________________
તા. ૧૬-૧૦-૯૮
પ્રબુદ્ઘજીવન
આર્ય વજ્રસ્વામી
C પ્રો. તારાબહેન રમણલાલ શાહ
ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી એમના શાસનકાળમાં સુધર્માસ્વામીની પરંપરાએ લગભગ પાંચસો વર્ષે આવનાર આર્ય વજ્રસ્વામી છેલ્લા દસપૂર્વધર મહાત્મા હતા, આર્ય સુહસ્તિના ગચ્છમાં તેઓ તેરમા પટ્ટધર હતા.
વજ્રસ્વામી જૈન શાસનની મહાન વિભૂતિઓમાંના એક ગણાય.
છે.
જૈન ધર્મ પ્રમાણે પૂર્વની સંખ્યા ચૌદની છે. છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી ચૌદ પૂર્વના જાણકાર હતા. સ્થૂલિભદ્ર ચૌદ પૂર્વમાંથી છેલ્લા ચાર પૂર્વના માત્ર સૂત્રથી જાણકાર હતા, અર્થથી નહિ. એમનામાં ઉદ્ભવેલા ક્ષણિક માનકષાયને કારણે ભદ્રબાહુસ્વામીએ એમને બાકીનાં ચાર પૂર્વ અર્થથી ભણાવ્યાં નહોતા. ચૌદમાંથી દસ પૂર્વના જાણકાર અથવા ધારણહાર સાધુ ભગવંત દસપૂર્વધર કહેવાય છે. વજ્રસ્વામી એવા દસપૂર્વધર હતા. પૂર્વ અથવા પૂર્વદ્યુત એટલે શું પ્રત્યેક તીર્થંકરના શાસનકાળમાં તેમની પૂર્વે થયેલા તીર્થંકરના કાળનું ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન અથવા શ્રુતસાહિત્ય તે પૂર્વશ્રુત કહેવાય છે. એ પૂર્વશ્રુતમાં તે સમયે પ્રવર્તમાન તીર્થંકરના કાળનું શ્રુતસાહિત્ય અથવા ધર્મવિષયક સાહિત્ય ઉમેરાય છે. એમ પ્રત્યેક તીર્થંકરના સમયનું સાહિત્ય ઉમેરાઇને ધર્મસાહિત્યનો રાશિ વિશાળ બનતો જાય છે. આ રીતે કુલ ચૌદ પૂર્વ બન્યાં છે, કારણ કે તે શ્રુતરાશિ ચૌદ
?
વિષય વિભાગમાં વહેંચાયેલો છે.
પ્રાચીન પ્રાગૈતિહાસિક કાળમાં લેખન-મુદ્રણનાં સાધનો નહોતાં. ગુરુમુખેથી સાંભળીને શિષ્યો જ્ઞાન ગ્રહણ કરતા. શ્રુત એટલે સાંભળેલું. તેથી તે શ્રુતસાહિત્ય કહેવાયું. તીર્થંકર ભગવાન જે દેશના આપે તે ગણધર ભગવંતો ઝીલીને દ્વાદશાંગીની રચના કરે. દ્વાદશાંગી એટલે બાર અંગમાં અથવા વિભાગમાં વહેંચાયેલો તીર્થંકર ભગવાનનો ઉપદેશ, બારમા અંગનું નામ છે દષ્ટિવાદ. તે અત્યારે લુપ્ત છે. આ વિશાળ પૂર્વશ્રુત તે દૃષ્ટિવાદનો ભાગ છે. તેમાં જીવન અને જગતના મહત્ત્વના તમામ વિષયોની અત્યંત સૂક્ષ્મ રીતે છણાવટ કરવામાં આવી છે.
ચૌદ પૂર્વના નામ આ પ્રમાણે છેઃ ૧. ઉત્પાદપ્રવાદ, ૨. અગ્રાયણીયપ્રવાદ, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૧. કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણ-આયુપ્રવાદ, ૧૩. કિયાવિશાલપ્રવાદ અને ૧૪. લોકબિંદુસારાવાદ.
આપણા પૂર્વશ્રુતનું કદ આપણે કલ્પી ન શકીએ એટલું મોટું છે. એ કેટલું મોટું છે તે બતાવવા માટે એમ કહેવાય છે કે ફક્ત પ્રથમ પૂર્વશ્રુત લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઇએ. બીજા પૂર્વમાં બે હાથીના વજન જેટલી, ત્રીજા પૂર્વમાં ચાર હાથીના વજન જેટલી, એમ ઉત્તરોત્તર બમણી બમણી ગણીને, શાસ્ત્રકારોએ બતાવ્યું છે તે પ્રમાણે ચૌદ પૂર્વ લખવા માટે સોળ હજાર ત્રણસો ત્યાશી, અંકે ૧૬૩૮૩ હાથીના વજન જેટલી શાહી વપરાય. ચૌદ પૂર્વમાં લખાયેલા પદોની સંખ્યાનો કોઇ હિસાબ નથી. આ કરોડો પદો યાદ રાખે તે પૂર્વધર કહેવાય. જેની ગ્રહણશક્તિ, સ્મરણશક્તિ અને ધારણાશક્તિ એ ત્રણે શક્તિ આશ્ચર્યજનક રીતે વિકસી હોય તે જ વ્યક્તિ આ વિશાળ શ્રુત ધારણ કરી શકે. દરેક તીર્થંકરના કાળમાં મુનિઓની સંખ્યા ઘણી મોટી હોય છે, પરંતુ પૂર્વધર સાધુની સંખ્યા ઘણી મર્યાદિત હોય છે, કારણ કે પૂર્વશ્ચત માટેની યથાયોગ્ય ધારણાશક્તિ બહુ ઓછા મુનિઓમાં હોય.
૯
પૂર્વધર બનવા માટે પાત્રતા જોઇએ. આત્માને ઉજ્જવળ કરે એવું આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે અસાધારણ પ્રજ્ઞા ઉપરાંત મહત્ત્વની આવશ્યકતા તે મુનિપણું છે અને મુનિપણામાં નિર્મળ, નિર્અતિચાર ચારિત્ર છે. જીવ માત્ર પ્રત્યે કરુણાસભર હૃદય તથા મન, વચન, કાયાથી બ્રહ્મચર્ચપાલન આ પૂર્વધરનાં અત્યંત મહત્ત્વનાં
લક્ષણો છે.
ભગવાન મહાવીર સ્વામીના શાસનકાળમાં એક હજાર વર્ષ
સુધી પૂર્વશ્રુતની પરંપરા ચાલી હતી. ત્યાર પછી પૂર્વનો વિચ્છેદ થયો. આર્ય વજ્રસ્વામી ભગવાન મહાવીર પછી લગભગ પાંચસો વર્ષે થયા. વજ્રસ્વામીનો જન્મ વિ. સં. ૨૬માં (વીર સં. ૪૯૬માં) થયો હતો. તેમને બાલવયે દીક્ષા આપવામાં આવી હતી. શાસનમાં જે બાલદીક્ષિત મહાત્માઓ થઇ ગયા છે એમાં વજ્રસ્વામીનું જીવન અદ્ભુત છે. એમના જીવનની બહુ વિગતો આપણને મળતી નથી. પણ જે મળે છે તે ઘણી રસિક છે અને એમના ઉજ્જવળ જીવનને સમજવામાં સહાયરૂપ છે.
વજ્રસ્વામીના પૂર્વભવનો પ્રસંગ પણ અત્યંત પવિત્ર અને પ્રેરક છે. તે આ પ્રમાણે છેઃ ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ગુરુ ગૌતમસ્વામી જ્યારે પવિત્ર તીર્થ અષ્ટાપદ પર્વતની યાત્રાએ ગયા હતા ત્યારે સ્વર્ગમાંથી વૈશ્રમણ ઝુંભકદેવ પણ પોતાના એક દેવ મિત્રને લઇને તે જ સ્થળે યાત્રાએ આવ્યા. બન્નેએ ગૌતમસ્વામીના દર્શન કર્યા, પરંતુ અદ્ભુત કાંતિવાળા ગૌતમસ્વામીનું પુષ્ટ શરીર જોઇને મિત્ર દેવના મનમાં પ્રશ્ન થયો કે ‘સાધુ તે કંઇ આવા ભરાવદાર શરીરવાળા હોય ? સાધુ તો તપ કરે, કષ્ટ સહન કરે એટલે તે કૃશકાય હોય. પરંતુ ગૌતમસ્વામીનું શરીર તો સુખી માણસ જેવું ભરાવદાર છે !'
એ દેવના ચહેરા પરથી એની મૂંઝવણનો ખ્યાલ મનઃપર્યવજ્ઞાની એવા ગૌતમસ્વામીને તરત જ આવી ગયો. મનઃપર્યવાન એટલે બીજાના મનના ભાવો જાણવાની શક્તિ. ગૌતમસ્વામીને થયું કે હવે આ દેવના મનનું સમાધાન કેવ રીતે કરવું ?
સીધેસીધો ખુલાસો કરવાને બદલે ગૌતમસ્વામીએ દેવોને પાસે બેસાડીને કંડરીકપુંડરીકનો વૃત્તાન્ત કહ્યો. એ વૃત્તાન્ત નીચે પ્રમાણે
છે :
કંડરીક અને પુંડરીક નામના બે રાજકુમાર ભાઇઓ હતા. બન્ને ભાઇઓ દીક્ષા લેવાનો પ્રબળ ભાવ ધરાવતા હતા, પરંતુ તેમના પિતાનું મૃત્યુ થતાં રાજ્ય ચલાવવાનો ભાર તેમના શિરે આવી પડ્યો. નાના ભાઇ કંડરીકે મોટાભાઇ પુંડરીકને રાજા બનવા મહામહેનતે સમજાવ્યા. પુંડરીકની સંમતિ મળતાં કંડરીકે દીક્ષા લીધી. દીક્ષાજીવનમાં અતિ દુષ્કર તપ કરવાને લીધે અને પરીષહો સહન કરવાને કારણે કંડરીકને કોઇક અસાધ્ય રોગ લાગુ પડ્યો. વિહાર કરતાં કરતાં સાધુ કંડરીક એક દિવસ પોતાના ભાઈ પુંડરીકના રાજ્યમાં આવી પહોંચ્યા. રાજા પુંડરીકે એમનું સ્વાગત કર્યું અને પોતાના રાજમહેલમાં મુકામ કરાવ્યો. એમણે પોતાના સાધુ બનેલા ભાઇને આવી દશામાં જોઇને દુઃખ થયું. એમણે રાજવૈદ્યની સલાહ અનુસાર યોગ્ય ઔષધોપચાર કરાવ્યા અને ઉત્તમ ખોરાક આપી કંડરીક મુનિને રોગમુક્ત બનાવ્યા. પરંતુ લાંબા સમય સુધી ઉત્તમ પૌષ્ટિક ખોરાક મળવાથી અને રાજમહેલની સગવડો મળવાથી મુનિ કંડરીકનું મન પ્રમાદી થઇ ગયું. દીક્ષાપાલન માટેના તેમના ભાવ બદલાઇ ગયા. રાજા થયેલા પોતાના મોટાભાઇ પુંડરીક કેવું સરસ સુખ માણે છે એ