________________
તા. ૧૬-૨-૯૪
પ્રબુદ્ધ જીવન
સ્વ. કવિ નાથાલાલ દવે D રતુભાઈ દેસાઈ
કવિ અને કિરતાર આ બન્ને શબ્દો અને તેમાંનું ભાવતત્ત્વ અવિનાભાવ સૂચવે છે. કવિને વ્રુદ્રષ્ટા, ઋષિ, પયગંબર પણ કહેવામાં આવ્યો છે. કવિ પર કિરતારની કૃપા વરસે છે, તો કદીક એમ પણ લાગ છે કે કિરતાર કવિની અકારણ કસોટી પણ કરે છે. કવિને કાજે કવિતા વરદાન છે કે અભિશાપ ? એમ પણ પૂછવાનું મન થઈ જાય છે. વરદાનના પરિતોષમાંથી અને અભિશાપના અંજપા અને યાતનામાંથી કવિતા જન્મતી લાગે છે. જો એમ ન હોય તો કિરતાર કવિની કસોટી શા માટે કરે છે ? કવિતા, જે અવિનનું અમૃત છે, તેનું પ્રદાન કરનાર કવિઓને અંતકાળે શા કાજે વ્યથા ને વેદના વેઠવી પડે છે ? આનાં દ્રષ્ટાંતો આ લેખકે નજરો નજર જોયાં છે. કવિ કાંતે જેને માટે 'ઉગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ જેવા ઉદ્ગારો કાઢ્યા અને જે કવિએ પોતાના વાસંતિક નવલ્લિોલથી, કલ્પના પ્રચુર કાવ્યોથી તથા પ્રેમ ભક્તિની ભાવનાથી ગુજરાતને ઘેલું કર્યું હતું, તે કવિવર નાનાલાલના આખરી દિવસો બહુ દોયલા ગયા હતા. કવિને તેમના પુત્ર અનુપમ પાસે મુંબઈની કોટ વિસ્તારની એક નાની ઓરડીમાં પ્રતિકૂળ અને લાચાર દશામાં જીવતા મેં શેયા છે. તે જ રીતે મારા નિક્ટ પરિચયના કવિ ખબરદાર, જેમના યોગક્ષેમની ચિંતા ગાંધીજીએ માથે લઈ, તેમને મુંબઈમાં માંડ સ્થિર કર્યા હતા, તેમને શારીરિક ક્ષ્ટથી અને માનસિક યાતનાથી મુંબઈ છોડી ફરીવાર મદ્રાસ જઈ, થોડા કાળમાં મૃત્યુને આધીન થવું પડ્યું હતું. આ કવિઓની ક્રુણ ક્થાને સપ્રયોજન સંભારવી પડે છે. કારણ કે તા. ૨૫-૧૨-૯૩ને દિને ભાવનગરમાં ત્રીસી ચાળીસીની પેઢીના કવિ નાથાલાલ દવે પણ કષ્ટદાયક દશામાં ચિર વિદાય લઈ ગયા ! છેલ્લા બે ત્રણ વર્ષથી નાથાલાલ દુર્ભાગ્યે સ્મૃતિભ્રંશથી પીડાતા હતા. અને ત્યારથી જ જાણે ગુજરાતે એક જાગ્રત અને ચેતોવિસ્તાર યુક્ત કવિને ગુમાવ્યો હતો. તેમનું લેખન ને અન્ય આવશ્યક પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ હતી. એટલે લેખના પ્રાસ્તાવિક પરિચ્છદમાં જે ઉલ્લેખાયું છે, તે પ્રશ્ન બની પરિણમે છે કે આમ શાને ?
કવિ નાથાલાલ તા. ૨૫-૧૨-૯૩ને દિને, વર્ષાન્તે વિદાય થયા, ત્યારે તેમની ઉંમર ૮૨-૮૩ ની હતી, આ ઉંમરે માણસને મોત લઈ જાય તો બહું ખરખરો કરવા જેવું નથી. પણ આપણા શોકસંતાપ, વ્યથા, વેદના એક કવિ લખતો બંધ થયો ને કવિતાની સરવાણી બંધ થઈ તે માટેનાં છે.
કવિ નાથાલાલે તેમનો પ્રથમ યશદાયી સંગ્રહ સન ૧૯૪૨માં પ્રસિદ્ધ કર્યો, જેનું નામ 'કાલિંદી' હતું આપણા મૂઘન્ય કવિ ઉમાશંકરે કવિ નાથાલાલના આ સંગ્રહને એક સુંદર વિસ્તૃત પ્રશસ્ય આમુખ આપ્યું હતું. અને કવિ નાથાલાલની રચનાઓને કાલિદાસીય કીમિયાથી અંકિત થયેલી અને સાથો સાથ કવિવર રવીન્દ્રની સ્વર સંગીતની બાનીથી પ્રભાવિત થયેલી બતાવી હતી. આમ, યશોવલ રીતે કવિ જીવનનો તેમણે આરંભ કર્યો હતો. આ લેખકે, તે કાળે તેમની ‘કાલિંદી'નું વિસ્તૃત અવલોકન કવિ ઇંદુલાલ ગાંધી, કોલક અને મારા સહસંપાદકથી પ્રસિદ્ધ થતા 'કવિતા' માસિકના એક અંકમાં ‘ત્રિ’ ને ઉપનામે કર્યું હતું. એ અવલોકન ત્રિ એટલે ત્રિભુવનદાસ લુહાર-કવિ સુંદરમે કર્યું છે એવી પ્રસન્નતા ને કૌતુક ઘણાએ અનુભવ્યાં હતાં. હકીકતમાં એ સમીક્ષા તંત્રીત્રિપુટીનાં 'ત્રિ'ના નામથી મારાથી થઈ હતી. અત્યારે આજે 'કાલિંદી હાથવગી નથી. છતાં એમાંના કેટકેટલાં કાવ્યોને યાદ કરીએ ? પરસાળમાં બેસી ચોખા વીણતી રમાનું કાવ્ય, રાજાની સવારીનું કાવ્ય, પિયા બિન નહિ આવત ચૈનનું સંમોહિત કરી નાખનારું અને સંગીત ગુરુ અબ્દુલ કરીમ સાહેબની ઠુમરીના શબ્દોને અમરતા બક્ષતું કાવ્ય, સંસ્કૃત પ્રચૂર શબ્દના ૭ વર્ણનથી અંકિત થયેલી ‘કાલિંદી’ કાવ્ય-વગેરેના રણકાર તાજા છે.
આપણા કવિતા સાહિત્યમાં મરાઠીમાંથી અંજની અને મરાઠી સાખી જેવા છંદોનો પ્રવેશ ગુજરાતીમાં કરાવનાર કવિ કાંત અને કલાપી હતા. અંજની, મરાઠી સાખી ગુજરાતીમાં લોકપ્રિય કરવાનું શ્રેય આ કવિયુગલને જાય છે તેવી જ રીતે બંગાળી પયાર છંદને ગુજરાતીમાં કાલિંદી દ્વારા સફળ પ્રયોગ કરી લાવવાનું કામ શ્રી નાથાલાલે કર્યું છે. આ પયાર છંદમાં આ લેખકે તથા આપણા આજના શ્રેષ્ઠ કવિ રાજેન્દ્ર શાહે અનેક રચનાઓ કરી તેને સુગમ
છ
અને લોકપ્રિય બનાવ્યો છે. તેમા અવારનવાર પ્રયોગો કરીને પણ કવિ નાથાલાલ ‘કાલિંદી’ પછી ‘જાહનવી' નામક સંગ્રહ આપ્યો પરંતુ તેઓ એકમાર્ગી કે એકાંગી કવિ નહોતા. તેમના પર ટાગોર, અરવિંદ અને ગાંધીજીની ગાઢ અસર હતી. તેથી તેમણે દેશભક્તિનાં, સર્વોદયના, રાજકીય ઉપહાસ-કટાક્ષનાં કાવ્યો
ભરમાર આપ્યા.
મુંબઈથી વર્ષોથી પ્રસિદ્ધ થતા માસિક 'ચેતન'ના દરેક અંકમાં પ્રથમ પાના પર વર્ષોથી તેમની લાક્ષણિક નર્મ મર્મ ઉપહાસ કટાક્ષની રચનાઓ પ્રગટ થતી રહી હતી. તેમણે સ્થાપિત સાહિત્ય હિત વિરુદ્ધ પણ આન્દ્રેશ વ્યક્ત કર્યો છે. તેમણે મુખવાસ નામે લઘુ કાવ્યો, મુક્તકો પણ લખ્યાં છે. મૂળે તેઓ ભાવનગરના, સૌરાષ્ટ્રની નીપજ જેવા હતા. મેઘાણી તેમના પૂર્વસૂરિ જેવા હતા. તેથી તેમનાં જેવી રચનાઓ પણ તેમણે આપી છે. અને છેલ્લે ગઝલ પ્રકારમાં તેમણે હાથ અજમાવ્યો હતો. ગઝલની કવિતા પ્રકારની ઠેક્ડી ઉડાવતી રચનાઓ પણ તેમણે રજૂ કરી છે. પરંતુ તેમનું બીજું ધ્યાનકર્ષક પ્રદાન ભજનો અને ભક્તિ-આરઝુના કાવ્યોમાં થયું છે. તેમાં છેવટના પુસ્તક ‘આનંદધારા'માં તે ઝીલાયું છે અને આપણા સાહિત્યમનીષી જેવા શ્રી યશવંત શુક્લે તેની નોંધ હ્રદયપૂર્વક લીધી છે. તેમણે ટાગોરના બહુખ્યાત ઉત્તમ કથાકાવ્યોને ‘રવીન્દ્ર વૈભવ'ને નામે સમશ્લોકી છંદમાં કે ઢાળમાં સફળ રીતે ઊતારી અનુવાદનું મહત્વનું કામ કર્યું છે. જેને આપણા ઋષિતુલ્ય સાક્ષર સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ મુક્તકંઠે બિરદાવ્યું છે. તેમણે ટૂંકી વાર્તાઓ પણ લખી. તેમના બે વાર્તા સંગ્રહો ‘શિખરોને પેલે પાર' અને ‘મીઠી છે જિંદગી' સુપ્રસિદ્ધ છે. આ વાર્તાઓ પારિતોષિકોથી પુરસ્કૃત થઈ ચૂકી છે ને પ્રથમ • વાર્તા સંગ્રહની એકથી વધુ આવૃત્તિ પણ થઈ છે. આ કવિ મૂલ્યોના અને સંસ્કૃતિરક્ષાના કવિ હતા. જેથી તેમણે કોઈની ઓથ શોધી નથી. કોઈની કંઠી બાંધી નહીં. પ્રસિદ્ધિથી દૂર રહી કાવ્યતપ કર્યા કીધું.
તેઓ કોઈ મોટા સંગઠનકાર નહોતા. પણ ભાવનગરમાં 'સાહિત્યભારતી' જેવી સંસ્થાની એક્લે હાથે સંસ્થાપના કરી વર્ષો સુધી તે પાંગરે એવી કોશીશ કરી છે અને ઘણા સર્જકોનાં માન સન્માન તેમણે યોજ્યાં છે. પોતે પાછળ રહી બીજા અનેકોને આગળ કરનાર તેઓ હતા. તો વળી અલ્પસ્વલ્પ સર્જન કરનારનારને નાનાને પુચકારનાર ને સ્વીકારનાર પણ હતા.
એક કવિ, એક માણસના સાચા અર્થમાં અને રહસ્યમાં ન હોય તો આવું ન બને તેઓ કોમળ કાવ્યકલાના રંગીન કસબી હતા. આછંદસના વિરોધી હતા. શ્રી વિષ્ણુભાઈ પેઠે અછાંદસ ચિરાયુ કાવ્ય પ્રકાર ન બની શકે એવી તેમની માન્યતા હતી.
તેમની અનેક કૃતિઓમાંથી પાસાદાર કર્ણપ્રિય કે સૂત્રાત્મક પંક્તિઓ ટાંક્વાનો લોભ સ્થળ ને સમયની મર્યાદાને કારણે જતો કરવો પડે છે પણ ગુજરાતી કવિતાને જોમ આપે અને લાંબો કાળ વાંચવી ગમે ફરી ફરી-એવી તેમની ઘણી કૃતિઓ અવશ્ય છે. કવિ નાથાલાલ બારે માસ મૂસળધાર વરસતા મેઘ જેવા કવિ નહોતા. તેમની કાવ્યદૃષ્ટિનો પરિધ સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી ને ગુજરાતી કવિતાના અભ્યાસથી મંડિત રસાયેલો હતો, એક અર્થમાં શ્રાવણની સરી જતી અને વારંવાર વરસી જતી વાદળીઓ જેવા ને કવિ હતા. 'સરસ્વતીચંદ્ર'કાર શ્રી ગોવર્ધનરામે નવલરામ માટે જે લખ્યું ને કહ્યું હતું તે આમ હતું :- મોર્ટા નાનાં, વધુ મોટામાં; તો નાનાં પણ મોટાં ‘વ્યોમદીપ રવિ નબિન્દુ, તો ધરદીવડા નહીં ખોટાં'
તે જ પંક્તિઓ કવિ નાથાલાલને લાગુ પાડી શકાય છે. વ્યોમમાં ઝગઝગાટ વિદ્યુત લિસોટા સમ ઝળકી, આંખોને આંજી દઈ અદ્રશ્ય થઈ જનાર નહીં. પરંતુ ચિરકાળ મંદ મંદ કોડિયાંના મધુર પ્રકાશથી આપણી રંક કવિતાકુટિરોને ઉજાળનાર તે એક લઘુદીપ સમા હતા. આવા ૠતુહ્રદયી, પ્રેમાળ, સદા એકધારું કાવ્યતપ કરનાર કવિ નાથાલાલ હતા. તેમના પરિવાર પ્રતિ આપણી સમસંવેદના હો ! તેમની સદ્ગતિ માટેની આપણી સૌની હાર્દિક પ્રાર્થના હો ! અને તેમના નિર્મમ કાવ્યાર્પણને પણ આપણી પ્રેમપૂર્ણ અંજલિ હો !
pun
I