SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૯૬ પ્રબુદ્ધ જીવન મારા ગામની ટી સેરિમની D ગુલાબ દેઢિયા ઇન્સ્ટન્ટ કોફી અને ઇન્સ્ટન્ટ ચાનો જમાનો છે. કપમાં ચમચી ફેરવો એટલે ગરમાગરમ પીણું તૈયાર. ડીપ ડીપ કરો એટલે ચા તૈયાર. શહેરના માનવી પાસે સમયની ભારે અછત એવું એનું માનવું, મનાવવું. આપણે કહીએ ખરેખરી ચા બનાવતાં અને પીતાં સહેજે અર્ધો કલાક તો ઓછો પડે. તો તો હૈં કહીને આશ્ચર્યચક્તિ થઇ જશે. અર્ધો કલાક માત્ર ચા માટે અરે એ તો અર્ધા કલાકમાં બે વખતનું ખાવાનું (ભોજન નહિ), ચાર વખતની ચા અને સાથોસાથ બે ત્રણ ફોન પરની વાતચીત અને વર્તમાન પત્ર પર નજર ફેરવવાનું પતાવી દેશે. મહાનગરમાં બધાં કામ સારાં કે નરસા પતાવવાનાં હોય છે. દીકરીના ચાંદલા પતાવ્યા, મોટાનાં લગ્ન પતાવ્યાં, મંદિરમાં જઇ દર્શનવિધિ પતાવ્યો, ખાવાનું પતાવ્યું. જ્યારે મેં સાંભળ્યું કે જાપાનમાં ચા બનાવવાનો એક ખાસ વિધિ હોય છે. જેને ‘ટી સેરિમની’ કહે છે, બહુ નિરાંતે, ચોક્કસ રીતે ખરા ઠાઠથી એ વિધિ થાય છે, ત્યારે મને આનંદ થયો, આશ્ચર્ય ન થયું. કારણ કે ગામડામાં અમે આવી ટી સેરિમની માણી ચૂક્યા છીએ. અગ્રેસર દેશમાં જેમ એની પોતાની ટી સેરિમની છે તેમ અમ જેવા ભારતીય ગામડિયાઓની પણ ચા બનાવવાની મૌલિક અને રસિક પ્રક્રિયા પણ છે. અમારા ગામની સીમમાં ચા બનાવવા અને પીવા માટેની મહેફિલની, અમારી લોકલ ટી સેરિમનીની મારે અહીં વાત કરવી છે. ખેતર, વાડી, કે સીમમાં બપોરે સૂરજ માથે આવે ત્યારે ખેડૂત, મજૂર અને ગોવાળ-ભરવાડ ભાથું છોડે, નિરાંતે ખાય. ખાવાની વાનગીઓ તો શું હોય ! બાજરા-જુવારના જાડા રોટલાં, શાક હોય તો હોય નહિ તો અથાણું. તે પણ ન હોય તો ગોળ તે પણ નક્કી નહિ, નક્કી માત્ર ડુંગળીનો દડો અને છાશ. શ્રમ અને ભૂખ જાણે બત્રીસ શાક અને છત્રીસ ભોજનનો બદલો વાળી દે. ભોજન પછીનો થોડો સમય વિશ્રાંતિનો વીતે. ત્યારબાદ ટી સેરિમનીનો ધીમે ધીમે વિધિ આરંભાય. એકાદ જણ ખેતરને સેઢેથી બળતર લઇ આવે, બીજો જણ આસપાસ પડેલા ત્રણ પથરાનો ચૂલો જમાવે. ઉતારામાં પડેલ ઘોબાવાળી કાળી કીટલી કે તપેલી આવે, તે એંઠી રહી ગઇ હોય તો કૂવાના પડથારે જઇ સાફ કરે. ખેડૂતના નાના દીકરાને કળશિયો આપી દૂધ લેવા મોકલે. આસપાસના બે-ચાર ખેતર-વાડીમાં ક્યાંક ગાયો કે ઘેટાં-બકરાં ચરતાં હોય. પેલો ગોવાળ કે ભરવાડ પણ પોતાના માલને-ધણને ઠીકઠાક ચરતું રાખી ટી સેરિમનીમાં જોડાવા આવે. એનાં ભારે જોડાનો ભફળક ભફળક અવાજ સંભળાય. દૂધ લેવા ગયેલ છોકરાને કાં કાંટો વાગે, કાં કોઇ જગાએ બોર-ગાંગણી કે કોટીંબડાં હાથ લાગે, ક્યાંક ધોળિયાનું પાણી ફાટી જતું રોકવા એ રોકાય. કાં એનાં ટાયરમાંથી બનેલાં ચપ્પલ તૂટે. બધી અગવડો. સગવડો પાર કરી એ દૂધ લઇને સારા એવા વખતે હાજર થઇ જાય. ચાની તપેલી તો આવી, ભંભલીમાં પાણી ખૂટ્યું હોય તો કૂવે લેવા જાય. એવું તો રોજ ન બને અને બન્ને પણ ખરું. ન કરે નારાયણને થાય એવું કે સવારે હાટ પરથી બંધાવેલ ગોળ અને ચાની પડીકી જ હાથ ન આવે. કાં તો અગાઉ વપરાઇ ગયાં હોય કાં વિસરાઇ ગયાં હોય. છોકરો દોડી પડોશી ખેડૂતના ઉતારે-માંડવે જઇ લઇ આવે. ક્યારેક તો-હાટ સુધી ગામે ગયાનું પણ બને હો...! ધુમાડાથી કાળા પડી ગયેલા પથરા ઠીક ગોઠવાય. જો ચકરીવાળો. વાયરો વાતો હોય તો ચૂલો સંભાળવો પડે. આડા ઊભા રહેવું પડે. સૂકા બળતણના ભડકા ઉઠે, તપેલી ખદખદ થાય. ચાનું કાળું પાણી ઊંચું નીચું થાય. ચામાં દૂધ તો વળી કેટલું હોય ! જાણે કાવો કો કાવો, બે ત્રણ પીતળના વાટકામાં ફાળિયાના છેડાથી તપેલી પકડી ચા પીરસાય. વાટકા ન હોય તો સૂકા પાનના દળિયા બનાવે. વાટકાથી દાઝી ન જવાય માટે પછેડી કે ફાળિયાનો લાભ લેવો પડે. પછી સબડકા બોલાવતાં બોલાવતાં સૌ સાથીઓ ચાથી હોઠ ભીના કરે. ગળા હેઠે ચા જતાં જરાક સ્ફૂર્તિ આવે, ૧૧ ટેસ આવે. આ આખાય પ્રોસેસ દરમ્યાન વાતો થાતી હોય, વાયરો વાતો હોય, છાંયડો હાલતો હોય, બિયારણ, દવા, દીકરીના લગ્ન કે બળદ માટે પૈસાનો જોગ કેમ પાડવો તેની ગણતરી થતી હોય. આ બધું ક૨વામાં સહેજે અર્ધો કલાક નીકળી જાય, ત્યારે ઘડિયાળની મિનિટો કોણ જોતું'તું ! પડછાયા જોઇને સાંજે વ્યવહાર ચાલતો. ચા પીવાઇ રહે એટલે ગોવાળ-ભરવાડ પોતાના આગળ નીકળી ગયેલ પશુધન તરફ વળે, કોસવાળો પાછો કૂવા પાસે પહોંચે, ક્યારામાં પાણી વાળનાર પાવડી લઇ ચોરણી ઠીક કરતો આગળ વધે. ખેડૂત જોડામાં ભરાયેલી કાંકરી ખંખેરી જોડા પહેરે. આખી પ્રક્રિયા નિરાંતે ચાલે. સારો એવો સમય આ ભવ્ય આયોજનમાં લાગે. આપણાં કૃષિજીવન, પશુપાલક જીવનમાં સાધનોની મર્યાદા એટલે વ્યવહાર કષ્ટભર્યો ચાલે છતાં નિરાંત તો હતી જ, કારણ સૌ પ્રકૃતિને ખોળે એટલે મહાનગરની ઉતાવળ નહિ. ફાસ્ટ ટ્રેન ચૂકી જવાનો ભય નહિ. વસ્તુઓની ઓછપ ખરી પણ મન ભારે નહિ. તે જ રીતે ભૂંગળી-હોકલી પીનારા પણ કેટકેટલી જહેમત ઉઠાવે. તરત ખીસામાંથી સિગારેટ કાઢી અને સળગાવી એવું નહિ. એ બંધાણી તો ભૂંગળી કાઢે તેના પર હળવો હાથ ફેરવે, ભૂંગળીમાં વપરાયેલી તમાકુના કોઇ અંશ રહી ગયા હોય તો સાફ કરે. પછી તમાકુ (જેને ગામમાં ગડાકુ કહેતા)ની ડબ્બીમાંથી તમાકુ કાઢે, એકાદ બે વાર વધુ ઓછું કરી માપ નક્કી કરે, પછી તમાકુને મસળે, દાંડી-કચરો વીણીને દૂર કરે. પછી હળવે હાથે હોકલીમાં તમાકુ ગોઠવે, ખમીસની ચાળ પર પડેલ તમાકુના રજકણને ખંખેરે, પછી બંડીના ખીસામાંથી ચકમકનો પથ્થર ને કાનસનો ટુકડો કાઢે, સુતરની જાડી વાટ પર તણખા ઝીલાય તેમ ત્રણેની ગોઠવણી કરી, ચકમક-કાનસ વચ્ચે ઘર્ષણ જગાવે, તણખા ઝરે, વાટ તેને ઝીલે, ફૂંક દઇ તેને વધારે, એ નાનકડો અગ્નિ જાળવીને હોકલીને મોઢે લઇ જાય, પછી હોકલીને યોગ્ય માત્રામાં ચૂસીને તમાકુ સળગાવી લે. કસ લેવાનું શરૂ થાય, થોડીક ખાંસી આવે, પ્રક્રિયા લાંબી પણ બંધાણીને એ બધું ગમે. એક હોકલી પીવામાં સહેજે સારો એવો સમય એમાં તન્મય થઇ, મન્મય થઇ કાઢી નાખે. હોકલીની તલબ સાથે જ મગજમાં કેવા વિચારોની ધૂમ્રસેર ચાલતી હશે ! ગામમાં આવા પ્રલંબ વિધિ તો કેટકેટલા પ્રસંગોમાં જોવા મળે. લગ્ન પ્રસંગોમાં અગાઉ એક-બે દિવસ એટલે જ લાગતા હતા. બધું હળવે હળવે ચાલે. શહેરનો સમય સોનાનો ને ગામનો સમય ગારાનો. બોરીંગ લાગે છે. શહેરીજીવ ઉતાવળથી એવો ટેવાઇ ગયો છે એને ગામડાની રિતભાત નિરાંત શબ્દ એણે ઉતાવળે છેકી નાખ્યો છે. નવરાશનો હાસ કર્યો છે. એને પોતાનાં ટેન્સન અને ડિપ્રેશનનું ગૌરવ છે. સમયની મારે છત છે એમ કહેવું એ તો પોતાનું સ્ટેટસ ઘટાડ્યા બરોબર. શહેરીજીવને કવિ રમેશ પારેખનું પેલું પ્રેમગીત ગમે છે. ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે, તમને ફૂલ દીધાનું યાદ, ’ પરંતુ પોતે ધીમે ધીમે કશું કરવા સમર્થ નથી, પ્રેમ પણ નહિ. અહીં તો ભરપૂર માફકસરનો અભાવ વગર ખરી મજા નથી આવતી. મન થોડું કેટકેટલું હાથવગું, ફોનવગું, રિમોટવણું છે પણ એ સુખ નથી દઇ શકતું. તાપે, રોકાય સોરાય, તરસ જાગે તો કામનું. અતિરેકે તરસને બુઠ્ઠી અને બુઠ્ઠી કરી દીધી છે. એ તરસને સંતોષવી અઘરી. એને મોઢાં જ છે, તળિયું નથી. એ અતિશયતાની તરસ છે. ભરપૂરતામાંથી જાગતી કંટાળાની પ્યાસ છે. એ ટેવ અને વ્યશનને વશ છે. એ આનંદ થોડો પોતાનો લાગે. છત હોય તો માગો તે મળે. અછતમાં જ ટી સેરિમનીની મજા આવે. ✰✰✰
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy