________________
૧૪
પંખીઓનાં હાડકાં, ચામડાં અને મૃત ક્લેવરો પડેલાં હતાં. કેટલેક સ્થળે જમીન લોહી અને માંસથી ખરડાયેલી હતી. વળી મંદિરો તો ખંડિયેર જેવી હાલતમાં હતાં. જાવડશાએ એ બધો કચરો ઉપડાવીને ભૂમિને ચોખ્ખી કરાવી. ચારે બાજુ પવિત્ર જળ છંટાવ્યું અને મંદિરોનાં પુનર્નિર્માણનો દઢ સંકલ્પ કર્યો.
કદર્પી અસુરે વિચાર્યું કે તેની વારંવાર હાર થાય છે તેનું કારણ કદાચ જાવડશા સાથે આવેલી ચમત્કારી પ્રતિમા હોઇ શકે. તેથી તેણે રાત્રિ દરમિયાન પર્વત પરથી પ્રતિમાને નીચે ઉતારી તળેટીમાં મૂકી દીધી. પ્રાતઃકાળે પ્રતિમાને તેના સ્થળ ન જોતાં વજ્રસ્વામીએ વિશિષ્ટ જ્ઞાનથી જાણ્યું કે અસુર પ્રતિમાને નીચે મૂકી આવ્યો છે. વજ્રસ્વામીની આજ્ઞાથી નવો કદર્પી યક્ષ પ્રતિમાને ઉપર લઇ આવ્યો. બીજી રાત્રે પણ પ્રતિમાને અસુર નીચે લઇ ગયો. પરંતુ પ્રભાતે નવો કદર્પી યક્ષ તે ફરી ઉપર લઈ આવ્યો. એકવીસ દિવસ સુધી રોજે રોજ આ પ્રમાણે ઘટના બન્યા કરી.
પ્રબુદ્ધજીવન
અસુરોને હરાવવાનો એક ઉપાય વજ્રસ્વામીએ વિચાર્યો. તેમણે ધર્મપરાયણ અને પવિત્ર એવા જાવડશાને કહ્યું કે તમે પતિપત્ની બન્ને શીલવાન છો, ધર્મજ્ઞ છો, બ્રહ્મચર્યના આરાધક છો. તમે બન્ને ભગવાન ઋષભદેવનું ધ્યાન ધરી, પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી પ્રતિમા જે રથમાં પધરાવ્યાં છે તે રથના આગલા બે ચક્રો પાસે રાત્રે સૂઇ જાવ. તમે રાત્રે અંધારામાં જરા પણ ગભરાશો નહિ, ગમે તેવા બળવાન અસુરો પણ તમને કશું નુકશાન નહિ કરી શકે. હું, મારા શિષ્યો તથા સકળ સંઘના સભ્યો ભગવાનનું સ્મરણ કરીને પ્રાતઃકાળ સુધી કાઉસગ્ગ ધ્યાને રહીશું.' સહુએ આ વાતનો ખૂબ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર્યો. વજ્રસ્વામીની સૂચના પ્રમાણે સૌએ આરાધના કરી. રાત્રે અસુર આવ્યો. પ્રતિમા સુધી પહોંચવા પ્રયત્ન કર્યાં. પરંતુ તેનું બળ નિષ્ફળ ગયું. નાસીપાસ થઇને તે ચાલ્યો ગયો. પ્રાતઃકાળે સૌએ કાઉસગ્ગ પાર્યો અને જોયું તો પ્રતિમાજી હેમખેમ ત્યાં જ હતાં. એથી સૌ હર્ષોલ્લાસથી નાચી ઊઠ્યા.
જાવડશાએ નવા પ્રતિમાની સ્થાપના કરાવવા માટે પવિત્ર જલ, ઔષધિ, સુગંધી દ્રવ્યો દ્વારા મંદિરને પવિત્ર કરાવ્યું. પછી જૂનાં જર્જરિત પ્રતિમાનું ઉત્થાપન કરવાનું કામ ચાલુ કર્યું. ત્યાં વળી અસુરોએ જૂનાં પ્રતિમાને એ જગ્યાએથી ખસવા ન દીધાં. વજ્રસ્વામીએ મંત્ર ભણી પવિત્ર વાસક્ષેપ નાખ્યો એટલે અસુરોનું બળ નષ્ટ થયું. એથી જૂનાં પ્રતિમાને ખસેડી શકાય.. જાવડશાએ જૂનાં પ્રતિમાને મંદિરની બહાર લાવીને મૂક્યાં ત્યારે અસુરોએ એટલા બધા ભયંકર પોકારો કર્યા કે વજ્રસ્વામી, જાવડશા અને નવા કદર્પી યક્ષ સિવાયના બાકીના બધાં માણસો ભયભીત થઇ ભાગાભાગ કરવા લાગ્યા. નવા કદર્પી યક્ષે અસુરોનો પ્રતિકાર કરી લોકોને નિર્ભય બનાવ્યા.
જાવડશાએ આદિનાથ ભગવાનનાં નવાં પ્રતિમાજીની વજ્રસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી. મુખ્ય પ્રાસાદની બહાર જૂનાં પ્રતિમાજીની બીજા મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમાજીના અધિષ્ઠાતા દેવોની પ્રતિમા પણ જૂના પ્રતિમાની સાથે જ પ્રસ્થાપિત કર્યા. બન્ને ઠેકાણે આરતી, પૂજા વગેરેની વ્યવસ્થા કરાવી. આમ, શત્રુંજય તીર્થ પર મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પૂરું થયું એટલે છેલ્લે મંદિરના શિખર પર ધજા ચડાવવા આજીવન ચતુર્થ-વ્રતધારી જાવડશા અને તેમનાં પત્ની સુશીલાદેવી સાથે ચડ્યાં. અકલ્પ્ય વિઘ્નો વચ્ચે પણ નિર્ધારિત કાર્ય પાર પડ્યું, અને પ્રભાવક ગુરુદેવ વજ્રસ્વામીના પોતાને આશીર્વાદ સાંપડ્યા, અમૂલ્ય સહાય મળી એનો અપૂર્વ આનંદોલ્લાસ બન્ને અનુભવતાં હતાં. તેઓ બંનેએ જીવનનું એક અણમોલ કાર્ય પાર પડ્યાની ધન્યતા મંદિરના શિખર ઉપર અનુભવી. આવા વિચારે બન્ને એટલાં બધાં ભાવવિભોર બની ગયાં કે તેમનાં હૃદય એટલો અકલ્પ્ય આનંદ જીરવી શક્યાં નહિ. બન્ને ત્યાં ને ત્યાં જ હૃદય બંધ પડવાને કારણે સ્વર્ગવાસ પામ્યાં. શત્રુંજય તીર્થનો ઉદ્ધાર થયો. પ્રતિષ્ઠા થઈ, પરંતુ ઉદ્ધારના કાર્યે કોઇ સંકેતપૂર્વકનો વળાંક લીધો. રક્ષક દેવોએ તેમનાં પવિત્ર શરીરને ક્ષીરસાગરમાં પધરાવ્યાં.
તા. ૧૬-૧૧-૯૮
મંદિરમાં નીચે રંગમંડપમાં વજ્રસ્વામી અને સકળ સંઘ, જાવડશા અને તેમના પત્નીનાં ઉપરથી પાછાં આવવાની રાહ જોતાં હતાં. સમય ઘણો થયો તેથી સૌને ચિંતા થઇ. વજ્રસ્વામીએ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી જાણ્યું કે અદ્ભુત હર્ષના કારણે બન્નેના જીવનનો અંત આવ્યો છે. તેઓ બન્નેના જીવ મહેન્દ્ર દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે.
વજ્રસ્વામીએ બધાંને આ હકીકતની જાણ કરી. જાવડશા અને તેમનાં પત્નીના સ્વર્ગવાસના સમાચારથી સકળ સંઘમાં તીવ્ર દુઃખની અને નિરાશાની લાગણી પ્રસરી. થોડી ઘડી પહેલાં જ્યાં અપૂર્વ હર્ષોલ્લાસ પ્રવર્તતો હતો ત્યાં તીવ્ર શોક પ્રવર્તો. જાવડશાનો પુત્ર જાજનાગ તો મૂર્છિત થઈ ગયો. વજ્રસ્વામીએ મંત્ર ભણીને તેને જાગ્રત કર્યો અને સાંત્વન આપતાં કહ્યું કે તારાં માતાપિતા તો દેવલોકમાં પરમ સુખમાં છે. તેઓ બન્નેએ પોતાનું જીવન સફળ અને ધન્ય કર્યું છે. તેઓએ એક મહાન કાર્ય સિદ્ધ કરી બતાવ્યું છે. તું પણ આવાં મહાન કાર્યો કરી તારા માતાપિતાના વારસાને દીપાવજે. તું તારાં શક્તિ, સમય અને સમૃદ્ધિનો સદુપયોગ કરજે. ધર્મની મહત્તા વધારવામાં સાધુઓની જેમ શ્રાવકો પણ મહત્ત્વનું કાર્ય કરી શકે છે.'
વજ્રસ્વામીની આવી પ્રોત્સાહક વાણી સાંભળી જાજનાગ સ્વસ્થ થયો. ધૈર્ય ધારણ કરી પોતાનાં માતાપિતાનાં નામને ઉજ્જવળ કરવા એણે સંકલ્પ કર્યો. શત્રુંજય તીર્થક્ષેત્રમાં યાત્રિકો માટે જરૂરી એવી બધી જ વ્યવસ્થા તેણે કરાવી. બંધ પડી ગયેલી યાત્રિકોની અવરજવર ફરી પાછી ચાલુ થઇ. ત્યાર પછી જાજનાગ ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી, ધર્મનો મહિમા વધારી સ્વગૃહે પાછો ફર્યો.
શત્રુંજય ઉદ્ધારનું મહત્ત્વનું કાર્ય પૂરું કર્યા પછી સંયમધર્મના આચારને અનુસરનાર વજ્રસ્વામી દક્ષિણ દેશમાં પધાર્યા. ત્યાંના લોકોના આનંદનો કોઇ પાર નહોતો. ધર્મના સાક્ષાત્ અવતાર સમા અને ધર્મતત્ત્વને પ્રકાશનાર વજ્રસ્વામી પ્રત્યે લોકો અપાર આદર દર્શાવતા.
વજ્રસ્વામી હવે વૃદ્ધ થતા જતા હતા. એક વખત એમને શરદી થઇ હતી. તેમના એક શિષ્ય તેમને માટે સૂંઠનો ગાંઠિયો વહોરી લાવ્યા. આહાર લીધા પછી સૂંઠ લઇશ એમ વિચારી વજ્રસ્વામીએ પોતાના કાનની પાછળ તે ગાંઠિયો ભરાવી દીધો કે જેથી આઘોપાછો મુકાઇ ન જાય અને તરત હાથવગો રહે. પરંતુ આહાર લીધા પછી તેઓ સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન થઇ ગયા. સૂંઠ લેવાનું તેઓ ભૂલી ગયા. સૂંઠનો ગાંઠિયો કાનની પાછળ ભરાળો છે તે પણ તેમને યાદ ન રહ્યું. સાંજે પ્રતિક્રમણની ક્રિયામાં મૂહપત્તીનું પડિલેહણ કરતી વખતે મસ્તક નીચું નમાવતાં સૂંઠનો ગાંઠિયો નીચે પડ્યો. તરત જ તેમને પોતાને થયેલી વિસ્મૃતિનો ખ્યાલ આવ્યો. પોતે આચાર્ય છે. આવી વિસ્મૃતિ થવી, પ્રમાદ થવો એ તેમના પદને અનુરૂપ નથી એમ તેમને લાગ્યું. વિસ્મૃતિ અને પ્રમાદ થાય તો નિરતિચાર સંયમ જીવનનું પાલન બરાબર થઇ શકે નહિ. પોતાના નિરતિચાર સંયમ જીવનનું પાલન દેહની અવસ્થાને કારણે હવે થઇ શકે એમ નથી એમ જણાય ત્યારે મહાન આત્માઓ અનશન વ્રત ધારણ કરી દેહનો અંત આણવાનું વધુ પસંદ કરતા હોય છે. પોતાના જીવનનો અંતકાલ નજીકમાં છે તેમ વજ્રસ્વામીએ જાણ્યું એટલે એમ પણ યોગ્ય સમયે અનશન લેવાનો નિર્ધાર કર્યો.
આ સમય ગાળા દરમિયાન બીજી એક ઘટના બની. ભયંકર દુષ્કાળ ચાલુ થયો હતો. તે ક્યારે પૂરો થશે તે કહી શકાય તેમ નહોતું. વજ્રસ્વામીએ પોતાના શિષ્ય વજ્રસેન સ્વામીને કહ્યું, ‘આ દુષ્કાળ સતત બાર વર્ષ સુધી ચાલશે. દિવસે દિવસે અન્ન મોંઘું થતું જશે. ઘણાં લોકો મૃત્યુ પામશે. અનાજ ત્યાંસુધી વધતું વધતું મોંઘું થશે કે છેવટે એક લાખ દ્રવ્યના ચોખામાંથી માત્ર એક હાંડલી જેટલો ભાત રંધાશે. જે દિવસે એટલા બધા મોંઘા ભાવે ચોખા ગંધાશે ત્યાર પછી બીજા દિવસથી સુકાળ ચાલુ થશે એમ સમજવું. માટે તમે તમારા શિષ્યો સાથે અન્યત્ર વિહાર કરી જાવ.'