________________
૧૦
પ્રબુદ્ધ જીવન
કાવ્યપરંપરા સાથેનું ગાઢ અનુસંધાન બતાવે છે. મધ્યકાળમાં તો વિરલ કહેવાય એવી કવિની સજ્જતા પરખાય છે.
આવા કવિ પોતાની કૃતિઓના વાચક-શ્રોતા પણ કેવા રસજ્ઞ જોઇએ ? એથી જ એ ‘શૃંગારમંજરી'ને આરંભે રસજ્ઞ શ્રોતાનો મહિમા કરે છે ઃ
શાસ્ત્ર કરતા દોહિલા, દોહિલા વક્તા હોઇ, તે પહિં શ્રોતા થોડિલા, મહીમંલિ કો જોઇ. ૧૮ સુજન વિસ્તરઇ સહુ દિસિ, કવીયણ સરસ પ્રબંધ, સ૨વ૨ પ્રસવઇ કમલનઇ, સમિર વધાર ગંધ. ૧૯ અને મૂર્ખ–અજ્ઞાન શ્રોતાનો તિરસ્કાર કરે છે : ગાા ગીય સુમાંણસહ, રસ નવિ જાણ્યા જેણ, તિણિ મુરખિ નિજ દીહડા, નીંગમીઆ આલેણ. ૩૧ જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓની કથા કૌતુકરસિક છે. એમાં કથારસ પણ પર્યાપ્ત માત્રામાં છે-કથારસિયાઓ તૃપ્ત થાય એટલે, પણ જયવંતસૂરિને મન કથારસ એટલો મહત્ત્વનો નથી. કથાગથનમાં કે કથાકથનમાં એમનું વિશિષ્ટ કૌશલ નથી. કથામાં કેટલુંક અછડતું અને અધ્ધર રહી જાય છે, કેટલુક ઉતાવળે ચાલતું જણાય છે, કેટલુંક અસ્વાભાવિક પણ પ્રતીત થાય છે. શીલવતીને રાત્રે બહાર જતી જોઇને એનો ખુલાસો પૂછ્યા વગર અજિતસેન એને કાઢી મૂકવાનો નિર્ણય લઇ લે, ખરું કારણ આપ્યા વિના, તેડાવવાનો પત્ર આવ્યો છે એમ કહી એને પિયર વળાવવામાં આવે અને શીલવતી પતિનું મન ઓળખી જવા છતાં કશો ખુલાસો કર્યા વિના જવા તૈયાર થઇ જાય-આ બધું અસ્વાભાવિક છે. રુખિમણિને પરણવા નીકળેલો કનકરથ રસ્તામાં રોકાઇ જાય, ઋષિદત્તાના પ્રેમમાં પડે, એની સાથે લગ્ન કરે, ત્યાં રહે ઋષિદત્તાના પિતા એ દરમિયાન જ અગ્નિપ્રવેશ કરે અને અજિતસેન કાબેરી નગરી ગયા વિના, ત્યાં કશું જણાવ્યા વિના પાછો ફરી જાય એ ઘટનાઓ પણ કંઇક અ-સામાન્ય લાગે છે. લોકવાર્તાઓમાં સ્વાભાવિકતાની, સુસંગતતાની ઝાઝી અપેક્ષા નથી હોતી એ ખરું પણ જયવંતસૂરિ જેવા પંડિત કવિ આ ઘટનાઓને સ્વાભાવિકતા અર્પવા કંઇક કરે એવી અપેક્ષા તો રહે જ- એ કંઇ લાઘવમાં માનતા નથી-પણ એ અપેક્ષા સંતોષાતી નથી. ‘શૃંગારમંજરી'માં તો બધે વખતે કથાભાગ ઝડપથી આટોપાઇ જાય છે અને કવિ સુભાષિતવાણીમાં તથા મનોભાવનિરૂપણમાં સરી પડે છે. કથા જાણે એક ખીંટી હોય એવું લાગે
છે.
એ નોંધપાત્ર છે કે જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓ નાયિકાપ્રધાન છે. કૃતિઓનાં શીર્ષક-‘શીલવતી ચરિત્ર’ અને ‘ ઋષિદત્તા રાસ'-માં એ દર્શાવાયું છે અને કથાઓ મૂળભૂતપણે સતીચરિત્રની છે, પણ તે સિવાય કવિએ નાયક કરતાં નાયિકાનાં વ્યક્તિત્વને વધારે પ્રભાવક રીતે આલેખ્યાં છે. આપણા મન પર નાયિકાઓ જ છાઇ રહે છે. એજ વિશેષ ક્રિયાશીલ છે અને એમનો જ વિજય વર્ણવાયો છે નાયકો તો સાધનરૂપ જ હોય એવું લાગે છે.
-
બન્ને નાયિકાઓનાં વ્યક્તિત્વ વિભિન્ન છે એ હકીકત નજરે ચડ્યા વિના રહે તેવી નથી. શીલવતીમાં વિશિષ્ટ જ્ઞાનની શક્તિ છે-એ પશુપંખીની બોલી સમજે છે, સંસાર ડહાપણ છે-રાજાના સવાલના જવાબ એ પોતાના પતિને આપે છે, બુદ્ધિચાતુર્ય છે- રાજાએ એના શીલની પરીક્ષા કરવા મોકલલા પ્રધાનોને એ યુક્તિપૂર્વક ભોંયરામાં પૂરી દે છે. ઋષિદત્તા કોમળ હૃદયની છે– લોહીમાંસની ગંધ પણ એ સહન કરી શક્તી નથી, ખુલ્લી પાળી જોઇને પણ એને ડર લાગે છે, સરલ અને રાંક સ્વભાવની છે-પોતે નિર્દોષ છતાં આવી પડેલી શિક્ષા, વિનાવિરોધે, કોઇના પ્રત્યે ફરિયાદ વિના, પૂર્વજન્મના કર્મના પરિણામ તરીકે સ્વીકારી લે છે. ઉદાર મનની છે. પોતાના માટે દુઃખનાં ઝાડ ઉગાડનાર રુખિમણિને એ પતિના ક્રોધમાંથી બચાવે છે. માફી અપાવે છે અને પતિ પાસે એનો સ્વીકાર કરાવડાવે છે, એનામાં ડહાપણભરી સમજણ અને સમજાવટ છે-કનકરથને એ બે વાર આત્મહત્યા વહોરતો બચાવે છે, ગાઢ વનપ્રીતિ છે-પતિ સાથે જતી વેળાએ એ વૃક્ષવેલીરોપ, પોપટ ંસમૃગલીમૃગબાલક તથા
તા. ૧૬-૨-૯૩
વનદેવતાની ભાવભરી વિદાય માગે છે, અને દિવ્ય પવિત્રતા છે એની સામે દેખીતા પુરાવા હોવાછતાં કનકરથ એને દોષિત માની શક્તો નથી, મુનિવેશે પણ એ કનકરથને પ્રભાવિત કરે છે, એને મારી નાખવાની સુલસાની હિંમત ચાલતી નથી.
બન્ને કૃતિઓની નાયિકાઓની જેમ એના નાયકો પણ વિભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. અજિતસેન શીલવતી પર સહસા શંકા લાવે છે ત્યારે કનકરથને ૠષિદત્તાની નિર્દોષતાની પ્રતીતિમાંથી કશું ચળાવી શક્યું નથી. અજિતસેનને શીલવતીની નિર્દોષતા જાણવા મળે છે ત્યારે ખૂબ લજ્જા પામે છે. પણ જેની સાથે ગાઢ સ્નેહ હોય તેની સાથે એક વાર તો કલહ કરી એની પરીક્ષા કરવી જોઇએ. અજ્ઞાનપણે જે કર્યું તે દોષ ન કહેવાય એ બચાવો કરે છે. કનકરથ ઋષિદત્તા પર આળ આવે છે ને એને કાઢી મૂકવાની થાય છે ત્યારે પોતે એને બચાવી શકતો નથી એનું ભારે દુઃખ અનુભવે છે અને એના વિયોગના વિચારમાત્રથી આત્મહત્યા કરવા તૈયાર થાય છે તથા રુખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળે છે ત્યારે ફરીને ઊંડો શોક અનુભવે છે અને બળી મરવા તૈયાર થાય છે. કનકરથનો પ્રેમ ઘણો ઊંડો અને સાચો હોવાનું પ્રતીત થાય છે.
‘ઋષિદત્તા રાસ'નાં અન્ય પાત્રો પણ પોતાનું કંઈ વિશિષ્ઠ વ્યક્તિત્વ લઇને આવે છે અને એનું સાક્ષાત્કારક નિરૂપણ પણ થયું છે. ‘શૃંગાર મંજરી'માં અન્ય પાત્રો કથાઘટના માટેનાં સોગઠાં હોય એમ જ જણાય છે. એકંદર એમ લાગે છે કે ‘ શૃંગારમંજરી'માં પાત્રાલેખન તરફ કવિનું લક્ષ જ નથી.‘ ઋષિદત્તા રાસ'માં એમણે પાત્રાલેખનની પોતાની શકિતને મોકળી મૂકી છે.
જયવંતસૂરિની અલંકા૨૨ચનાઓ ઔચિત્ય, અનુરૂપતા, સૌંદર્યસામર્થ્ય-સૂઝ, નૂતનતા, ચમત્કૃતિ, સંકુલતા અને સરલતા, વિદગ્ધતા અને તળપદાપણું, બહુલતા આદિ ગુણોએ ઓપતી છે. બહુલતા તો એવી કે જયવંતસૂરિને અલંકારકવિ કહેવાનું આપણને મન થાય. ‘શૃંગારમંજરી'માં પાતાલસુંદરીના વર્ણનમાં અલંકારોની છોળો ઊડે છે, વિવિધ ઉપમાનોના આશ્રયથી વેણી(કેશપાશ)નું વર્ણન ચાર કડી સુધી, નયનનું દશ કડી સુધી અને સ્તનનું વીસ કડી સુધી વિસ્તરે ! નયન, સ્તન વગેરેની વાત બીજા અંગની વાત સાથે ગૂંથાઈને આવી હોય તે તો જુદી. પચાસ જેટલી કડી સુધી વિસ્તરતા આ વર્ણન માટે પણ કવિ તો એમ કહે છે કે ‘વર્ણન કરૂં સંખેવી.' (કડી ૧૫૦૧થી ૧૫૫૦) કવિની વાત એ રીતે સાચી કહેવાય કે ઘણાં અંગો-ઉદર, કટિ, જંઘા, ચરણ વગેરે-ને તો એમને આ વર્ણનમાંથી છોડી દેવાં પડ્યાં છે.
વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. ‘ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪, ૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે-વેણી તે ભુજંગ. આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવાં વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે.
અલંકારનું બળ કવિને ઠેરઠેર કામિયાબ નીવડ્યું છે-વર્ણનોમાં, મનોભાવનિરૂપણમાં, સુભાષિતોમાં, બોધવચનોમાં, સુભાષિતો તો દૃષ્ટાંતોથી ઊભરાય છે ને બોધવચનોમાં પણ કેટલીક વાર સમુચિત દૃષ્ટાંતનું સામર્થ્ય ઉમેરાયું છે. જયવંતસૂરિની અલંકાર સજ્જતા અસાધારણ ભાસે છે.
જયવંતસૂરિને સર્વ પ્રકારનાં કવિકૌશલ માટે આકર્ષણ છે અને એમને એના પર પ્રભુત્વ પણ છે. એટલે એમણે શબ્દાલંકારની શોભાનો ઘણીવાર આશ્રય લીધો છે. વર્ણાનુપ્રાસ મધ્યકાલીન કવિતાને સહજ છે એમ જયવંતસૂરિને પણ છે. એના દાખલા તો જોઈએ એટલા આપી શકાય. નવાઈભર્યું એ લાગે છે કે એમણે કડીઓ સુધી એક વર્ણના અનુપ્રાસને લંબાવવાના સ્થૂળ ચાતુર્યમાં પણ રસ લીધો છે