SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધજીવન તા. ૧૬-૧૨-૯૮ શસ્ત્રક્રિયા માટે વિદેશ જવાની આવશ્યકતા નથી. ભારતમાં સારામાં અનાજ રાહત અને ગરીબ દર્દીઓને તબીબી સેવા આપવા ઉપરાંત સારાં ઓપરેશન થાય છે. એમણે શિક્ષણના ક્ષેત્રે પોતાની પ્રવૃત્તિઓ શિવાનંદ પરિવારના ઉપક્રમે ચાલુ કરી. શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલય તથા બાળમંદિરની પ્રવૃત્તિ વીરનગરના સંકુલમાં જ નવા સરસ મકાનો બંધાવી ચાલુ કરાવી છે. તદુપરાંત શિક્ષકો માટે ભિન્ન ભિન્ન સ્થળે શિબિરોનું આયોજન કરાય છે કે જેથી શિક્ષકોનું અને શિક્ષણનું અને સાથે સાથે સંસ્કારિતાનું સ્તર ઊંચું આવે. આવી શિબિરોમાં બાપુજી જાતે હાજર રહીને પ્રવૃત્તિઓની દેખરેખ રાખતા અને માર્ગદર્શન આપતા રહેતા. દેશને સુધારવો હોય તો શિક્ષકોને સુધારવા જોઇશે. તો જ આવતી પેઢીમાં શિસ્ત, વિનય, નિયમિતતા, પ્રામાણિકતા, ધર્મશ્રદ્ધા વગેરે ગુણો ખીલશે. શિક્ષણ ક્ષેત્રે આવા આવા આવશ્યક ગુણોની હાલ ઓટ સમગ્ર દેશમાં વરતાય છે. શિવાનંદ મિશન અને શિવાનંદ પરિવારની પ્રવૃત્તિઓમાં બાપુજીને વર્તમાન અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ સ્વ. જગુભાઇ સંઘવી, શ્રી શશિકાન્ત મહેતા, શ્રી ચીનુભાઇ છગનલાલ, શ્રી ધીરુભાઈ મહેતા, શ્રી ધીરુભાઇ દેસાઇ વગેરેનો અનન્ય સહકાર મળ્યો છે. દાક્તરોમાં ડૉ. વર્મા, ડૉ. રાજેશ પટેલ અને અન્ય દાક્તરોની તથા વહીવટીતંત્રમાં શ્રી અનસૂયાબહેન, શ્રી અંતાણી, શ્રી ઘોળકિયા વગેરેની કુશળ સેવાઓ મળતી રહી છે. બાપુજી જાહેર જનતાનાં નાણાંથી ચાલતી સેવાભાવી સંસ્થાનું સંચાલન જૂનવાણી પદ્ધતિથી કે કરકસરના ભ્રામક વિચારોથી કરતા નહિ એમની પાસે આધુનિક પરિણામલક્ષી અભિગમ હતો. કામ જલદી થતું હોય તો ટપાલને બદલે ટેલિફોનનું ખર્ચ કરવું વ્યાજબી છે અને ટેલિફોન કરતાં રૂબરૂ મુલાકાતથી કામ વધારે સારું થતું હોય તો એટલું પ્રવાસ ખર્ચ કરવાનું વધુ ઉચિત છે. વસ્તુતઃ સંસ્થાની સુવાસ પ્રસરવી જોઇએ. તેઓ માનતા કે સારું કામ પૈસાના અભાવે ક્યારેય અટકતું નથી. કામ નિષ્ઠાથી અને સારી, સંતોષકારક રીતે થવું જોઇએ. નિયમોમાં જડતા ન આવી જવી જોઇએ. બાપુજી સાચા અર્થમાં એક ઉત્તમ કર્મયોગી હતા. તેઓ જીવનભર સતત અનાસક્તભાવે કાર્ય કરતા રહ્યા હતા. ૯૨ વર્ષની જિંદગીમાં એમણે સવાસો વર્ષ જેટલું કાર્ય કર્યું હશે, તેઓ પોતાના સમયનો ક્યારેય દુર્વ્યય કરતા નહિ. પોતે સવારમાં ચાર વાગે ઊઠી જાય અને આખો દિવસ કામ કરતા રહે. એકલા પડે ત્યારે તે સતત પોતાના કાર્યમાં ગૂંથાયેલા રહે. પરંતુ બીજી બાજુ તેઓ ‘પોતાને સમય નથી' એવી કૃત્રિમ મોટાઇ પણ ક્યારેય બતાવતા નહિ. કોઇની સાથે મળવામાં, વાતો કરવામાં તેઓ કૃત્રિમ સભાન ઉતાવળ દાખવતા નહિ, સૌને સંતોષ થાય એવી સહજ રીતે સમય આપતા. રોજ સાંજે ભોજન પહેલાં તેઓ ઘરના આંગણામાં ખુલ્લામાં સ્વચ્છ વાતાવરણમાં બેસતા. જેમણે આવીને મળવું હોય, વાતો કરવી હોય તે નિઃસંકોચ આવી શકે. બહારગામ પોતે ગયા હોય તો સ્થાનિક કાર્યકર્તાઓ, નેતાઓ, મહાનુભાવોને તેઓ નિરાંતે મળતા, વાર્તાલાપ કે વિચારવિનિમય કરતા. એમના સાન્નિધ્યમાં વાતાવરણ પ્રેરક અને પ્રોત્સાહક બની રહેતું. એમનું નિઃસ્વાર્થ, સેવાપરાયણ, પ્રભુમય પવિત્ર જીવન એમાં મહત્ત્વનું કાર્ય કરતું. સ્વામી શિવાનંદ સરસ્વતીએ સેવા અને અધ્યાત્મનો સમન્વય કર્યો છે, દિવ્ય જીવન સંઘમાં સેવા દ્વારા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે છ પગથિયા બતાવવામાં આવ્યાં છે. (૧) સેવા (૨) પ્રેમ (૩) દાન (૪) પવિત્રતા (૫) ધ્યાન અને (૬) આત્મસાક્ષાત્કાર. બાપુજીએ સેવા અને અધ્યાત્મના સમન્વયની આ દીક્ષા પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી. ૪ મારા મિત્ર અને શિવાનંદ મિશનના એક ટ્રસ્ટી, રાજકોટના શ્રી શશિકાન્તભાઇ મહેતા મને ડૉ. અધ્વર્યુ સાહેબને મળવા માટે કહેતા. - પણ એવો અવસર પ્રાપ્ત થતો નહોતો. રાજકોટમાં હું હોઉં અને તપાસ કરાવીએ તો ડાઁ. અધ્વર્યુ સાહેબ બહારગામ હોય. એવો અવસર ૧૯૯૨માં મળ્યો હતો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન કોઇ એક સંસ્થાને આર્થિક સહાય માટે શ્રોતાઓને અપીલ કરવામાં આવે છે અને એકત્ર થયેલ નિધિ તે સંસ્થાને અર્પણ કરવામાં આવે છે. એ માટે પહેલાં સમિતિના સભ્યો તે સંસ્થાની મુલાકાત લે છે. અમે કેટલાક સભ્યો એ પ્રમાણે શિવાનંદ મિશનની મુલાકાત માટે મુંબઇથી નીકળ્યા હતા. મુંબઇથી સૌરાષ્ટ્ર મેઇલમાં નીકળી અમે રાજકોટ પહોંચ્યા ત્યારે સ્ટેશન પર અમારું સ્વાગત કરવા બાપુજી પોતે આવ્યા હતા. એથી અમે બધાંએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું. બાપુજીનું દાક્ષિણ્ય, એમની ઉદારતા, એમની વ્યવહારકુશળતા, એમનું સૌજન્ય, એમનો વિવેક આ બધાં ગુણોના મઘમઘાટનો આ એક નાની ઘટનાથી જ પ્રથમ દર્શને પરિચય થઇ ગયો હતો. એમના અવાજમાં પ્રેમ અને વાત્સલ્ય હતાં. અમારી મુલાકાત પછી મારે મુંબઇ, સાયલા અને વીરનગરમાં બાપુજીને મળવાનું વારંવાર થતું. પૂજ્ય બાપુજી મને અને મારાં પત્ની તારાબહેનને પોતાનાં સંતાનોની જેમ રાખતા. એમના વ્યક્તિત્વમાંથી, એમના ગોરા પ્રભાવશાળી ચહેરામાંથી, એમની ઊંચી સમપ્રમાણ કાયામાંથી, એમનાં નેહનીતરતાં નયનોમાંથી અને એમનાં ભગવાં વસ્ત્રોમાંથી પવિત્રતાની સુરભિ સતત વહેતી રહેતી. આ મુલાકાત પછી બાપુજી ૧૯૯૩માં મુંબઈ પધાર્યા હતાં. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમણે સરસ ઉદ્બોધન કર્યું હતું. એ વખતે અગિયાર લાખ રૂપિયા અમે શિવાનંદ મિશન માટે એકત્ર કરી શક્યા હતા. એ નિધિ અર્પણ કરવાનો કાર્યક્રમ વીરનગરમાં શાનદાર રીતે યોજાયો હતો. એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારે પીએચ.ડી.ના એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા (Viva) લેવા જવાનું હતું. બાપુજીને એની જાણ થતાં તરત મુંબઇ મને ફોન કર્યો અને કહ્યું કે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રાત ન રોકાતાં વીરનગરમાં રાત રોકાવ. યુનિવર્સિટી પર ગાડી તમને તેડવા આવી જશે અને બીજે દિવસે એરપોર્ટ પર મૂકી જશે. બધી વ્યવસ્થા થઇ જશે.' બાપુજીનું નિમંત્રણ મળે પછી વિચારવાનું જ શું હોય ? હું વીરનગર પહોંચ્યો. અને એમનું આતિથ્ય માણ્યું. આવા સંત મહાત્માનો યોગ મળવો એ પણ દુર્લભ. બાપુજીએ ઋષિકેશમાં શિવાનંદ આશ્રમમાં યોગાસનો કર્યાં હતાં, સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત એમણે પાતંજલ યોગસૂત્રનો અભ્યાસ કર્યો હતો અને અષ્ટાંગયોગની સાધના કરી હતી. પાતંજલ યોગસૂત્ર જીવનભર એમનો પ્રિય ગ્રંથ રહ્યો હતો અને એ વિશે એમણે અનેક સ્થળે પ્રવચનો આપ્યાં હતાં. બાપુજીનો જીવ વસ્તુતઃ અધ્યાપકનો જીવ હતો. પોતે અઠવાડિયે એક દિવસ રાજકોટની એક સંસ્થામાં જીવનના અંત સુધી ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. સણોસરાની લોકભારતી સંસ્થામાં ‘અહિંસા' વિશે મારું પ્રવચન હતું એ વાત જાણીને તેઓ અનસૂયાબહેન સાથે સણોસરા આવી પહોંચ્યા. હતા. વ્યાખ્યાનને અંતે એમણે મને કહ્યું કે ‘અહિંસા વિશે ભગવાન પતંજલિનું અવતરણ તમે ટાંક્યું તે મન બહુ જ ગમ્યું છે,' તે સમયે એમણે મને કહ્યું હતું કે ‘યોગસૂત્ર' એમનો અત્યંત પ્રિય વિષય છે. ક્યાંય પણ એ વિશે પ્રવચન આપવાનું આવે તો એ માટે પોતાને કશી પૂર્વ તૈયારીની જરૂર નથી, કારણ કે બધું કંઠસ્થ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી બાપુજીએ પોતાની લોકકલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો હતો. ખેતી, સીંચાઇ, પશુકેન્દ્ર, છાશકેન્દ્ર, બાપુજીને દીર્ઘાયુષ્ય મળ્યું હતું. લોકજીવનના ભૌતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષમાં એમનું નિઃસ્વાર્થ, ત્યાગપરાયણ યોગદાન ઘણું મોટું રહ્યું છે. દેશ અને વિશેષતઃ ગુજરાત એમનું હંમેશાં એ માટે ઋણી રહેશે. પૂ. બાપુજીના પુણ્યાત્માને નતમસ્તકે અંજલિ અર્પીએ છીએ ! — રમણલાલ ચી. શાહ
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy