________________
*
પ્રબુદ્ધજીવન
ઘણો ભાર મૂકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડૉક્ટર કે એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી. એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિયર થઇ જ જાય એવું નથી. એ માટે એ ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સારું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઇજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઇ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઇએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઇએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઇએ કે જેથી ભૌતિક વૈભવમાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં ઘણું ચડિયાતું સુખ છે એવી સાચી શ્રદ્ધા એનામાં જન્મે અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઇએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બેચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી
પ્રસન્નતાપૂર્વક વશ રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને
એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ
શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી ન શકે. ગુરુ મહારાજને પોતાને
જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા
માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી
રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાત દિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી હોય, શ્રીમંત ગૃહસ્થો કે રાજદ્વારી પુરુષોની ખુશામત થયા કરતી હોય, વિજાતીય વર્ગની ઉપસ્થિતિ ગમતી હોય અથવા અન્ય કોઇ પણ પ્રકારની સ્વભાવગત નિર્બળતા હોય તો રાતદિવસ સાથે રહેનાર ચેલાઓથી એ વાત અજાણ રહેતી નથી. ક્યારેક તો આવી ગુપ્ત વાતના સાક્ષી ચેલાઓ પોતાનું ધાર્યું કરાવવા માટે ગુરુને ‘બ્લેક મેઇલ' પણ કર્યા કરતા હોય છે. માટે જ દીક્ષા આપવી જેટલી સહેલી છે એથી વધુ કઠિન ગુરુ તરીકેની પોતાની પાત્રતા કેળવવાની છે.
જે ગુરુ ભગવંતો પોતે લૌકિક પ્રસિદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓમાં પડી જાય છે અને અનેક ચાહકોથી વીંટળાયેલા રહે છે તેઓ પોતાના ચેલાઓનું બરાબર ધ્યાન રાખી શકતા નથી. એ માટે સમય રહેતો નથી. વખત જતાં એક બે ચેલાઓ માંહોમાંહે મળી જાય છે અને શિથિલાચારના વિચારો પોષાવા લાગે છે અને એમાંથી અનર્થ ઉદ્ભવે
છે.
જે મહાત્માઓ ચેલા વઘારવાની ધૂનમાં યોગ્યયોગ્યતા કે પૂરી પાત્રતા જોયા વગર જેને તેને નાની વયમાં મુંડી નાખે છે તેવા ચેલાઓ જ્યારે તારુણ્યમાં આવે છે ત્યારે પોતાના દેહમાં ઉત્પન્ન થતી વિકૃતિઓને વશ થઈ જાય છે અને અંગત રીતે શિથિલાચારી બની જાય છે. સંયમમાં એમનો રસ સ્થિર રહેતો નથી. ચિત્ત બહાવવું બની જાય છે. અસંયમની ગુપ્ત તક શોધવા માટે તેઓ ફાંફા મારે છે. જ્યારે તેઓનો લાભાવ નીકળી જાય છે, પ્રતિષ્ઠાાનિનો ભય ચાલ્યો જાય છે, અપકીર્તિની પરવા રહેતી નથી ત્યારે તેઓ દીક્ષા છોડી દે છે. એમાં પણ ચતુર દીક્ષિતો પૂરો આર્થિક પ્રબંધ કરીને તથા ગૃહસ્થ જીવન માટે સાથી પાત્ર બનવા તત્પર વ્યક્તિ સાથે
પાકું નક્કી કરીને, જરૂર પડ્યે ક્ષેત્રાંતર કરીને દીક્ષા છોડી દે છે. મોહાંધ ગુરુઓની ત્યારે આંખ ખૂલે છે.
તા. ૧૬-૭-૯૮૨
યુવાન સાધુઓને સંયમમાં સ્થિર રાખવાના જે વિવિધ ઉપાયો છે તેમાંના મુખ્ય બે છે : (૧) તપથી કૃશ શરીર અને ઉચિત આહાર તથા (૨) સતત સ્વાધ્યાય અને શ્રુતજ્ઞાનનો ઉછળતો રસ. સાચા આરાધક ગુરુ મહારાજો યુવાન ચેલાઓના આહાર પર ચાંપતી નજ૨ રાખતા હોય છે. તેમનામાં રસગારવ ન આવી જાય તે માટે ચીવટ રાખે છે. જે ગુરુ મહારાજો સવારના પહોરમાં છાપું વાંચવા બેસી જતા હોય છે તેઓ પછી ચેલાઓને છાપું વાંચતા અટકાવી શકતા નથી. છાપાંઓમાં વિવિધ મસાલેદાર માહિતી સછવિ આવતી હોય છે. એક વખત છાપાંઓ, ચોપનિયાંઓ વાંચવાનો અને ખૂન, અપહરણ, વ્યભિચાર, બળાત્કાર વગેરેના વૃત્તાંતો જાણવાનો ચટકો લાગે છે, પછી શ્રુતજ્ઞાનમાં એટલો રસ નથી પડતો. આપણું શ્રુતજ્ઞાન સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ, રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દઢ બનતી ગઇ તો પછી સંસારનાં ભૌતિક સુખો સાવ તુચ્છ, ક્ષણિક અને ભારે કર્મબંધ કરાવનારાં લાગશે. એટલે જે ગુરુમહારાજો પોતાના યુવાન ચેલાઓના વિષયમાં સતત સચિંત રહેતા હોય છે તેઓ તેમને શ્રુતગંગામાં સતત સ્નાન કરાવતા રહે છે.
સાધુપણામાં, સંયમમાં સ્થિર રહેવાના વિવિધ ઉપાયો
શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના આ ઓગણીસમા અધ્યયનનું જ ફક્ત જો ભાવપૂર્વક વારંવાર પરિશીલન થયા કરે તો
પણ સાધુ ભગવંતો પોતાના સંયમમાં-ચારિત્રની આરાધનામાં
હોંશપૂર્વક સ્થિર અને દઢ રહી શકે. જે યુવાન સાધુઓને પોતાનું ઘર યાદ આવતું હોય તેઓએ બનારસીદાસની નીચેની પંક્તિઓનું સ્મરણ કરવા જેવું છેઃ
ધીરજતાત, ક્ષમા-જનની, પરમારથ-મિત, મહારુચિ-માસી; જ્ઞાન-સુપુત્ર, સુતા-કરુણા, મતિ-પુત્રવધૂ, સમતા-પ્રતિભાસી; ઉદ્યમ-દાસ, વિવેક-સહોદર, બુદ્ધિ-કલત્ર, શુભોદય-દાસી;
ભાવ-કુટુંબ સદા જિનકે ઢિગ, યોં મુનિકો કહિયે ગૃહવાસી.
આમ તારુણ્યમાં શ્રામણ્ય દુષ્કર છે, પણ જેઓ એને સુકર બનાવી શકે છે તેઓના આનંદની તોલે જગતમાં બીજો આનંદ નથી, કહેવાય છે ઃ
સાધુમારગ સાંકડા, જૈસા પેડ ખજૂર; ચડે તે ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર.
C રમણલાલ ચી. શાહ
܀܀܀
સંયુક્ત અંક
'પ્રબુદ્ધ જીવન'નો ઓગસ્ટ ૧૯૯૮નો તથા સપ્ટેમ્બર ૧૯૯૮નો અંક સંયુક્ત અંક તરીકે ૧૬મી સપ્ટેમ્બર ૧૯૯૮ના રોજ પ્રગટ થશે.
] તંત્રી