________________
૨.
પ્રબુદ્ધ જીવન
મારે ઘરે થોડાક કલાક રોકાયા પછી એમણે પોતાના પુત્રને ફોન કર્યો. પિતાજી મુંબઈ આવ્યા છે એ જાણી તેઓ આનંદિત થઈ ગયા. તરત મોટરકાર લઈ તેડવા આવ્યા. જોહરીમલજીને વિદાય આપવા હું અને મારાં પત્ની નીચે ગયાં. જોહરીમલજી અમારી સોસાયટીના દરવાજામાં દાખલ થયા ત્યારે ચોકીદારે એમને અટકાવ્યા અને બેસાડી રાખ્યા. તેઓ વિદાય થયા ત્યારે મોટી મોટરકારમાં ગયા. સૌ વળી વળીને એમને પગે લાગ્યા, એમને જોવા માટે આસપાસ ટોળું થઈ ગયું. આમ અપમાન અને બહુમાનની બંને સ્થિતિમાં એમની સમતા અને પ્રસન્નતા એવી જ રહી હતી.
જોહરીમલજી મેલું એક જ વસ્ત્ર અને તે પણ મોટી લંગોટી કે પોતડી જેવું પહેરે એથી મુંબઈ જેવા શહેરમાં તો તેઓ જ્યાં જ્યાં એકલા જાય ત્યાં ચોકીદારો એમને અટકાવે. સાથે કોઈ હોય તો કંઈ સવાલ નહિ મુંબઈમાં એક શ્રેષ્ઠીએ એમને કહ્યું, ‘ તમે મારે ત્યાં આવો ત્યારે એક સારી ધોતી પહેરીને આવો કે જેથી તમને કોઈ અટકાવે નહિ.'
જોહરીમલજીએ કહ્યું કે, ‘તમને મળવાનો બીજો કોઈ રસ્તો વિચારીશું, પરંતુ મારા આચારમાં હું ફેરફાર નહિ કરું. કોઈ ચોકીદાર મને અટકાવે. એ મારે માટે કોઈ નવો અનુભવ નથી.’
ત્યાર પછી દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં મારે એમને મળવાનું થયું હતું. એક પરિસંવાદમાં મારે ભાગ લેવાનો હતો. જોહરીમલજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં ઉતારાની સગવડ કરતાં પ્રતિનિધિઓ વધારે થઈ ગયા હતા. પોતાને સારો રૂમ નથી મળ્યો એનો અને મચ્છરદાની નથી મળી એનો કચવાટ કેટલાક માંહોમાંહે વ્યક્ત કરતા હતા. મેં જોહરીમલજીને પૂછ્યું, ‘તમારો ઉતારો ક્યા રૂમમાં છે ? ’
મારો ઉતારો બધા જ રૂમમાં છે. હું બેગ કે બિસ્તરો રાખતો જ નથી. એટલે મારે ઉતારાનો પ્રશ્ન જ નથી. જે રૂમમાં હું કોઈની સાથે વાત કરવા બેસું એટલી વાર એ રૂમ મારો.'
વલ્લભ સ્મારકમાં મચ્છ૨નો ત્રાસ ઘણો હતો. સાંજ પડી. જોહરીમલજીને મેં પૂછ્યું કે ‘આપ ક્યાં સૂઈ જવાના?’ ‘અહીં ખુલ્લામાં, આ પાળી ઉપર.’ ‘ઓઢવા-પાથરવા માટે હું આપું કંઈક ?'
‘હું હંમેશાં જમીન પર સૂઈ જાઉં છું. કશું ઓઢતો નથી.' ‘આખી રાત મચ્છર કરડશે ! તમારે શરીર ઉપર માત્ર પોતડી છે. તે સિવાય આખું શરીર ઉઘાડું છે.’
‘ભગવાને તો ડાંસ-મચ્છરોનો પરીષહ સહન કરવાનું કહ્યું છે. મને મચ્છર કરડે તો હું સમતાભાવે, પ્રસન્નતાપૂર્વક સહન કરી લઉં છું. મારે તો ફકત બેત્રણ કલાકની ઊંઘ જોઈએ. બાકીનો સમય ધ્યાનમાં બેઠો હોઉં છું. હવે તો હું મચ્છરથી એટલો ટેવાઈ ગયો છું કે મચ્છર કરડે છે કે નહિ તેની પણ ખબર પડતી નથી.'
કાયમ જમીન ઉ૫૨ સૂઈ જવું, કશું ઓઢવું પાથરવું નહિ. એ રીતે જોહરીમલજીએ દિગંબર મુનિ જેવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું,
છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સાહિત્ય સમારોહમાં તથા જૈન વિષયના પરિસંવાદમાં તેઓ મારા આગ્રહથી પધારતા. એથી મારી સાથે તેમને ઘનિષ્ઠ આત્મીયતા થઈ ગઈ હતી, તેઓ સમારોહ કે પરિસંવાદને સ્થળે જાતે પહોંચી જાય, અને સભામાં એક છેડે ચૂપચાપ બેસી જાય. જેઓ એમને પહેલી વાર જોતા હોય તેઓને કંઈક કૃતૂહલ થાય. પણ જ્યારે જાણે કે આ તો એક મહાન વિભૂતિ છે ત્યારે લોકો આશ્ચર્યચક્તિ થઈ જતા. કચ્છમાં, પાલીતાણામાં, રાજગૃહીમાં તેઓ પધાર્યા હતા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ઓપ મળતો હતો.
પાલિતાણામાં સાહિત્ય સમારોહમાં ભાગ લેવા તેઓ આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી. રાતના અગિયાર વાગે અમારા ઉતારાની ધર્મશાળા પર તેઓ આવ્યા. એમનો વેશ જોઈ ચોકીદારે એમને દબડાવ્યા. અંદર આવવા ન દીધા. અમને કોઈને એ વાતની ખબર પડી નહિ.
તા. ૧૬-૫-૯૬
ધર્મશાળાની બહાર એક ચોતરા જેવી જગ્યામાં તેઓ આખી રાત સૂઈ રહ્યા, પરંતુ એ માટે એમના મનમાં કશું જ નહોતું. અમને અફસોસ થયો કે ચોકીદારને સૂચના આપી હોત તો સારું થાત.
રાજગૃહીના સમારોહમાં તેઓ પધારવાના હતા. અમે બધા પટના ઊતરી લછવાડ રાત રોકાઈ રાજગૃહી જવાના હતા. પરંતુ બિહારના તંગ વાતાવરણને કારણે અમારે સીધા રાજગૃહી જવું પડ્યું. છેલ્લી ઘડીના ફેરફારની તેમને ખબર નહિ, તેઓ તો લછવાડ પહોંચી ગયા. રાત રોકાયા. અમને ન જોતાં લછવાડથી બેત્રણ બસ બદલીને તેઓ રાજગૃહી આવી પહોંચ્યા હતા. રાજગૃહીમાં પણ બસ સ્ટેન્ડથી વીરાયતન સુધી તેઓ ચાલતા આવ્યા હતા. પાસે કંઈ સામાન નહિ. ચાલવાની ઝડપ વધારે. મનથી પણ તેઓની તૈયારી. એટલે હંમેશાં પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે અપરિગ્રહનો આનંદ કેટલો બધો છે તે તો અનુભવથી જ સારી રીતે સમજાય એવી વાત છે.
જોહરીમલજી પોતાની રોજિંદી આવશ્યક ધર્મક્રિયા- સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે નિશ્ચિત સમયે અવશ્ય કરી લેતા. તેઓ રોજ એક વખત આચારાંગ સૂત્રનું પઠન કરતા. તેઓ દિવસે કદી સૂતા નહિ. સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી તેઓ મૌનમાં રહેતા. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, ગૃહસ્થ જીવનના ત્યાગ પછી એમણે સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો અને બધા આગમગ્રંથોનું સારી રીતે પરિશીલન કર્યું. હસ્તપ્રતો વાંચતાં તેમને આવડી ગયું હતું. ૫. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજ પાસે તેઓ વારંવાર જતા અને તેમના કામમાં મદદરૂપ થતા.
છેલ્લે છેલ્લે અમદાવાદની એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટને પણ એમણે કેટલાક દિવસ ત્યાં રહી પોતાની સેવા આપેલી. તેઓ પાસે ઘડિયાળ રાખતા નહિ, પણ વર્ષોના રોજના મહાવરાને લીધે સમયની પૂરી ખબર એમને રહેતી.
જોહરીમલજીએ ઘીમે ઘીમે આહાર ઉપર વિજય મેળવ્યો હતો. તેમણે આરંભમાં નવકારશી તથા ચોવિહાર ચાલુ કરી દીધાં હતાં. ત્યાર પછી બે ટંક આહાર સિવાય કશું જ ન લેવું, એ રીતે કાયમના બેસણાં જેવું વ્રત અંગીકાર કર્યું હતું. પછી તેમણે એક ટંક આહાર લેવાનું ચાલુ કર્યું. એક ટંક આહાર પણ તેઓ એક પાત્રમાં જ થોડી વાનગીઓ લઈ, તે બધી જ મિશ્ર કરી દિગંબર સાધુની જેમ ઊભા ઊભા લેવાનું ચાલુ કર્યું. પોતાનું પ્લાસ્ટિકનું મોટા ટંબલર જેવું એક સાદું વાસણ રાખે. એમાં બધું ભેળવી આઆહાર વાપરી લે અને એમાં જ પાણી લઈને પીએ. આ રીતે વર્ષો સુધી તેઓ એક ટંક જ આઆહાર લેતા, છતાં તેમની શક્તિ સચવાઈ રહેતી. વસ્તુતઃ ઓછા આહારથી એમને ક્યારેય અશક્તિ વરતાઈ નહોતી. છલ્લાં બેએક વર્ષથી તેમણે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એક ટંક આહાર એ પ્રમાણે પોતાની દિનચર્યા ગોઠવી દીધી હતી. આ રીતે અડતાલીસ કલાકમાં તેઓ ફક્ત એક જ
વખત ઊભા ઊભા આહાર કરી લેતા. એ અંગે મેં એમને પૂછ્યું હતું ત્યારે કહ્યું હતું કે હવે બે દિવસમાં એક જ વાર આહાર લેતો હોવાથી, જ્યારે આહાર લેવાનો થાય ત્યારે પહેલાં કરતાં સહેજ વધારે આહાર લેવાય છે કે જેથી બે દિવસ સુધી શક્તિ બરાબર જળવાઈ રહે છે. ઉપવાસને દિવસે તેઓ પાણી રોજ કરતાં થોડું વધારે પી લેતા. પ્રવાસમાં હોય તો કાચું પાણી પણ વાપરી લે.
સાધુની દિનચર્યાની જેમ જોહરીમલજીને શૌચાદિ ક્રિયા માટે પણ બહાર ખુલ્લામાં જવાનું વધુ ગમે. શહેરમાં હોય અને આસપાસ શૌચાદિ માટે સગવડ ન હોય તો સંડાસ વગેરેનો ઉપયોગ કરતા, અન્યથા તેઓ ચુસ્ત નિયમ પાળતા. દિગંબર સાધુની જેમ તેઓ એક વખત શૌચાદિ માટે બહાર જતા. સામાન્ય રીતે તે સિવાય બીજીવાર લઘુ નીતિ માટે પણ જવાની જરૂર પડતી નહિ. રોજ એક ટંક આહારના બદલે આંતરે દિવસે ઉપવાસ એમણે ચાલુ કર્યા ત્યાર પછી શૌચક્રિયા માટે રોજ એકવાર જવું પડતું. કેટલાક સાધુઓ એકાંતરે ઉપવાસ ચાલુ કરે પછી શૌચક્રિયા પણ એકાંતરે થતી હોય છે. પરંતુ જોહરીમલજી સાથેની