________________
પ્રબુદ્ધ જીવન
૨
મોટો ઉત્પાત મચાવનાર હોય છે, તો કેટલાક જીવાણુ ક્રમે ક્રમે માણસોને મારતા જાય છે. કેટલાક જીવાણુ માણસને બે-ચાર દિવસ અશક્ત બનાવી દે છે. માણસ પછી સાજો થઇ કામ કરવા લાગે છે. એકાદ દિવસનો તાવ લાવનારા જીવાણુ એવા હોય છે. કેટલાક જીવાણુ અશક્તિ લાવવા સાથે માણસને અસહ્ય પીડા કરે છે. તો કેટલાક જીવાણુ માણસનો જીવ લઇ લે છે અથવા ઘણા માણસોનો જીવ લઇને જંપે છે. પ્લેગ, કોલેરા વગેરેના જંતુઓ એ પ્રકારના છે.
દુનિયામાં ચાલુ ચેપી રોગોમાં સૌથી વધુ મૃત્યુ ન્યુમોનિયાથી થાય છે. દુનિયામાં વર્ષે ચાર કરોડથી વધુ માણસો ન્યુમોનિયાથી મૃત્યુ પામે છે. પરંતુ તેના બનાવો વર્ષ દરમિયાન છૂટા છવાયા ચાલ્યા કરતા હોવાથી અને ચેપ લાગ્યા પછી કેટલેક દિવસે મૃત્યુ થાય તો થાય એમ હોવાથી તે રોગ ભયંકર લાગતો નથી. કમળો, મરડો, ક્ષય રોગ અને મેલેરિયા એ પ્રત્યેકી દુનિયામાં વર્ષે એક કરોડથી ત્રણ કરોડ જેટલા માણસો મૃત્યુ પામે છે. નવા ચેપી રોગ એઇડ્સથી વર્ષે પાંચ લાખ માણસો મૃત્યુ પામે છે અને એ આંકડો વધતો ચાલ્યો છે. પરંતુ પ્લેગ અને કોલેરાથી દુનિયામાં સરેરાશ ઓછા માણસો મરતાં હોવા છતાં તે થોડા વખતમાં મોટો ઉપદ્રવ ફેલાવી ટપોટપ મૃત્યુ આણે છે. એટલે એ રોગો વધુ બિહામણા લાગે છે.
ચેપી જંતુઓને ફેલાવા માટે મોટુ ક્ષેત્ર તે ગંદકી છે. ગંદકીને લીધે પેદા થતી દુર્ગંધમાં પણ ચેપી જંતુઓ ઊડતા હોય છે. ગંદકીથી થતી માખીઓ પણ ચેપી જંતુઓને ફેલાવે છે. ગંદા રહેઠાણો, કચરો, મરેલાં પશુ-પંખીના ગંધાતાં કલેવરો વગેરે દ્વારા ચેપી રોગ ઝડપથી વધે છે. એશિયાના ગીચ વસતીવાળા દેશોમાં ચેપી રોગોને અવકાશ વધુ રહે છે. છૂટી છવાઇ ઓછી વસતીવાળા અને વિશાળ ઘરોવાળા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ચેપી રોગો એટલી ઝડપથી વધી શકતા નથી. એશિયામાં જાપાન કે સિંગાપુરમાં જેટલી સ્વચ્છતા છે એટલી સ્વચ્છતા બીજા દેશોમાં નથી. ભારતમાં તો દિવસે દિવસે વધતી જતી વસતિને કારણે તથા ગંદકીને કારણે વિવિધ રોગનાં આક્રમણો સતત ચાલતાં રહે છે. ભારત સરકાર રોગચાળા માટે અને જુદી જુદી બીમારીઓ માટે જેટલાં નાણાં ખર્ચે છે એથી ઓછાં નાણાં સ્વચ્છતાનું પાકું શિક્ષણ આપવામાં અને વિવિધ ક્ષેત્રે સ્વચ્છતાનું સ્પર્ધાત્મક આયોજન કરવામાં ખર્ચે તો વધું સારું પરિણામ આવે .
ગરીબી અને બેકારી સાથે થોડી ઘણી ગંદકી આવ્યા વગર રહેતી નથી . જૂના સોવિયેટ યુનિયનમાં સ્વચ્છતાનું પ્રમાણ ઘણું સારું રહેતું હતું. પરંતુ સોવિયેટ યુનિયનના ટુકડા થઇ ગયા પછી રશિયા, યુક્રેન વગેરે રાજ્યોમાં ગંદકી ચાલુ થઇ ગઇ છે, તબીબી વ્યવસ્થા ભાંગી પડી છે. દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી રહેતી. આથી થોડા વખત પહેલાં રશિયા અને યુક્રેનમાં કોલેરાના રોગચાળામાં હજારેક માણસો
સપડાયા હતા.
જેમ વસતી ગીચ તેમ ચેપી રોગ ફેલાવા માટે અવકાશ વધારે. એક જ ઘ૨માં આઠ દસ માણસો રહેતાં હોય, ઘરો કે ઝૂપડાંઓ નજીક નજીક હોય, રસ્તામાં, ટ્રેનમાં, બજારોમાં માણસો નજીક નજીક ચાલતા હોય, સભા-સરઘસોમાં માણસો પાસે પાસે હોય ત્યાં એક મુખેથી બીજે મુખે ચેપને પ્રસરતાં વાર નથી લાગતી, પાણી અને હવા એ બે એવાં અનિવાર્ય તત્ત્વો છે કે ગમે તેટલી સાવચેતી રાખવા છતાં ક્યારે ચેપ લાગી જશે તે કહેવાય નહિ. ઘણી વાર તો ચેપ કોના થકી, ક્યારે પોતાનામાં આવી ગયો તેની ખબર સુદ્ધાં પડતી નથી. કોઇક વાર અજાણ્યાની છીંક કે ખાંસીથી ચેપ લાગી જાય છે. તો કોઇક વાર સ્વજનોના પાસે પાસે સૂવાથી પણ ચેપ લાગે છે.
આંતરરાષ્ટ્રીય વાહન-વ્યવહાર વધવાને કારણે એક દેશના જીવાણુ હજારો માઇલ દૂર બીજા દેશોમાં પહોંચી શકે છે. કેટલાંક વખત પહેલાં
તા. ૧૬-૯-૯૪
એશિયાના કોલેરાવાળા એક બંદ૨માંથી પસાર થયેલી સ્ટીમરની ટાંકીના પીવાના પાણીને ચેપ લાગતાં તે સ્ટીમર લેટિન અમેરિકા ગઇ તો ત્યાં એણે કોલેરાનો રોગચાળો ફેલાવ્યો હતો. કેટલાંક વર્ષ પહેલાં મલેશિયાનો ભારે ઇન્ફલૂએન્ઝા આખા એશિયામાં પ્રસરી વળ્યો હતો.
ટ્રેન કે વિમાન દ્વારા સાથે પ્રવાસ કરતા પ્રવાસીઓને એકબીજાનો ચેપ લાગતાં વાર નથી લાગતી. પરંતુ એ સફર થોડા કલાકની હોય છે અને અધવચ્ચે ટુંકાવી શકાય એવી હોય છે, એટલે એમાં ઓછું જોખમ હોય છે, પરંતુ સ્ટીમર દ્વારા સહેલાણીઓ મધદરિયે સહેલગાહ કરતા હોય તો તેમને બચાવવાના ઉપાયોમાં મુશ્કેલી રહે છે. થોડા વખત પહેલાં અમેરિકાની દક્ષિણે કેરિબિયન સમુદ્રમાં એક જહાજમાં એક વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ પછી એના શબને કારણે સ્ટીમરમાં રોગચાળો પ્રસરી ગયો હતો અને ચારસોથી વધુ માણસોને ઝાડા-ઊલટી થયાં હતાં. હોરાઇઝન' નામના બીજા એક જહાજમાં કેટલાક સમય પહેલાં ચેપી રોગને કારણે ૧૨૦૦ ઉતારુઓને સહેલગાહ અટકાવી બર્મુડા ઉતારી લેવામાં આવ્યા હતા. ‘હોરાઇઝન'ની બીજી એક સફરમાં ન્યુમોનિયાના કારણે જહાજમાં જ પંદરેક વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
ગંદકી ઉપર બેઠેલાં માખી, મચ્છ૨ વગેરે ચેપી રોગ ફેલાવે છે, પરંતુ માખી અને મચ્છર પણ મનુષ્યના ચેપનો ભોગ બને છે. એવા કિસ્સા નોંધાયા છે કે મેલેરિયા થયો હોય તેવી દર્દીને કરડવાથી નિર્દોષ મચ્છર મેલેરિયાવાહક બન્યો હોય અને પછી એ મચ્છર બીજા જેને કરડે તે માણસને મેલેરિયાનો રોગ થયો હોય.
કે
શરીર રૂપી યંત્રમાં ઘસારો લાગતાં કે ખરાબી ઊભી થતાં માણસના પશુ-પક્ષીના શરીરમાં જાતજાતના રોગ ઉત્પન્ન થઇ શકે છે. એવા રોગોના ઉપચાર તબીબી વિજ્ઞાને જાતજાતના બતાવ્યા છે. આવા ઉપચારો વડે કેટલીયે વ્યક્તિઓ કાયમ માટે સાજી થઇ જાય છે. મૃત્યુના મુખમાંથી તે બચી જાય છે. પીડાશામક દવાઓ તથા નિદાનની અને શસ્ત્રક્રિયાની નવી નવી શોધોને કારણે તથા તેને માટે જરૂરી એવાં ઔષધોની શોધને કારણે મનુષ્યની રોગ-પ્રતિકારની શક્તિ વધી છે. એથી એકંદરે સ્વસ્થ જીવન સાથે દીર્ઘાયુષ્યની શક્યતાં પણ વધવા લાગી છે. આ સદીના આરંભથી અને ખાસ તો બીજા વિશ્વયુદ્ધ પછીથી તબીબી વિજ્ઞાનના ક્ષેત્રે જે નવી નવી શોધો થવા લાગી તેમાં એન્ટિબાયોટિક દવાઓએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લીન વગેરે દવાઓએ આ દિશામાં દર્દીઓનાં રોગ મટાડવા માટે ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. અલબત્ત, એન્ટિબાયોટિક દવાઓ ઓછી અથવા વધુ અથવા બિનજરૂરી લેવાથી નુકસાનકારક પુરવાર થાય છે. આયુર્વેદિક દવાઓ એન્ટિબાયોટિક જેટલી શકિતશાળી ન હોય તો પણ કડુ-કરિયાતુ કે સુદર્શન વગેરે દવાઓનું નિયમિત સેવન કેટલેક અંશે એન્ટિબાયોટિક જેવું કામ આપે
છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટા બળિયા, ઉંટાટિયું, ડિપ્થેરિયા, બાળલકવા વગેરે પ્રકારના રોગોનો પ્રતિકાર કરવા માટેની રસી કે દવાઓની શોધ થઇ ગઇ છે. એને પરિણામે નાનાં બાળકોને શરૂઆતથી જ જો એ પ્રકારની રસી દ્વારા પ્રતિકાર શક્તિ આપવામાં આવે તો એકંદરે તેઓને જીવનભર એ રોગ થતો નથી અને આ રીતે આ પ્રકારના રોગો દુનિયાભરમાં અંકુશમાં રહેવા લાગ્યા છે. વર્તમાન જગતની આ એક મોટી વૈજ્ઞાનિક સિદ્ધિ છે.
વિજ્ઞાન ઘણું આગળ વધતું ચાલ્યું છે, તો પણ સૂક્ષ્મ જીવાણુઓનું જગત કલ્પી ન શકાય તેટલું મોટું છે. એટલે નવા નવા પ્રકારના રોગોનો ઉદ્ભવ વખતોવખત થયા કરે છે. તબીબી વિજ્ઞાનના ક્ષેત્રે તે માટે નવી નવી શોધ કરવાની પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે.(બીજી બાજુ દુ:ખની