________________
શ્રી સિદ્ધચક્ર
૩૯
જગતનો એક પણ ધર્મ એવો નથી કે જેની આખી ઈમારત માત્ર કર્મ ઉપરજ રચાયેલી હોય એ વાત તો તમે સહજ સમજી શકો છો કે આપણે સૌથી વધારે જાસુસી ક્યાં કરવી પડે છે? આપણા મિત્રોના રાજ્યોમાં આપણા પ્રતિનિધિઓ રહે, આપણા જાસુસો રહે, આપણા નોકરો રહે, પરંતુ તે બધું અલ્પ સંખ્યામાં જ હોય છે, પરંતુ જેની સાથે દુશ્મનાવટ હોય, જેના હલ્લાથી દેશને બચાવવો હોય, જેના આઘાતો સૌથી વધારેમાં વધારે ભયંકર હોય, તેવા જ શત્રુના હલ્લા સામે પૂરતી તકેદારી રાખવી પડે છે, તેના રાજ્યમાં વધારે નોકરો રાખવા પડે છે, ત્યાં વધારે જાસુસો મોકલવા પડે છે અને તેના બચાવની સામે વધારેમાં વધારે મજબુત બચાવના કિલ્લા પણ બાંધવા પડે છે. મિત્રરાજ્યની કેવી સ્થિતિ છે? તેના લશ્કરની શી દશા છે? તેના મુલકમાં દાણોપાણી કેટલો વખત ચાલે એટલાં છે? તેનીએ પૂરતી માહિતી આપણે રાખતા નથી. મિત્રરાજ્યોનાં ગામોની માહિતી દર્શાવનારા આપણી પાસે નકશાઓ પણ હોતા નથી, પરંતુ શત્રુની તો એ સઘળી બાબતો બરાબર અને પુરેપુરી તપાસાય છે. મિત્રોની પરિસ્થિતિ ધ્યાનમાં નથી લેવાતી અને શત્રુની પરિસ્થિતિ ધ્યાનમાં લેવાય છે એનું કારણ તમે વિચાર્યું ?
શત્રુની સાથે આપણે જંગ ખેલવો છે, એટલે શત્રુની સઘળી બાબતોથી આપણે પુરેપુરા વાકેફ હોઈએ તો જ શત્રુનો બરાબર સામનો આપણે કરી શકીએ. જો શત્રુની સ્થિતિથી આપણે પુરી રીતે વાકેફ ન હોઈશું તો આપણે શત્રુથી બચવાના કશા ઉપાયો લઈ શકવાના નથી. આટલા જ કારણથી યુદ્ધમાં ઉતરેલાં મહારાજ્યો મિત્રરાજ્યોની બાતમી મેળવતાં પહેલાં શત્રુસામ્રાજ્યની પુરેપુરી બાતમી મેળવે છે. આ ઉપરથી તમે સમજી શકશો કે કર્મની સામેજ જૈનશાસનને શા માટે મોરચા માંડ્યા છે? જગતના તમામ ધર્મવાળાઓએ જેવા કઠિન તીરો
તા. ૧૪-૧૧-૧૯૩૬
કર્મ ઉપર નથી માર્યા તેવા કઠિન તીરો જૈન શાસને કર્મરાક્ષસ સામે તાક્યાં છે. જ્યારે જૈનશાસનને કર્મની સામા કઠિન તીરો ફેંકવાની ગરજ પડે છે, ત્યારે તે વખતે જૈનશાસન કર્મની બાબતમાં બાકી રાખી શકે જ નહિ. બીજા શાસનોની ધર્મવ્યવસ્થા તરફ નજર નાખશો તો માલમ પડશે કે તેમણે પોતાના દેવોને ઈશ્વર, પરમેશ્વર, ભગવાન વગેરે નામોથી સંબોધ્યા છે અને એ નામે તેમણે એ દેવોની પૂજા, સેવા કરવાનો અને તે બહાને લાડુ ખાવાનો ઘાટ ગોઠવ્યો છે, અહીં તેવી યોજના નથી.
જૈનશાસન તીર્થંકર ભગવાનોને, કેવળી મહારાજાઓને, યા તો ગણધરદેવોને ભગવાન, સર્વેશ્વર, ઈશ્વર, સૃષ્ટિસર્જનહાર વગેરે નામોથી પૂજવાનું કહેતું જ નથી. જૈનશાસનને તો ઈશ્વર, પરમેશ્વર, ભગવાન, સર્વશક્તિમાન એવા શબ્દોની યોજના કરીને તેમની પૂજા ન કરાવતાં નમો અરિહંતાણં એજ શબ્દની યોજના કરેલી છે. આ યોજનામાં ભારે ભાવ સમાયેલો છે. ધ્યેય તરીકે જૈનશાસનને પરમેશ્વરશબ્દ આગળ ન મૂકતાં ‘“અરિહંત’” એ શબ્દ આગળ મૂકેલો છે. જો એમાં કાંઈ પણ હેતુ જ ન હોત તો જૈનશાસનને પણ ‘નમો અરિહંતાણં’ એમ ન કહેતાં ઈસરાણં, પરમેસરાણં એમજ કહ્યું હોત! અર્થાત્ ઈશ્વર, પરમેશ્વર એવા શબ્દો જ જૈનશાસનને પોતાના ધ્યેય તરીકે રાખ્યા જ નથી અને ધ્યેય તરીકે તો ‘અરિહંત’ શબ્દની જ યોજના કરી છે. અરિહંત શબ્દની મહત્તા સમજ્યા પછી તમે અરિહંતને ‘ભગવાન્, દેવ, પ્રભુ, ઈશ્વર” વગેરે શબ્દો લગાડો તે એક જુદી વાત છે, પરંતુ જો ધ્યેય તરીકે કોઈ પદ મૂક્યું હોત તો તે માત્ર અરિહંતપદ છે બીજું નથી. હવે “ઈશ્વર” કે “પરમેશ્વર” શબ્દ ન વાપરતાં અહીં અરિહંત શબ્દની યોજના કરી છે, તે શા હેતુથી કરેલી છે તે વિચારો.
(અપૂર્ણ)