________________
તા. ૧૬-૨-૯૩
પ્રબુદ્ધ જીવન
તેમનામાં હોતી નથી. ભારત જેવા આર્થિક વિષમતાવાળા દેશોમાં તો શેરીઓની સ્વચ્છતાનો કાર્યક્રમ સ્વૈચ્છિક રીતે પણ યોજી શકાય. સુધરાઈ કે સરકાર ઉપર બહુ આધાર રાખી શકાય નહિ, એ માટે સેવાભાવી સ્વૈચ્છિક મંડળો સ્થપાવાં જોઈએ અને કેટલીક પ્રવૃત્તિ સ્પર્ધાના ધોરણે યોજવી જોઇએ.
રેલવેના પાટા ઉપર શૌચાદિ માટે જવું એ જાણે કે એક સ્વાભાવિક ઘટના બની ગઈ છે. જ્યાં જ્યાં જે જે ગામ પાસેથી રેલવે પાટા પસાર થતાં હોય ત્યાં તેનો ઉપયોગ શૌચાદિ માટે ગામના લોકો કરતા આવ્યા છે. હજારો માઈલની રેલવે પાટા ધરાવતી ભારતીય રેલવેની આ એક સૌથી મોટી શરમજનક બાબત છે. એમાય મુંબઇ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ જેવાં મોટાં મોટાં શહેરોમાં સવારે પસાર થતી ટ્રેનો માટે શરમજનક દૃશ્યો ખડાં થાય છે. ભારતીય રેલવેના સ્ટેશનો ઉપર પ્લેટફોર્મની વચ્ચેના પાટાઓ અને રેલવે યાર્ડ એ ગંદકીનાં ઘણાં મોટાં ક્ષેત્રો છે.
કેટલાંક વર્ષ પહેલાં રશિયામાં રેલવે પ્રવાસમાં જોયું હતું કે સ્ટેશન આવે તેની થોડી મિનિટો અગાઉ ડબામાં શૌચાલયો બંધ થઈ જાય અને સ્ટેશન છોડ્યા પછી થોડી વારે તે ખોલવામાં આવે. સ્ટેશન પર ગંદકી ન થાય એ આશયથી આવી પદ્ધતિ ત્યાં દાખલ કરવામાં આવી છે. ભારતીય રેલવેમાં એવી પદ્ધતિ દાખલ કરવાનું સરળ નથી. વધુ પડતી ગિરદી, સ્ટાફનો અભાવ, ઓછાં શૌચાલયો, તથા સ્વચ્છતા માટેના આગ્રહનો અભાવ અને તે માટેની યોગ્ય સમજણનો અભાવ આવાં આવાં કારણોને લીધે ભારતીય રેલવેમાં સ્વચ્છતા આવતાં તો ઘણાં વર્ષો નીકળી જશે.
પ્રકૃતિના પાંચ મુખ્ય તત્ત્વ પૃથ્વી, પાણી, વાયુ, અગિ (પ્રકાશ) અને આકાશમાં ગમે તેવી વસ્તુને જીર્ણશીર્ણ કરવાની, બગાડી નાખવાની, કચરો પેદા કરવાની શક્તિ રહેલી છે. તેવી જ રીતે કચરાને નિર્મૂળ કરવાની શક્તિ પણ તેમાં રહેલી છે. પૃથ્વી કરતાં પાણીનું પ્રમાણ વધુ છે. પાણી કરતાં વાયુનું પ્રમાણ વધુ છે. વાયુ કરતાં પ્રકાશનું પ્રમાણ વધુ છે. અને પ્રકાશ કરતાં આકાશનું પ્રમાણ વધુ છે. આ દરેકનું જે પ્રમાણ છે તે સકારણ છે. એ દરેકનું પ્રમાણ એટલું વિરાટ છે કે હજારો અને લાખો વર્ષથી માનવજાતિએ અને ઇતર જીવસૃષ્ટિએ તેનો ઉપયોગ અને ઉપભોગ કરવા છતાં એ તત્ત્વો ખૂટ્યાં નથી અને ક્યારેય ખૂટશે પણ નહિ.
'માનવજાતિ અને પશુપંખીઓની સૃષ્ટિ બીજી કોઈ પ્રવૃતિ ન કરે તો પણ આહાર તથા શૌચાદિ ક્રિયાઓને નિમિત્તે રોજેરોજ તે કચરો ઉત્પન્ન કરે છે. વર્તમાન જગતના ચારેક અબજ જેટલા માણસોના એક દિવસના શૌચાદિના કચરાનો વિચાર કરીએ તો પણ તે કેટલો મોટો કચરો છે તેનો ખ્યાલ આવે. એક દિવસ પણ કચરા વગરનો જતો નથી અને છતાં આ બધા કચરાને સમાવી લેવાની, તેનું રૂપાંતર કરવાની શક્તિ માટી, પાણી, વાયુ, તડકો વગેરેમાં એટલી બધી છે કે પૃથ્વી ઉપરનો વસવાટ માણસને માટે અસહ્ય થઈ પડ્યો નથી. જો આ પ્રાકૃત્તિક તાવમાં એવી શક્તિ ન હોત તો વસવાટ એટલો દુર્ગધમય બની ગયો હોત કે માનવજાતિ અને ઇતર જીવસૃષ્ટિ એ દુર્ગધથી ગુંગળાઈને ક્યારનીય નષ્ટ થઇ ગઈ હોત.
* શૌચાદિ ક્રિયાના કચરાની જેમ મનુષ્યો અને પશુ પંખીઓના શબના કચરાનો પ્રશ્ન પણ સનાતન છે. જન્મ અને મરણ એ સંસારમાં ચાલતી અવિરત ઘટમાળ છે. રોજેરોજ આ પૃથ્વી ઉપર એક લાખથી વધુ માણસો મૃત્યુ પામે છે. છતાં આટલા બધા શબનો નિકાલ પણ થઈ જાય છે. શબ થોડાં વખતથી વધારે રહે તો તરત સડવા લાગે છે અને એની દુર્ગધ માથું ફાટી જાય એટલી તથા રોગચાળો ઉત્પન્ન કરે તેવી હોય છે. શબનો નિકાલ તરત જ કરવો પડે છે. માનવ જાતિએ અનાદિકાળથી તેના ઉપાયો શોધી કાઢ઼યા છે. શબને દાટવામાં આવે તો થોડાં દિવસોમાં તે માટી સાથે ભળી જઈને માટી થઈ જાય છે. શબને બાળવામાં આવે તો તેની રાખ થઈ જાય છે. રણમેદાનમાં પડેલા શબોને પક્ષીઓ આવીને ખાઇ જાય છે. તો પણ રણમેદાનનું વાતાવરણ અસહ્ય દુર્ગધવાળું બની જાય છે. એથી જ યુદ્ધ વખતે શબના નિકાલની વ્યવસ્થા પણ લશ્કરે તરત વિચારવી પડે છે. - આ પૃથ્વી ઉપર મનુષ્ય કે પશુપંખીઓની બિલકુલ વસતી ન હોય, તો પણ સતત કચરો ઉત્પન્ન થતો રહે છે. વૃક્ષોનાં પાંદડાં અને બીજી કેટલાયે પ્રાકૃતિક પદાર્થોના કચરા તો થતા જ રહેવાના, પરંતુ તે દરેકની વ્યવસ્થા કુદરતમાં જ રહેલી છે. કુદરતની એ મોટી મહેરબાની છે એમ કહી શકાય.
ભારતમાં ઘણે ઠેકાણે લોકોમાં એવી માન્યતા પ્રચલિત રહી છે કે રાત્રે વાસીદું વળાય નહિ. આવી માન્યતા પાછળ કેટલાંક કારણો પણ. હતાં. વીજળીના દીવા નહોતા ત્યારે રાત્રે વાસીદુ વાળવામાં અંધારામાં કોઈ કિંમતી વસ્તુઓ ચાલી જાય એવું જોખમ પણ રહેતું. અંધારામાં વાસીદુ વાળતાં જીવજંતુઓનો પણ ડર રહેતો. પર્વના દિવસે અમુક રીતે જ વાસીદુ વાળવાની પ્રથા હતી. દિવાળી અને નૂતન વર્ષના દિવસોમાં સવારે ઘરમાંથી કચરો કાઢીને બહાર નાખવા જાય ત્યારે સ્ત્રીઓ હાથમાં થાળીવેલણ લઈને જાય અને કચરો નાખ્યા પછી થાળી વગાડતી વગાડતી ઘરમાં પાછી આવે અને તે વખતે બોલતી હોય કે,
અળસ જાય અને લક્ષ્મી આવે!” આપણે ત્યાં જૂની કચરા જેવી વસ્તુઓ માટે અળશ શબ્દ પ્રચલિત રહ્યો છે. આ અળશ' શબ્દ “અલક્ષ્મી' ઉપરથી આવેલો છે . નાખી દેવા જેવી વસ્તુઓ તે અલક્ષ્મી છે. દિવાળીના પર્વના દિવસોમાં લોકો કચરો નાખતી વખતે એવી ભાવના ભાવતાં કે ઘરમાંથી અલક્ષ્મી દૂર થાય અને લક્ષ્મી પધારે. લોકોની લક્ષ્મીની પ્રાપ્તિની શુભ ભાવનાના સંકેત રૂપે આ પ્રથા ઉદ્ભવી હતી. અળશ જાય તો જ લક્ષ્મી આવે. જ્યાં સુધી ઘરમાં અળશ- અલક્ષ્મીનો વાસ હોય ત્યાં સુધી લક્ષ્મીદેવીને પધારવાનું મન ન થાય. સ્વચ્છતા માટેની કેવી ઉત્તમ ભાવના ! પણ આજે એ ઘસાઈ ગઈ છે.
જેઓએ જીવનમાં પ્રગતિ કરવી હોય તેઓએ અળશના ઝડપી વિસર્જનની કલા શીખી લેવી જોઈએ..
બાહ્ય સ્થૂલ કચરા કરતાં અંતરમાં રહેલી મલિન વૃત્તિઓ રૂપી કચરો કાઢવાની એથી પણ વધુ મહત્ત્વની વાત છે. ભગવાન બુદ્ધના એક શિષ્યનો પ્રસંગ છે. શિષ્યનું નામ હતું સંમાર્જની. તેમનું નામ પણ સાર્થક હતું. તેઓ સ્વચ્છતાના બહુ જ આગ્રહી હતા. આશ્રમમાં એક નાની સરખી કુટિર બાંધીને તેઓ તેમાં રહેતા હતા. કુટિર એકદમ સ્વચ્છ રહેતી. આંગણામાં પણ તેઓ પૂરેપૂરી સ્વચ્છતા રાખતા. આખા આશ્રમમાં સંમાર્જનીની કુટિર સ્વચ્છતાની દૃષ્ટિએ પ્રથમ નંબરે આવતી. સંમાર્જનીનો એ માટે ભારે પુરુષાર્થ રહેતો. જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં ઝાડું હોય. તેમની કુટિર પાસેથી કોઈ પસાર થાય અને ધૂળમાં એના પગલાં પડે તો તરત સંમાર્જની ઊઠીને ઝાડુ લઇને તે ધૂળ સરખી કરી નાખે. સંમાર્જનીની તકલીફ પાનખર ઋતુમાં ઘણી વધી જતી. સૂકાં પાંદડાંનો કચરો વૃક્ષ ઉપરથી આખો દિવસ પડ્યા કરે અને દૂર દૂરના પાંદડાં પણ ઊડી ઊડીને આવે. સંમાર્જની આખો દિવસ કચરો વાળી વાળીને થાકી જાય. એમ કરતાં સંમાર્જનીનો સ્વભાવ. પણ, ચીડિયો થઈ ગયો. પોતાના આંગણા પાસેથી કોઈ પસાર થાય તો સંમાર્જની એને ટોક્યા વગર, ઝગડો કર્યા વગર રહે નહિ. કોઈ પશુ આવતું હોય તો એને અટકાવવા માટે સંમાર્જની લાકડી લઈને મારવા દોયા જ હોય. વૃક્ષોના પાંદડાને તો તેઓ કેવી રીતે અટકાવી શકે ? પરંતુ એથી જ વૃક્ષો પ્રત્યે એમને ખૂબ નફરત રહેતી. સંમાર્જનીની સ્વચ્છતા માટેની ચીવટ વધુ પડતી થઈ ગઈ છે એ વાત ભગવાન બુદ્ધ જ્યારે જાણી ત્યારે તેઓ સંમાર્જની પાસે એક દિવસ આવ્યા. ભગવાન પધાર્યા એથી સંમાર્જની બહુ પ્રસન્ન થઈ ગયા. ભગવાન બુદ્ધે એની . સાથે કુટિરમાં બેસીને વાત કરતાં શિખામણ આપી કે ‘ભાઇ સંમાર્જની' બાહ્ય સ્વચ્છતા જાળવવામાં તમારો આખો દિવસ વેડફાઈ જાય છે. હવે તો જરા જેટલી અસ્વચ્છતા દેખાતાં તમારા ચિત્તમાં અશાંતિ, ઉદ્વેગ, ક્રોધ વગેરે આવી જાય છે. બાહ્ય સ્વચ્છતા જાળવવા છતાં તમારા અંતરમાં કષાયનો કચરો વધવા લાગ્યો છે. બાહ્ય કચરાને તમે બહુ ટાળી નહિ શકો પરંતુ આશ્રમમાં રહીને તમારે જે સાધના કરવાની છે તે તો અંતરમાં રહેલા કચરાને સાફ કરવા માટેની છે. એ નહિ થાય તો બાહ્ય સ્વચ્છતા બધી જ નિરર્થક નીવડવાની છે.'
ભગવાન બુદ્ધની શિખામણ સાંભળતાં સંમાર્જનીની દૃષ્ટિ ખૂલી ગઇ. એમના આંતરચક્ષુ ખૂલી ગયાં અને ભગવાનનો ઉપદેશ એમના હૈયામાં વસી જતાં તેઓ તે પ્રમાણે સાધના કરવા લાગ્યા.
અલ્પ પરિગ્રહ ત્યાં અલ્પ અળશ, અલ્ય કચરો, પૃથ્વીના ઓછામાં ઓછા પદાર્થોનો ઉપભોગ એ પણ એક વિશિષ્ટ કળા છે. નિરર્થક ઉપભોગ અથવા દુર્ણય એ માત્ર ભૌતિક જ નહિ, આધ્યાત્મિક પણ દ્રોહ છે. એવી સમજણ આવવી સહેલી નથી-વિરલ સંતમહાત્માઓ પાસે એવી દ્રષ્ટિ હોય છે. તેઓ બાહ્ય સ્વચ્છતા જાળવવા સાથે અંતરની સ્વચ્છતા પણ જાળવે છે.
બાહ્ય અને અત્યંતર ઉભય પ્રકારનો સર્વ કચરો દૂર કરવાની કલા કેટલા ઓછા લોકો હસ્તગત કરી શકે છે ! રમણલાલ ચી. નાહ