________________
પ્રબુદ્ધ જીવન
ફાધર બાલાગેર
] રમણલાલ ચી. શાહ
મુંબઇની સેંટ ઝેવિયર્સ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ રેવરન્ડ ફાધર મેલ્કિઓર બાલાગેરનું હૈદરાબાદમાં લગભગ ૯૭ વર્ષની વયે તા. ૮મી માર્ચ ૧૯૯૭ના રોજ અવસાન થયું. છેલ્લાં કેટલાક સમયથી તેઓ માંદગીના બિછાને હતા. તેઓ પોતાના મૃત્યુના આગમનની સ્વસ્થતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા ! તેમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. એમના અવસાનથી ભારતને જીવન સમર્પિત કરનાર એક વિદેશી મિશનરી સમર્થ શિક્ષણશાસ્ત્રીની ખોટ પડી છે.
ફાધર બાલાગેરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઇની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એક સભાનું આયોજન થયું હતું. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ફાધર બાલાગેરના સમયમાં મેં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કર્યું હતું અને ફાધર બાલાગેર સાથે મારે સારી આત્મીયતા હતી. એટલે એ સભામાં હું ગયો હતો. એ સભામાં ફાધરના વખતના જૂના માણસો તો આંગળીના વેઢે ગણાય એટલા હતા. ૧૯૫૦-૬૦ના ગાળામાં મુંબઇમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુ મોટું નામ અને માન ધરાવનાર, હજારો વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય પ્રિન્સિપાલની શ્રદ્ધાંજલિ સભામાં જૂના વખતના માણસો ઓછા આવે તે સ્વાભાવિક હતું, કારણ કે નિવૃત્ત થયા પછી ઘણાં વર્ષોથી ફાઘર મુંબઇ છોડી સિકંદરાબાદમાં રહેતા હતા. મુંબઇ સાથે તેમનો કોઇ સંપર્ક રહ્યો નહોતો. ફાધરે ઘણું સારું દીર્ઘાયુષ્ય ભોગવ્યું. એમના સક્રિય જાહેર જીવનના કાળની ઘણી વ્યક્તિઓનું જીવન સમેટાઇ ગયું હતું. એમને જાણનારા ઓછા અને ઓછા થતા
ગયા હતા.
ફાઘર બાલાગે૨ને જ્યારે ૯૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એમનું બહુમાન કરવા માટે મુંબઇની ઝેવિયર્સ કૉલેજમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ત્યારે જૂના વખતના અધ્યાપકોમાંથી ઘણા આવ્યા હતા. ફાધર હજુ સશક્ત હતા. એમણે તે દિવસે ઉદ્બોધન પણ સરસ કર્યું. કાર્યક્રમ પછી ફાધર બધાંને મળવા માટે ઊભા રહ્યા હતા. ગુજરાતી વિષયના અધ્યાપકમાંથી હું હતો. મરાઠી, હિંદી અને સંસ્કૃત ભાષાના અધ્યાપકો પણ આવ્યા હતા. વિજ્ઞાન શાખાના અધ્યાપકો પણ હતા. અમે બધા હવે અધ્યાપનકાર્યમાંથી નિવૃત્ત થઇ ગયા હતા. ફાધર કૉલેજમાં હતા ત્યારે એકેએક અધ્યાપકને અંગત રીતે નામથી ઓળખતા. દરેકના કાર્યની ઘણી માહિતી એમને રહેતી. પરંતુ તે દિવસે કાર્યક્રમ પછી અમે ફાધરને મળ્યા તો ફાધર અમને ઓળખી શક્યા નહિ. પરંતુ એમ બનવું સ્વાભાવિક હતું, કારણ કે ફાધરે આચાર્યની પદવી છોડી તે પછી ત્રીસેક વર્ષનો ગાળો પસાર થઇ ગયો હતો. ફાધર ઘણાં વર્ષોથી મુંબઇ છોડીને સિકંદરાબાદ રહેવા ચાલ્યા ગયા હતા. વળી નેવું વર્ષની ઉંમરે માણસની યાદશક્તિ ક્ષીણ થવા લાગે એમ બનવું પણ સ્વાભાવિક હતું.
ફાધર મેલ્કિઓર બાલાગેરનો જન્મ ૧૫મી મે ૧૯૦૦માં સ્પેનમાં થયો હતો. પંદર વર્ષની વયે દીક્ષિત થઇ તેઓ સોસાયટી ઓફ જીસસમાં જોડાયા હતા. જેસ્યુઇસ્ટ સંઘમાં જોડાઇને ફાધરે લગભગ ૮૨ વર્ષ એ સંઘમાં પૂરાં કર્યાં હતાં. મુંબઇમાં કોઇ રોમન કેથોલિક પાદરીએ આટલાં બધાં વર્ષ પૂરાં કર્યાં હોય એવું જાણવામાં આવ્યું નથી. ફાધર બાલાગેરે બાળ બ્રહ્મચારી તરીકે ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થઇને સુદીર્ઘકાળનું સેવાપરાયણ સંયમજીવન પસાર કર્યું હતું. અનેકવિધ પ્રવૃત્તિઓથી અને સિદ્ધિઓથી તેમનું જીવન સફળ બન્યું હતું.
ફાધર બાલાગેર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેનથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાન એટલે એમને માટે અજાણ્યા લોકો, અજાણી ભાષાઓ, અજાણ્યા સંસ્કાર અને રીતરિવાજવાળો દેશ. ત્યાં જઇને એમણે કાયમ માટે વસવાટ કરવાનો હતો. પરંતુ ઉપરી અધિકારીઓનો
તા. ૧૬-૫-૯૭
હુકમ થયો એટલે તેઓ હિંદુસ્તાનમાં આવીને રહ્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટન અને જર્મની વચ્ચે યુદ્ધ થયું. એ દિવસોમાં અમારી ઝેવિયર્સ કૉલેજમાં મુખ્યત્વે જર્મન પાદરીઓ હતા, પણ રખેને તેમાંથી કોઇ જાસૂસી કરે અથવા બ્રિટિશવિરોધી લાગણી ફેલાવે અથવા લોકોની આઝાદી માટેની લડતને નૈતિક ટેકો આપે એવા વહેમથી જર્મન પાદરીઓના હિંદુસ્તાનમાં આવવા ૫૨ બ્રિટિશ સરકારે નિયંત્રણો મૂક્યાં હતાં. ત્યારથી સ્પેનના પાદરીઓ ઝેવિયર્સ કૉલેજમાં આવવા લાગ્યા. થોડાં વર્ષમાં તો ઝેવિયર્સ કોલેજમાં સ્પેનના પાદરીઓની બહુમતી થઇ ગઇ. એ ગાળામાં ફાધર બાલાગેર હિંદુસ્તાન આવ્યા હતા, તેઓ ઝેવિયર્સ કોલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે જોડાયા હતા. બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત અને ભારતમાં બ્રિટિશ સરકારની નીતિ ન બદલાઇ હોત તો કદાચ ફાધર બાલાગેર ભારતમાં આવ્યા હોત કે કેમ તે પ્રશ્ન છે.
ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી ફાધરે મુંબઇના રોમન કેથોલિક ખ્રિસ્તીઓના‘વિકાર જનરલ' તરીકે કામ કર્યું. ત્યારપછથી ૧૯૪૯માં તેઓ ઝેવિયર્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા.
ઝેવિયર્સ કૉલેજના વિનયન શાખાના દરેક વિષયમાં બી.એ.માં કૉલેજમાં પ્રથમ આવનાર અને એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થીને બે વર્ષ માટે ફેલોશિપ મળતી હતી. બી.એ.માં ૧૯૪૮માં કૉલેજમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવાને પરિણામે ગુજરાતી વિષયની ફેલોશિપ મને મળી હતી. ફેલો તરીકે મારી નિમણૂંક થઇ ત્યારે ફાધર કોઇન (Coyne) અમારા આચાર્ય હતા. બીજે વર્ષે, ૧૯૪૯માં ફાધર, બાલાગેરની નિમણૂંક આચાર્ય તરીકે થઇ. ફાધર બાલાગેરે આવતાંની સાથે કેટલાક ફેરફારો કર્યા. તેમાંનો એક ફેરફાર ફેલોશિપને લગતો હતો. ફેલોશિપ બે વર્ષ માટે નહિ, પણ એક વર્ષ માટે આપવી, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે. ફેલોશિપની રકમ નાની હતી, પણ મારે માટે તે બહુ કામની હતી. ફાધરે બીજા ફેલોની જેમ મને પણ મળવા બોલાવ્યો. બીજા વર્ષમાં મારી ફેલોશિપ બંધ થાય છે એમ જણાવ્યું, મેં ફાધરને કહ્યું કે ફેલોશિપ મળી એટલે મેં એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખ્યો. હવે તમે અધવચ્ચેથી ફેલોશિપ પાછી લઇ લો તો મારે તો અભ્યાસ છોડીને નોકરી કરવી પડશે. ફેલોશિપ વગર હું અભ્યાસ ચાલુ રાખી શકું એમ નથી. મારી વિનંતી છે કે જે ફેરફાર તમારે કરવો હોય તે આવતા વર્ષથી અગાઉથી વિદ્યાર્થીઓને જાણ કરીને કરવો જોઇએ.’ મારી જેમ બીજા ફેલોએ પણ આ પ્રમાણે રજૂઆત કરી. છેવટે ફાધરે એ વર્ષે ફેલોશિપમાં ફેરફાર કરવાનું માંડી વાળ્યું. ફેલોશિપનો પ્રશ્ન આમ સંતોષકારક રીતે પતી ગયો, પરંતુ ફેલોશિપના પ્રશ્નના નિમિત્તે ફાધરના નિકટના પરિચયમાં આવવાનું મારે થયું એ મોટો લાભ મારે માટે હતો.
કૉલેજના આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી લીધા પછી ફાધર બાલાગેરે કૉલેજમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા. એમણે કૉલેજને વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી અને સાથે સાથે શૈક્ષણિક દૃષ્ટિએ પણ કૉલેજની ઘણી સારી પ્રગતિ સાધી, એમણે કૉલેજના પરિસરમાં ઘણી નવી નવી સગવડો ઊભી કરી. વિદ્યાર્થીઓ માટે શૌચાયલની પૂરતી સગવડ પણ નહોતી અને જીમખાનાની સગવડ નહોતી. તો તે માટે નવું મકાન કરાવ્યું. વૃદ્ધ અધ્યાપકો માટે લિફ્ટની વ્યવસ્થા કરી. સ્ટાફના દરેક સભ્યને પોતાનું સ્વતંત્ર લોકર હોવું જોઇએ. એ રીતે નવાં લોકર બનાવડાવ્યાં. સ્ટાફરૂમમાં ટેલિફોન અને ચાપાણીની વ્યવસ્થા કરાવી. વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટિન કરાવી, એમણે કૉલેજમાંનાં જૂનાં મંડળોને વધુ સક્રિય કર્યાં અને સોશિયલ સર્વિસ લીગ