________________
તા. ૧૬-૮-૯૭
પ્રબુદ્ધ જીવન
અને દુર્લભ છે.’ તે સાંભળી કોશાએ કહ્યું કે ‘મેં તો આ લક્ષ મૂલ્યના રત્નકંબલને અપવિત્ર જગ્યાએ ફેંકી દીધું, પણ તમે તો અમૂલ્ય અને અનંતા ભવમાં મળવા દુર્લભ એવા જ્ઞાન-દર્શનચારિત્ર રૂપી રત્નત્રયને અપવિત્ર અને મળમૂત્રથી ભરેલા એક નારીદેહ ઉપર ફેંકી દેવા તત્પર થયા છો. તમને ધિક્કાર છે.' કોશાનાં આ વચનોએ સિંહગુફાવાસી મુનિને પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત કરાવ્યો.
(૨)
-
કામવિજેતા સ્થૂલિભદ્ર જે ઉત્કૃષ્ટ કોટિનો સ્ત્રીપરીષહ સાધી શક્યા તે જ્ઞાનપરીષહ સહન કરી શક્યા નહીં. એના બે પ્રસંગો સ્થૂલિભદ્ર-કથાનકમાં પ્રાપ્ત થાય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર' ના ૩૬ અધ્યયનોમાંના બીજા ‘જ્ઞાન/પ્રજ્ઞા પરીષહ' અધ્યયનમાં જાણીતો થયેલો, એક પ્રસંગ આવે છે.
ધનદેવ સ્થૂલિભદ્રનો સંસારી અવસ્થાનો મિત્ર હતો. તે શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર એકવાર આ શ્રાવસ્તી નગરીમાં ધનદેવને મળવા એને ઘેર ગયા. એની પત્ની પાસેથી સ્થૂલિભદ્રે જાણ્યું કે પોતાનો સંસારી મિત્ર ધનદેવ અત્યારે રંક અવસ્થામાં છે અને ધન કમાવા દેશાંતરે ગયો છે. સ્થૂલિભદ્રે જ્ઞાનપ્રભાવે સાંકેતિક રીતે ધનદેવની પત્નીને કહ્યું કે, ‘આ આમ છે ને તે તેવો છે.’ અર્થાત્ ‘ધન તો અહીં થાંભલા નીચે છે ને તે ધનદેવ નકામો દેશાંતરે ગયો છે.’
ધનદેવ રંક હાલતમાં જ પાછો ફર્યો. પત્નીમુખે બધી વાત સાંભળી થાંભલા નીચે ખોદતાં ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું.
‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં મળતી કથાનું તાત્પર્ય એ છે કે સ્થૂલિભદ્રે જ્ઞાનનો પરીષહ સહન કર્યો નહીં. ‘વિચારસાર’ નામના પ્રકરણમાં પણ આ સંબંધી આવો ઉલ્લેખ મળે છે ઃ
‘સો જયઉ થૂલભદ્રો તિત્રિ પમત્તાઇ જસ્સ જાયાઈ, સીહ વિઉવ્વણું, ગમાં, કહર્ણ અત્યંસ મિત્તાણું.’ સિંહનું રૂપ કરવું, મિત્રને ત્યાં જવું અને દ્રવ્ય ક્યાં છે તે મિત્રને કહેવું“આ ત્રણ પ્રમાદ જેમના થયા છે તે સ્થૂલિભદ્ર સદા જયવંત વર્તે.' અહીં પણ સ્થૂલિભદ્રે પોતાના સંસારીપણાના મિત્રને દ્રવ્ય બતાવ્યું એ પ્રસંગને શાસ્ત્રકાર મહર્ષિઓએ ધર્મકરણી રૂપે નહીં પણ સ્થૂલિભદ્રજીના પ્રમાદ તરીકે ઓળખાવેલ છે. માત્ર સંશાથી જ કરેલા
દ્રવ્ય-નિર્દેશને પણ અહીં પ્રમાદનો દોષ ગણ્યો છે. બીજો એક પ્રસંગ તપાસીએ
પોતાના વડપણ નીચે પાંચસો સાધુઓ સાથે સ્થૂલિભદ્ર શ્રી ભદ્રબાહુસ્વામી પાસે દૃષ્ટિવાદ નામનું પૂર્વ શીખવાને ગયા હતા. ભદ્રબાહુસ્વામી પાસેના એમના અધ્યયનકાળ દરમિયાન સ્થૂલિભદ્રની દીક્ષિત બહેનો-યક્ષા, પક્ષદત્તા, ભૂતા, ભૂજદત્તા, રેણા, વેણા, · એણા-વિહાર કરતા કરતા સંસા૨કાળના પોતાના ભાઇને વંદન કરવા ત્યાં આવ્યાં. આવીને તેમણે ગુરુજીને પૂછ્યું, ‘સ્થૂલિભદ્ર ક્યાં છે ?' ગુરુએ કહ્યું, ‘અશોકવૃક્ષની નીચે બેઠા બેઠા સ્વાધ્યાય કરે છે.’ સ્થૂલિભદ્રે પોતાની બહેનોને આવતાં જોઇ કૌતુકની ઇચ્છાથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો સિંહથી ભય પામી ગુરુ પાસે પાછી જઇ કહેવા લાગી, ‘હે પ્રભો, અમારા ભાઇને તો સિંહ ખાઇ ગયો છે.’ ગુરુએ સ્થૂલિભદ્ર કુશળ હોવાનું આશ્વાસન આપી સાતેય બહેનોને ફરી ત્યાં મોકલ્યાં. ગુરુની સૂચના અનુસાર કરતાં, બહેનોએ સ્થૂલિભદ્રને પ્રત્યક્ષ જોતાં વંદના કરી. બહેનોએ પોતે જોયેલા સિંહ વિશે ભાઇને ખુલાસો પૂછતાં સ્થૂલિભદ્રે કહ્યું કે, ‘સિંહનું સ્વરૂપ મેં ધારણ કર્યું હતું.'
તે પછી સ્થૂલિભદ્ર જ્યારે વાચના લેવા આચાર્ય પાસે ગયા ત્યારે આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, 'હવે તું વાચના આપવા યોગ્ય નથી.' ગુરુનાં આ વચન સાંભળી સ્થૂલિભદ્રે પોતાના અપરાધનું કારણ વિચાર્યું, પણ કાંઇ કારણ યાદ ન આવતાં ગુરુને કહ્યું કે ‘મને જ્યાં સુધી કરેલા અપરાધની સ્મૃતિ આવતી નથી ત્યાં સુધી હું અપરાધી કહેવાઉં નહીં.’ ગુરુએ કહ્યું, ‘અપરાધ કરીને પાછો તું માનતો નથી ?' સિંહનું
૧૧
રૂપ લીધાનું સ્મરણ થતાં સ્થૂલિભદ્ર તત્કાલ ગુરુનાં ચરણોમાં પડ્યા અને અપરાધની ક્ષમા માગવા લાગ્યા. પોતે પુનઃ આવો અપરાધ નહિ કરે એવી પણ કબૂલાત કરી. ગુરુએ કહ્યું, ‘તું ફરીથી અપરાધ કરે કે ન કરે, પણ જેમ તાવવાળાને ચીભડું અપાય નહીં તેમ હું તને અપરાધીને વાચના આપીશ નહીં.'
પછી સ્થૂલિભદ્રે ગુરુને શાંત પાડવા સંઘનો આશ્રય લીધો. સંઘની પ્રાર્થના સાંભળી આચાર્ય ભદ્રબાહુએ કહ્યું કે, ‘જ્યારે આ સ્થૂલિભદ્ર સરખા પણ આ જ્ઞાનથી વિકાર પામ્યા તો પછી બીજાઓ પામે તો શું આશ્ચર્ય ? માટે બાકીનાં પૂર્વી હવે હું સ્થૂલિભદ્રને અર્થ વિના જ શીખવીશ. એટલો તેને દંડ આપવો ઘટે છે.’
સંઘના આગ્રહથી ભદ્રબાહુસ્વામીએ સ્થૂલિભદ્રને બાકીનાં પૂર્વો અર્થ વિના ભણાવ્યાં. આમ સ્થૂલિભદ્રને દશ પૂર્વેનું અર્થસહિત અને છેલ્લાં ચાર પૂર્વોનું કેવળ સૂત્રથી જ્ઞાન હતું.
ઈસ્લામ ધર્મમાં તંત્રવિદ્યા
Q ઇબ્રાહીમ શાહબાઝ (કરાંચી)
‘પ્રબુદ્ધ જીવન’ના ૧૬મી જાન્યુઆરી ૧૯૯૭ના અંકમાં ‘માણિભદ્ર વીરની સહાય-મારા બાલ્યકાળના અનુભવો' એ વિશેના લેખમાં ડૉ. રમણલાલ ચી. શાહે બાળપણમાં પોતાની માતા જે એક વિધિપ્રયોગ તેમની પાસે કરાવતાં તે વિશે લખે છેઃ
‘એ દિવસોમાં રેવાબાએ બીજો એક વિધિપ્રયોગ પણ મારી પાસે કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા પર બેસતો, ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના પર કંકુના ચાંલ્લા સૂચના પ્રમાણે હું કરતો. ઘીનો દીવો કરતો, પછી મારા જમણા હાથના અંગૂઠાના નખ ઉપર રેવાબા કલાડાની મેંશ લગાડતી. પછી એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને ચકચકિત હું કરતો.
ઓરડો બંધ રાખવામાં આવતો, એથી ઉજાસ ઓછો થઇ જતો. વાળીને હું બેસતો. જમણા હાથનો અંગૂઠો નજર સામે રાખવાનું બા અમારા બે સિવાય બીજું કોઇ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી કહેતી. પછી મને બોલવાનું કહેતી, ‘હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.'
પછી બા મને પૂછતી, ‘તને અંગૂઠામાં કંઇ હાલતું ચાલતું દેખાય
છે? ’
તંત્રવિદ્યાનો બરાબર આવો જ પ્રયોગ ઇસ્લામ ધર્મમાં પણ છે. આમિલા એટલે તાંત્રિક બાળકના અંગૂઠાના નખ ઉપર મેશ ચોપડવાનો આવો પ્રયોગ કરાવે છે. એ માટે માધ્યમ તરીકે નવદસ વરસની નીચેની વયના નિર્દોષ બાળકને પસંદ કરવામાં આવે છે. આમિલા અને બાળક બંને એકલાં એકાંતમાં બેસે છે.
બાળકના જમણા હાથના અંગૂઠાના નખ પર મેશ ચોપડવામાં અને પછી ઘીથી ચકચકિત કરવામાં આવે છે. તેમાં પહેલાં ઝાડૂવાળો આવીને જગ્યા સાફ કરે છે. પછી ભિસ્તી આવીને પાણી છાંટે છે. પછી મજૂરો આવીને તખત બિછાવે છે. ત્યારપછી જિન્નતનો બાદશાહ આવીને તખત પર બિરાજમાન થાય છે. પછી આમિલા (તાંત્રિક)ના જણાવ્યા મુજબ બાળક સવાલ કરે છે અને જિન્નતનો બાદશાહ સંજ્ઞારૂપે કે લખીને તેનો જવાબ આપે છે. આમિલોની પરિભાષામાં તેને ‘હાજરાત’ બેસાડવા એમ કહેવામાં આવે છે.
દુનિયામાં જુદા જુદા ધર્મો વચ્ચે પણ કેવું કેવું મળતાપણું હોય છે તે આના પરથી જોઇ શકાશે. વિભિન્ન ધર્મો વચ્ચે પણ અજાણપણે કેવું સરસ આદાનપ્રદાન રહેતું હોય છે તે પણ આના ૫૨થી સમજાય છે.