂગોળો ને નાના યુદ્ધવિમાનો સહિત નૌકાનો કાફલો ઈંગ્લેન્ડથી રવાના કર્યો હતો. ઈંગ્લેન્ડમાં બર્કિનહેડ બંદરેથી ૨૪મી ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ વીસ યુદ્ધ જહાજો ઊપડ્યાં. એની આગેવાની ફોર્ટ સ્ટીકીન નામના જહાજે લીધી હતી. આ બધાં જહાજો ૧૨મી એપ્રિલ કરાંચી બંદરે આવી પહોંચ્યા હતાં. ત્યાં એક દિવસ રોકાઇ ૧૪મી એપ્રિલે સવારે એ જહાજો મુંબઇ બંદરે આવી પહોંચ્યાં. તે અહીંથી કોચીન, કલકત્તા, ઢાકા જઇને રંગૂન પહોંચવાનાં હતાં.
૧૪મી એપ્રિલે સાડા બાર વાગે વિરામના એક કલાકમાં જહાજોના કમાનો, ખલાસીઓ, સૈનિકો શહેરમાં ભોજન વગેરે માટે ગયા. તે વખતે ફોર્ટ કેવિયર નામના જહાજના કપ્તાને ફોર્ટ સ્ટીકીનમાંથી સાધારણ ધૂમાડા નીકળતા જોયા હતા. પરંતુ થોડીવારમાં તે બંધ થઈ ગયા હતા. એક કલાકના વિરામ પછી જહાજના કર્મચારીઓ પાછા ફર્યા ત્યારે ફરી પાછી આગ ચાલુ થઇ ગઇ હતી. એટલે તરત જહાજમાં સાવચેતીનો ઘંટ વગાડ્યો હતો અને ફાય૨ બ્રિગેડને જાણ કરાઇ હતી. જહાજના સભ્યોને જહાજ છોડીને નીકળી જવાનો કેપ્ટને ઓર્ડર આપી દીધો હતો.
સ્ટીમરની આ આગનો સંદેશો મળતાં દક્ષિણ મુંબઇના બધા બંબાવાળાઓ ગોદીમાં પહોંચી ગયા. તેઓએ તરત પાણીનો મારો સ્ટીમર ઉપર ચાલુ કરી દીધો. પરંતુ આગ કાબૂમાં આવતી નહોતી. તેનું મુખ્ય કારણ એ હતું કે સ્ટીમરમાં યુદ્ધ માટેનો દારૂગોળો ભર્યો હતો. બંબાવાળાઓ સમુદ્રના કિનારે ગોદીમાં સ્ટીમરની નજીક બંબા હારબંધ ગોઠવી આગને નિયંત્રણમાં લેવાની ભારે જહેમત ઉઠાવી રહ્યા હતા. પરંતુ આગ અંદર વધતી વધતી એના દારૂખાના સુધી પહોંચી ગઇ હતી. પરિસ્થિતિ અત્યંત ભયંકર છે એવો અંદાજ બંબાવાળાઓને આવ્યો નહિ. વળી તેઓ તો કર્તવ્યપરાયણ હતા. તેઓની તો જિંદગી જ જોખમભરેલી ગણાય. બરાબર સવા કલાકની જહેમત પછી બહારની આગ થોડીક નિયંત્રણમાં આવી, પણ ધૂમાડાના ગોટેગોટા નીકળતા રહ્યા હતા. એવામાં બરાબર સાંજના ૪-૦૬ મિનિટે જહાજમાંથી જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એવો ભયંકર વિસ્ફોટ થયો. એ એટલો બધો ભયંકર હતો કે ધરતી ધ્રૂજી ઊઠી હતી. એ વખતે લગભગ બધાજ બંબાવાળા ઊછળ્યા એટલું જ નહિ, બંબાઓ પણ તૂટ્યા કે ઊછળ્યા. બંબાસહિત કેટલાક બંબાવાળા દરિયામાં પડ્યા અને ડૂબી ગયા. કેટલાયના શરીરના ટુકડે ટુકડા થઇ ગયા. કેટલાક હવામાં પચાસ સો ફૂટ ઊંચે ઊછળીને જમીન પર પટકાયા કે દરિયામાં પડ્યા. કુલ ૬૬ બંબાવાળાઓના પ્રાણ એક મિનિટમાં હોમાઇ ગયા.
૩
હવે જે આગ ભભૂકી તે તો દારૂગોળાની હતી. મોટા મોટા રાક્ષસી ભડકા વધવા લાગ્યા. એમાં સમી સાંજનો દરિયાઇ પવન ભળ્યો. સ્ટીમરના લાકડાના સળગતા પાટિયાંઓ દૂર દૂર ઊડ્યા અને ત્યાં આગ લગાડી. વળી જહાજના નીચેના ભાગમાં આગ પહોંચી કે જ્યાં વધુ વિનાશક ભયંકર દારૂગોળાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પહેલાં ધડાકા પછી બરાબર ચોંત્રીસ મિનિટ પછી એટલે કે ૪-૪૧ મિનિટે બીજો ભયંકર ધડાકો થયો.
આ બીજો ધડાકો પહેલા ધડાકા કરતાં ત્રણગણો ભયંકર હતો. એથી બીજી બેત્રણ સ્ટીમરોમાં પણ આગ લાગી. લોખંડના સેંકડો ટુકડાઓ, સોનાની પાટો, સળગતા લાકડાંના પાટિયાંઓ આકાશમાં ઊડ્યાં અને ચાર માઇલના વિસ્તારમાં દાણા બંદર અને મસ્જિદ બંદર, નરસી નાથા સ્ટ્રીટ, કાઝી સૈયદ સ્ટ્રીટ, સેમ્યુઅલ સ્ટ્રીટથી શરૂ કરીને ઠેઠ ઝવેરી બજાર, ભીંડી બજાર, નળ બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, પાયધૂની સુધીના વિસ્તારમાં પડ્યા અને કેટલાયે માણસો ઘાયલ થયા. કેટલાંયે મકાનોના છાપરાંઓ તૂટ્યા.
ગોદીમાં કામ કરતા કેટલાયે માણસો મૃત્યુ પામ્યા. કેટલાયે ઘવાયા. એ વિસ્તારમાંથી ભાગતા માણસોનાં કપડા અને મોઢાં કાળાં કાળાં થઇ ગયાં હતા. કેટલાંકના શરીરમાંથી લોહી નીકળતું હતું. આ બીજો ધડાકો એટલો જોરદાર હતો કે છેક સાન્તાક્રુઝ અને વિલેપાર્લેના લોકોને સંભળાયો હતો. ધડાકાને લીધે ધરતીકંપ જેવી ધ્રૂજારી થઇ તે કોલાબાની અને પૂનાની વેધશાળામાં સિસ્મોગ્રાફમાં નોંધાઇ હતી.
આ ઘટનાની કમનસીબી એ કે બમ્બાવાળાઓ બમ્બા સહિત દરિયામાં ડૂબી ગયા કે ઘાયલ થઇ મૃત્યુ પામ્યા. હવે બીજા બંબાઓ ક્યાંથી આવે અને કેટલીવારે પહોંચે ? એટલે આગ તો ઝડપથી પ્રસરતી ગઇ. જૂના વખતમાં લાકડાના દાદર અને મેડાવાળાં અડોઅડ મકાનોને આગમાં ભરખાતાં વાર ન લાગી. સાંજે તો ગોદી પાસે આવેલો આખો વિસ્તાર ભડકે બળવા લાગ્યો. માણસો પહેરેલ લૂગડે ઘર છોડીને ભાગ્યા. આજુબાજુના મકાનો પોલીસે ખાલી કરાવ્યાં, રાતને વખતે આકાશ લાલઘૂમ થઇ ગયું. મકાનની અગાશીઓમાંથી મોટી મોટી જ્વાળા દેખાવા લાગી.
સરકારી તંત્રનું કામ હવે આગ ઓલવવા કરતાં આગ વધતી અટકાવવાનું થઇ ગયું. જે મકાન ભડકે બળતું હોય તેના પછી ત્રીજું ચોથું મકાન જો પાડી નાંખવામાં આવે તો જ આગ આગળ વધે નહિ. કેટલાક મકાનો સુરંગોથી તોડવામાં આવ્યાં. બંદરનો આખો વિસ્તાર પોલીસે કબજે કરી લીધો. ત્યાં માણસોની અવરજવર બંધ થઇ ગઇ. પરામાંથી અને બહારગામથી બોલાવેલા બંબાવાળાની કામગીરી વધી ગઇ.
દાણાબંદરની આ આગ બે-ત્રણ દિવસમાં તો ચારે બાજુ ઘણી બધી પ્રસરી ગઇ. જાનમાલનું પારાવાર નુકસાન થયું. એક અંદાજ પ્રમાણે આસરે પાંત્રીસ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. એટલું મોટું નુકશાન મુંબઇ શહેરે પોતાના આજ દિવસ સુધીના ઇતિહાસમાં ક્યારેય જોયું નથી. આ ભયંકર આગમાં છ હજાર કરતાં વધારે દુકાનો બળી ગઇ. જે મકાનો બળી ગયાં, અથવા જે તોડી પાડવામાં આવ્યાં એવાં મકાનોમાં રહેતા સેંકડો કુટુંબોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું. માલ મિલકતનો વીમો ઉતરાવવાની પ્રથા ત્યારે ખાસ પ્રચલિત નહોતી. એટલે જેમનું ગયું તેમનું બધું જ ગયું. માલમિલકતના આ નુકસાન ઉપરાંત પાંચસોથી વધુ માણસો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. આખો બંદર વિસ્તાર ભડકે બળતા સ્મશાન જેવો થઈ ગયો. જે મકાનો બચી ગયાં, પરંતુ સલામતી માટે તાબડતોબ ખાલી કરાવાયાં એવાં કેટલાંયે મકાનોમાં ઘણી ચોરીઓ થઇ. કેટલાંયે કુટુંબો બચી ગયાં, પણ નિરાધાર થઇ ગયાં. કેટલાંય દેશભેગાં થઇ ગયાં.