SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્રબુદ્ધ જીવન. જવાને કારણે ગામડાના ગરીબ લોકોની હાલત વધુ ખરાબ થવા લાગી છે. કતલખાનામાં ઢોરની જે કિંમત અપાય છે એટલી ઊંચી કિંમત ઢોરોના સોદામાં પ્રચલિત બની જાય છે. વળી ઢોરોની અછત વધવાને લીધે મધ્યમવર્ગના લોકો ઢોર ખરીદી શકતા નથી અને એને લીધે એમની આજીવિકાનું સાધન ચાલ્યું જાય છે. ઢોરોના ઊંચા ભાવને કારણે તથા અછતને કારણે દૂધ-ઘી વગેરેના ભાવ પણ એવા ઊંચા ચઢી ગયા છે કે જે ગામડાની ગરીબ જનતાને પોસાય એવા રહ્યા નથી. એથી એની અસર ગામડાના લોકોના અને તેમાંય વિશેતઃ બાળકોના આરોગ્ય પ૨ થવા લાગી છે. કતલખાનામાં રોજ ઢોરની જરૂર પડે છે. એને લીધે દલાલો યેનકેન પ્રકારે સારાં ઢોરો લઇ આવે છે આથી આંધ્ર પ્રદેશના ગામડાઓમાં ઢોરોની ચોરીના કિસ્સાઓ ઘણા વધી ગયા છે. મોટાં મોટાં કારખાનાં જંગી રાક્ષસ જેવાં છે. એનું પેટ મોટું હોય છે. એને રોજે રોજ ઘણો બધો ખોરાક આપવાની જરૂર રહે છે. જો તેને ખોરાક ન મળે તો એ પોતાના માલિકને ખાઇ જાય એવો એ રાક્ષસ છે. મોટાં આધુનિક કતલખાનાઓનું પણ એવું જ છે. એને રોજેરોજ હજારો પશુઓ કતલ કરવા માટે પૂરા પાડવાની જરૂર રહે છે. જો એટલાં પશુઓ ન મળે તો આર્થિક દૃષ્ટિએ કતલખાનું પરવડે નહિ. કતલખાના માટે પૂરતાં પ્રમાણમાં કાયદેસર રીતે ઢોર ન મળે તો માલિકો અને સંચાલકોને ગેરકાનૂની આંટીઘૂંટીઓનો આશ્રય લેવો પડે છે. ઇન્સપેક્ટરોને હપ્તા બાંધી આપીને ખોટા પ્રમાણપત્રો મેળવવા પડે છે. સારા સાજા ઢોરને ઘરડા, અશક્ત ઢોર તરીકે ઓળખાવાય છે. રોજે રોજ સમાજમાંથી હજારો પશુઓ પ્રત્યેક કતલખાના માટે ખેંચાઇ જાય તો તેથી ગામડાઓમાં ઢોરોની અછત થાય અને ઢોરોના ભાવ વધી જાય એ કુદરતી છે. અલ કબીરના કતલખાનામાં માંસનું ઉત્પાદન ઘણાં મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ તેમાંથી પોણા ભાગ કરતાં વધુ માંસ તો વિદેશ ચાલ્યું જાય છે. વળી તેના ભાવ પણ ઘણાં ઊંચા છે. આથી ખુદ માંસાહારી લોકોને પણ માંસ પહેલાં કરતા ઘણું મોંઘું મળવા લાગ્યું છે. વળી એથી ખાનગી ખાટકીઓના ધંધા ભાંગી પડે છે. આમ અલ કબીરનું કતલખાનું માત્ર શાકાહારીઓની સમસ્યારૂપ નથી, માંસાહારીઓ માટે પણ સમસ્યારૂપ બની ગયું છે. માણસ દીઠ ઢોરની સંખ્યાના સરકારી આંકડાઓનો વિચાર કરીએ તો પણ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, આર્જેન્ટિના, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશો કરતાં તો ભારત ઘણું પાછળ છે જ, પરંતુ નેપાળ અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો કરતાં પણ ભારત ઘણું પાછળ છે. ભારત દેશ શહેરો કરતાં લાખો ગામડામાં વસેલો છે. ગામડાના અર્થતંત્રમાં પાળેલાં પશુ એક મહત્ત્વનું અંગ ગણાય છે. ગાય, ભેંશ, બકરી, ઘેટું વગેરે દ્વારા કેટલાય લોકોની આજીવિકા નભે છે. વસ્તુતઃ ભારતમાં વસતીના પ્રમાણમાં જેટલાં ઢોર જોઇએ તેટલાં ઢોર નથી. એને લીધે અસંખ્ય લોકો બેકારી અને ગરીબીમાં સડે છે. જો તેઓને ઢોર આપવામાં આવે તો તેઓ પોતાની આજીવિકા સરળતાથી મેળવી શકે. ભારતનાં અસંખ્ય નાનાં નાનાં ગામડાઓમાં વેપાર-ઉદ્યોગો હોતા નથી. ખેતી અને પશુપાલન એ જ એમની આજીવિકાનું મુખ્ય સાધન છે. ભારત ખેતીપ્રધાન દેશ છે. એટલે ભારતીય પ્રજાના જીવનમાં પશુઓનું મહત્ત્વ ઘણું મોટું છે.જો ભારતનાં ગામડાંઓમાંથી પાળેલાં પશુઓ મોટા કતલખાનાં તરફ ખેંચાતાં રહે તો ભારતનાં ગામડાંઓના નબળા અર્થતંત્રને તો ઊલટાનો વધુ મોટો ફટકો પડે. ગામડાંઓમાં ગાય, ભેંસની સંખ્યા પૂરતા પ્રમાણમાં રહેતી હોય તો ગામડાંનાં બાળકોને દૂધ, દહીં, છાશ, ઘી વગેરે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે મળી શકે. એથી નાનાં, કુમળાં બાળકોનું પોષણ પણ સારી રીતે થઇ શકે. પરંતુ વધતી જતી ઢોરોની અછતને કારણે પછાત તા. ૧૬-૬-૯૫ ગામડાઓમાં બાળકોને પૂરતું પોષણ મળતું નથી. એથી તેમનામાં અકાળ મરણનું પ્રમાણ વધુ રહે છે તથા અંધત્વ, ક્ષય, કમળો, તાવ વગેરે પ્રકારની બીમારીઓનું પ્રમાણ ગામડાંનાં બાળકોમાં વધુ ૨હે છે. અલબત્ત એમાં અજ્ઞાનનું કારણ તો છે જ, પણ સાથે સાથે અછતનું કારણ પણ એટલું જ મહત્ત્વનું છે. ભારતનાં અનેક ગામડાંઓમાં ગરીબ ખેડૂતો હજુ પણ બળદ વડે ખેતી કરે છે. કતલખાનાં માટે જેમ જેમ બળદો ખેંચાતા જાય છે તેમ તેમ બળદોની કિમંત વધતી જાય છે. અને બળદોની અછત પણ વધતી જાય છે. એથી દૂર દૂરના ખૂણામાં વસતાં ગરીબ ખેડૂતો પોતાને બળદ ન પોસાવાને કારણે ખેતીનો વ્યવસાય છોડી દે છે, અન્ય પ્રકારની મજૂરી કરીને કે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામડાના ગરીબ ખેડૂતોને સસ્તા ભાવે ઢોર મળવાની સુલભતા જો વધતી જાય તો આર્થિક દૃષ્ટિએ પણ ભારતની આ સમસ્યા હળવી રહ્યા કરે. પાશ્ચાત્ય દેશોના દરેક વૈજ્ઞાનિક સંશોધન પાછળ બધાંયે આંધળી દોટ મૂકવા જેવું નથી. કેટલાંક સંશોધનો કેટલાક દેશોને ઉપયોગી નીવડે તો બીજી બાજુ કેટલાક દેશોને એ નુકશાનકારક પણ જણાય. રાસાયણિક ખાતરે આખી દુનિયાનો કબજો લઇ લીધો છે. તેના ઘણા લાભ છે એની ના નહિ કહી શકાય, તેમ છતાં દરેકને માટે એ ઉપકારક છે એમ પણ નહિ કહી શકાય. જે દેશોમાં પશુધનની અછત હોય અને એને લીધે છાણ જેવા કુદરતી ખાતરની અછત હોય એ દેશોને માટે ખેતીવાડીમાં રાસાયણિક ખાતર ઘણું લાભદાયી નીવડે છે. પરંતુ જે પ્રદેશોમાં છાણ જેવું કુદરતી ખાતર નજીવી કિંમતે અત્યંત સુલભ હોય તો તે પ્રદેશના લોકો રાસાયણિક ખાતર પાછળ દોટ મૂકે તો લાંબે ગાળે તેઓને પોતાને જ નુકશાન થવાનો સંભવ છે. રાસાયણિક ખાતરની પણ કેટલીક મર્યાદા છે. કુદરતી ખાતર કરતાં એ વધુ ખર્ચાળ છે. હવામાનને બગાડે છે. માટીનાં રસ-કસ ચૂસી લે છે અને હવામાં થતાં પ્રદૂષણને કારણે માણસના આરોગ્ય પર ઘણી અસર કરે છે. વ્યક્તિગત કક્ષાએ રાસાયણિક ખાતરથી કેટલાંક ખેડૂતોએ ઘણો બધો લાભ થતો હોવા છતાં રાજ્યના અર્થતંત્રની દૃષ્ટિએ ભારત જેવા દેશને માટે તે વધુ નુકશાનકારક હોવાનું જણાયું છે. એટલે આવી બાબતમાં ઉતાવળે પ્રગતિશીલ થવા કરતાં તેનાં પરિણામોનું અવલોકન કરીને ક્રમે ક્રમે તે દાખલ કરવામાં આવે તો તેથી સમગ્રપણે દેશને લાભ થઇ શકે. કેટલાંક એવી દલીલ કરે છે કે જે ઢોર નકામાં થઇ ગયાં હોય તેનો નિભાવ કરવો તે સમાજને માટે બોજારૂપ છે. તેવાં ઢોરોને કતલખાને મોકલી આપવાથી સમાજનો આર્થિક બોજો હળવો થાય છે. બીજી બાજુ એવા ઢોરની કતલ કરીને તેમના માંસની નિર્યાત કરવાથી રાષ્ટ્રને મોટી આવક થાય છે અને વિદેશી હુંડિયામણનો પ્રશ્ન હળવો બને છે. આ દલીલને ઉપલક દૃષ્ટિએ જોવાથી કોઇ કદાચ દોરવાઇ જાય, પરંતુ વાસ્તવિકતા એનાથી ઘણી જુદી છે. વસ્તુતઃ આવા ઘરડાં ઢોરના બહાના હેઠળ જુવાન સશક્ત ઢોરને પણ કતલખાનામાં લઇ જવામાં આવે છે. વિદેશમાં મોકલાતું માંસ ઘરડા, માંદલા ઢોરના માંસ કરતાં જુવાન સશક્ત ઢોરનું માંસ વધુ પ્રમાણમાં હોય છે. વિદેશી ગ્રાહકો પણ માંસની ગુણવત્તા જોઇને તે પ્રમાણે ભાવ આપે છે. માંસ નિર્યાત કરનાર વેપારીઓને તો પોતાની કમાણી સાથે નિસ્બત છે. તે આખા રાષ્ટ્રની ચિંતા કરવા બેઠા નથી. એવી એક દલીલ કરવામાં આવે છે કે જો ઢોર ઘણાં વધી જાય તો એટલા ઢોરને ખવડાવવા માટે ઘણાં ઘાસની જરૂર પડે. પરંતુ એ દલીલ પણ હાસ્યાસ્પદ છે. કારણ કે માત્ર ખાવા માટે ઉછેરવામાં આવતાં ઘેટા વગેરેને ચરવા માટે જેટલું ઘાસ અને જેટલી જમીન જોઇએ છે તેના આંકડા સરખાવવામાં આવે તો માણસનો ભ્રમ ભાંગી જાય એમ છે.
SR No.525980
Book TitlePrabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1995
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy