________________
શ્રી સિદ્ધચક્ર
૩૮
ત્યારે જ તેઓ નોકરીમાંથી છૂટા થયા હતા. તીર્થંકર ભગવાનો, ગણધર ભગવાનો, કેવળી ભગવાનો એઓ પણ સઘળા કર્મની નોકરીમાં હતા. જ્ઞાનના ધણીઓ, સર્વજ્ઞો, ત્રણે જગતને ત્રણે કાળને વિષે સંપૂર્ણ રીતે જાણનારાઓ, તેઓ પણ કર્મની નોકરીમાં હતા, તો પછી આપણે કર્મની નોકરીમાં હોઈએ તેમાં શું આશ્ચર્ય?
હવે વિચાર કરો કે તમે પણ કર્મરાજાની નોકરીમાં હતા અને તીર્થંકરદેવો, ગણધર ભગવાનો અને કેવળી મહારાજાઓ પણ કર્મની નોકરીમાં હતા, તો પછી તમારી અને તેમની વચ્ચે તફાવત શો? તમે કહેશો કે અમે બંને સરખા. અમે કહીએ છીએ કે ઃ દીલ્હી હજી બહુ દૂર છે.
તમે અને તીર્થંકરદેવો ગણધર ભગવાનો અને કેવળી મહારાજાઓએ સઘળા મહાસમ્રાટ કર્મદેવ નરપતિના નોકરો તો ખરા, પરંતુ બન્નેની વચ્ચે મોટો ફરક પણ ખરો. કેવળીઓ, તીર્થંકરો અને ગણધરદેવો ગૃહસ્થ નોકરો હતા, ત્યારે તમે સોલ્જર નોકર છો. કેવળીઓ, તીર્થંકરો અને ગણધરો નોકરી કરે, પરંતુ જ્યારે તેમની ખાતરી થાય કે આ માર્ગે હિત નથી થતું, પણ અહિત થાય છે, તો તે જ પળે તેઓ નોકરીનું રાજીનામું ધરી દે અને એ કર્મદેવની કૃત્તાંતકાળ જેવી નોકરીમાંથી છટકી જાય, તમે એ પ્રકારના નોકર નથી. તમારી અને તેમની નોકરીમાં આ મહત્વનો ફરક છે. આ ફરક સમજો અને તે ફરક ટાળવાનો પ્રયત્ન કરો તો તમારો બેડો પાર છે.
જે કાર્ય કરતી વખતે હિતાહિત તપાસે છે, સારા-નરસાની પરીક્ષા કરે છે અને પછી અહિત લાગતું હોય તો રાજીનામું આપી દે છે, તેઓ સઘળા શિક્ષિત નોકર છે. જેનામાં પોતાનું હિતાહિત તપાસવાની ગુંજાશ નથી, જેને એ તપાસનો હક નથી એવાઓ તે માત્ર ઉપરની આજ્ઞાને જ અમલમાં
તા. ૧૪-૧૧-૧૯૩૬
મૂકવાવાળા છે અને તેઓની નોકરી સોલ્જરના જેવી છે. આપણે શબ્દોથી બોલીને પણ આપણી એ જ લાયકાત પુરવાર કરી રહ્યા છીએ. અક્કલ વિનાનો સોલ્જર પોતે જે કામ કરે છે, તેમાં તેનો કાંઈ બચાવ હોતો નથી. ઓફિસરનો આવો હુકમ છે માટે જ અમે આવું કરીએ છીએ, એટલો જ માત્ર તેનો બચાવ છે, તે જ પ્રમાણે આપણે પણ મોઢામાંથી એવા જ શબ્દો બોલીએ છીએ કે જેવા કર્મનો ઉદય હશે તે પ્રમાણે થશે. માલિકનો હુકમ સાચો છે કે જુઠો છે તે આવા સોલ્જરોને તપાસવાનો અવકાશ નથી. હુકમ ફાયદો કરનારો છે કે ગેરલાભ કરનારો છે, તે પણ સોલ્જર વિચારતો નથી, તે તો માત્ર એટલું જ શીખેલો છે કે હુકમ થયો માટે હુકમને તાબે થાઓ અને તે પ્રમાણે જ કાર્ય કરીને આપણી વફાદારી બતાવી આપો.
સોલ્જરને તેનો ઉપરી એવી આજ્ઞા કરે કે પોતાના રાજાની સામે થાઓ, તોપણ તે તેને માન્ય છે, તે તરત જ રાજાની પણ સામે થાય છે અને તેને તેનો ઉપરી જો એમ કહે કે કમાંડરને ગોળી માર તો તરત જ સોલ્જર તે હુકમને પણ માન્ય રાખી લે છે, તે બીજો કાંઈ વિચાર જ નથી કરતો, જેમ ત્યાં સોલ્જરો એ અક્કલના ફૂટેલા અને હૈયાના આંધળા નોકરો છે, તેવા આપણે કર્મરાજાના આંધળા નોકરો છીએ. કર્મરાજા જેવો હુકમ કરે છે તે જ પ્રમાણે આપણે પણ કાર્ય કરવાનું છે એમ આપણે માન્યું છે અને તે પ્રમાણે આપણે પણ એવો બચાવ કરીએ છીએ કે :- ભાઈ! અમે શું કરીએ? જે પ્રમાણે કર્મનો ઉદય તે પ્રમાણે થાય છે. હવે તમે કહેશો કે શું ત્યારે કર્મનો ઉદય એવા શબ્દો જ અમારે ન બોલવા? કર્મનો ઉદય થાય છે એ વાત જ ખોટી છે? કર્મનો ઉદય જો કોઈપણ શાસનમાં સારામાં સારી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિએ દર્શાવ્યો હોય તો તે માત્ર જૈનશાસનમાં જ દર્શાવ્યો છે, અન્યત્ર કોઈપણ સ્થળે દર્શાવવામાં આવ્યો નથી.