________________
તા. ૧૬-૬-૯૭
પ્રબુદ્ધ જીવન
કવિતાની સર્જનપ્રક્રિયા D ચન્દ્રશંકર ભટ્ટ
અવ્યાખ્યેય હોવા છતાં કવિતાને વ્યાખ્યાબદ્ધ કરવાના પ્રયત્નો, અનેક ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસકોએ કર્યા છે. તેમ છતાં તે તો તેનાથી દશાંગુલ ૫૨ રહી છે. તેની સર્વાંશે સંપૂર્ણ વ્યાખ્યા મળતી નથી. જે વ્યાખ્યાબદ્ધ થઇ શકતી નથી તેની સર્જનપ્રક્રિયાનો ત્યાગ લેવો તે તેનાથી પણ કપરું કાર્ય છે. કપરું હોવા છતાં તે પ્રક્રિયાને પામવાની મથામણ ઘણાએ કરી છે. મારો આ પ્રયત્ન પણ એક મથામણ છે. અકળ અને સૂક્ષ્મ એવી સર્જનની પ્રક્રિયા વિશે અલૌકિકતાથી માંડી બૌદ્ધિકતા સુધીના અભિપ્રાયો મળે છે. પરંતુ કોઇ એક અભિપ્રાયથી કવિતાના સર્જનની પ્રક્રિયાનો સંપૂર્ણ ખુલાસો મળતો નથી. તેનું કારણ આપતાં બ્યૂસ્ટર ગીઝલીન (Brewster Ghiselin) કહે છે કવિતા in the dark of mind-મનના ઊંડા અજ્ઞાત પ્રદેશમાં સ્વરૂપ ધારણ કરતી હોય છે. આ અજ્ઞાત પ્રદેશ એટલે creative silenceનો પ્રદેશ. તે કહે છે તેમ : ‘The creative process and the creative work arise from unconscious depths.’ એટલે કે સર્જનાત્મક પ્રક્રિયા અને સર્જનકર્મનો ઉદ્ગમ અજ્ઞાત ઊંડાણની સર્જનાત્મક શાન્તિમાંcreative silenceમાં-થાય છે. એટલે કહી શકાય કે કવિતાના ઊગમનાં ઊંડાણ અતલાન્ત હોય છે. બાહ્ય જગતના કોઇ ઉદ્દીપનથી કવિના સર્જક ચિત્તમાં-creative consciousnessમાં-સર્જનનો પરિસ્કંદ ઊઠતાં સર્જન પ્રક્રિયાની ગતિનો પ્રારંભ થાય છે. આ પ્રક્રિયા ગહન, અકળ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. આગળ કહ્યું તે creative silenceમાં-ચિત્તની સર્જનાત્મક શાન્તિમાં સર્જનપ્રક્રિયાની જે ગતિ અજ્ઞાંત રીતે સાહજિકતાથી થાય છે તે પામવી અશક્યવત્ છે. કવિ પોતે પણ તેને સાદ્યંત અને સંપૂર્ણ સ્પષ્ટ પામી શકતો નથી. કાવ્યની રચનાપ્રક્રિયા જેમ જેમ આગળ ગતિ કરતી જાય તેમ તેમ તેનું સ્વરૂપ ઊઘડતું જાય છે.
પાંચ લલિત કલાઓમાં ઉપાદાનની દૃષ્ટિએ સંગીતને શુદ્ધ, વ્યવધાનરહિત કલા ગણી શકાય; કારણ કે તેનું ઉપાદાન અર્થરહિત નિશ્ચિત સ્વરૂપનો કેવળ સ્વર છે. કવિતા તેની અન્ય શક્તિને કારણે ઉચ્ચત્તમ કલા ગણાય છે તે બરોબર છે; પરંતુ તેને તેના ઉપાદાન શબ્દના અર્થનું અમુક અંશે વ્યવધાન રહે છે. કવિતાના શબ્દનો કોષગત અર્થ અભિધાર્થ-ભાવકને પ્રથમ પકડે છે. તેં અર્થથી આગળ, લાક્ષણિક અને વ્યંજિત અર્થ આપણે વિચારીએ છીએ ત્યારે પણ તે અર્થ, અભિધાર્થથી તદ્દન મુક્ત હોતો નથી તે આપણે જાણીએ છીએ. સંગીતને અર્થનું આવું વ્યવધાન નડતું નથી. આ દૃષ્ટિએ તેને શુદ્ધ કલા કહી શકાય.
કવિતાની સર્જનપ્રક્રિયાને કોઇ સૂત્રમાં બાંધી શકાતી નથી. તે શબ્દાતીત છે-બ્રહ્મા સર્જિત અખિલ બ્રહ્માંડના જેવી કવિતા તો સર્જક કવિની અંદરની કોઇ વિશિષ્ટ ચિદાવસ્થાનું પ્રાકટ્ય છે. એનું શબ્દપ્રાકટ્ય કઇ કોટિનું-કક્ષાનું છે તે અભ્યાસનું જુદું ક્ષેત્ર છે. કવિતાનો ઉન્મેષ કઇ પળે, કેવી રીતે, કયા સ્વરૂપે, કયા છંદોલયમાં થશે તે કહી શકાય નહીં. કવિ પોતે પણ તે કહી શકે નહીં. હા, કાવ્યસર્જન પૂરું થાય તે પછી તે તેની રચનાની કેટલીક બાહ્ય વિગતોની વાત કરી શકે ખરો. પરંતુ તેની સર્જનપ્રક્રિયાની આંતરિક ગતિ વિશે ભાગ્યે જ કંઇ કહી શકે. તેથી એ સ્વીકારવું પડે કે સર્જનની અકળ પ્રક્રિયાનો તાગ લેવો મુશ્કેલ છે. શાસ્ત્રીય સંગીતના ગાયક અને કવિનાં દૃષ્ટાંતથી આનો વિચાર ક૨વાથી આ વાત સુગમ રીતે સમજી શકાશે.
શાસ્ત્રીય સંગીતનો ગાયક કોઇ રાગ ગાતાં જે સ્વરાવલિ બહેલાવી રાગની જે સ્વરસૃષ્ટિ સર્જે છે તેને વિશે તેમને પૂછીએ કે આ સ્વરાવલિ કેવી રીતે સંયોજાઇ, તો તેઓ કદાચ એટલું કહી શકે કે ચિત્તમાં સ્વરોની જે ગતિ થઇ તે પ્રગટ થઇ. એ ગતિ એ જ રીતે કેમ થઇ તેનો ખુલાસો
તે આપી શકતો નથી. તે એટલું કહી શકે કે અંતરમાં તે રાગના સ્વરોનો સંવાદ ગતિશીલ થતો હોય છે. તે સંવાદના સાતત્યમાં તે રાગના સ્વરો સહજ ગતિએ વહેતા થાય છે, અને ધ્વનિનું માધુર્ય રેલાય છે. એનું કોઇ ગણિત કે વ્યાકરણ ન હોય. આ જ રાગ બીજી વખત ગાઉં તો સ્વરાવલિનું સ્વરૂપ નિરાળું હોય. દરેક વખતે નાવીન્ય હોય છે, પણ સંવાદિતા તો રહે જ. આ સંવાદિતા સંગીત કલાનો પ્રાણ છે. આ બધું કહેવા છતાં તે તેની આંતરિક સર્જનપ્રક્રિયાની ગતિવિધિ વિશે તો કશું કહી શકતો નથી.
કવિતાની સર્જનપ્રક્રિયા પણ આવી અકળ હોઇ તે અલૌકિક ગણાય છે. તેમાં જ કાવ્યનો વિસ્મય છે, અને આપણે જાણીએ છીએ કે કાવ્ય વિસ્મયનું પુષ્પ છે. વિસ્મયના કાવ્યપુષ્પ વિશે કવિ પણ પોતાની કૃતિની કાવ્યપંક્તિઓ, પદસંયોજન, છંદોલય, કલ્પન-પ્રતીક અને અલંકાર વિશે ખુલાસો નથી આપી શકતો. ભાવક પૃથ્થકરણ, અર્થાન્વય કરી તાર્કિક ખુલાસો કરે તો તે જ એકમાત્ર ખુલાસો છે એમ ન બને. બીજો ભાવક કોઈ બીજો ખુલાસો પણ આપે, અને બંને ખુલાસા યોગ્ય પણ હોઇ શકે. એટલું જ નહીં, કવિને વિસમય પમાડે તેવા અને સરસ, સ્પર્શક્ષમ, માર્મિક ખુલાસા હોઇ શકે. આ જ કાવ્યની શક્તિનું આશ્ચર્ય છે. દરેક વાચને કંઇક નવા રહસ્યસ્પર્શનો અનુભવ પણ થાય. એટલે જ કવિતા નિત્ય નૂતન રહે છે. બલકે નિત્ય નૂતન અને નવોન્મેષશાલિની રહે તે જ ઉચ્ચ કોટિની કવિતા અને ત્યારે જ તેની સર્જનપ્રક્રિયાને અદ્ભુત કહી શકાય.
‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે; કાવ્યની આવી નિગૂઢ સર્જનપ્રક્રિયા સંદર્ભે નરસિંહને પૂછીએ કે, સચ્ચિદાનંદ આનન્દ ક્રીડા કરે સોનાના પારણા માંહી ઝૂલે.' એ Cosmic-ચિત્રબિંબ કેવી રીતે રચાયું ? એની રણકતી પદાવલિ અને રહસ્યમય અને દિવ્યતાને સ્પર્શતું-તેનો સ્પર્શ કરાવતું વૈશ્વિકકાવ્યસંગીતથી આનન્દવિભોર કરતી પંક્તિઓની રચના કેવી રીતે કરી ? તે શો ખુલાસો કરે ! ‘શરદપૂનમ’માં ન્હાનાલાલને ચન્દ્રમાં પ્રેમનું અને કાન્તને એ જ ચન્દ્રમાં ઇશ્વરના કૃપાળુ નેત્રનું દર્શન થયું. ચન્દ્ર તો એનો એ જ છે. આ ભિન્નતાનો આધાર કવિની ચિદાવસ્થા છે. તાત્પર્ય એ કે બાહ્ય સૃષ્ટિના ઉદ્દીપન કે આલંબનને આધારે કવિતાની સર્જનપ્રક્રિયાનો તાગ લઇ શકાતો નથી. બધો આધાર પ્રેરણાના પરિસ્કંદથી સર્જકની જે ચિદાવસ્થા થાય છે તેની ગતિવિધિ પર છે. આ ગતિવિધિ પર કવિનો કેટલો કાબૂ હશે તે કહેવું મુશ્કેલ છે. આ ગતિવિધિ સર્જકે સર્જકે અને કાવ્યે કાવ્યે ભિન્ન રહેવાની. આ જ કવિતાની અલૌકિકતા અને તેનો વિસ્મય છે.
કવિતાની આવી અલૌકિકતા અને તેના વિસ્મયને કારણે કદાચ ભવભૂતિએ તેને આત્માની અમૃત કલા અને ઉમાશંકરે તેને આત્માની માતૃભાષા કહી હશે. આનો મર્મ એ થાય કે જેમ આત્માને અગમઅગોચર, સનાતન, અવિનાશી, અનિર્વચનીય અને અનુભૂત કહ્યો છે, તે ગુણો ચિરંતન કાવ્યને પણ લાગુ પાડી શકાય. આત્મા બુદ્ધિથી સમજવાનો નથી, ચૈતન્યથી અનુભવવાનો છે, તેમ કાવ્ય પણ તેના શબ્દાર્થને આધારે બુદ્ધિથી માત્ર સમજવા-સમજાવવાનું નથી, તે તો આગળ વધી અનુભવવાનું છે. તેનું કારણ આપતાં એ. ઇ. હાઉસમેન કહે છે ‘Meaning is of intellect, Poetry is not .' આથી કહી શકાય કે, કવિતા શબ્દના વિનિયોગથી રચાય છે તેમ છતાં, તે શબ્દના અભિધાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થથી પર, બુદ્ધિના ક્ષેત્રથી આગળ વધી ભાવની અનુભૂતિમાં રહેલી છે. તે વિવરણ, અર્થઘટનથી ન પમાય. તે તો ભાવચૈતન્યમાં અનુભવવાની હોય છે. કાવ્ય અનુભૂત થાય ત્યારે
–