________________
૨૬૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
એટલે અનુભવથી સિદ્ધ અને ઈચ્છેલા પદાર્થોના સ્વભાવથી વિરૂદ્ધ ન હોય અને બંધાદિને સિદ્ધ કરનાર હોય તે અહીં તાપશુદ્ધ શાસ્ત્ર કહેવાય. એ તાપની પરીક્ષા વડે કરીને જે શાસ્ત્ર શુદ્ધ હોય તે તાપશુદ્ધ જાણવું અને જે તે જણાવેલ એવા તાપથી અશુદ્ધ હોય તે શાસ્ત્ર કષ અને છેદથી શુદ્ધ હોય તો પણ અશુદ્ધ જાણવું. જેમ જીવને કથંચિત્ સત્ કથંચિત્ અસત્, કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય આદિ અનેક ધર્મવાળો માનીએ તોજ સુખ દુઃખ કર્મબંધ વિગેરે ઘટી શકે, એકાંતે સઆદિ માનીને જીવાદિને બીજારૂપે માની અન્યથા માનીએ તો એ બધું ઘટે જ નહિ. સ્વરૂપે કરીને વિદ્યમાન અને પરરૂપે કરીને અવિદ્યમાન એવો જીવ માની એ તો જ જીવનું વિશિષ્ટપણે માન્ય થાય અને તે વિશિષ્ટપણાથી વિશિષ્ટ એવા સુખાદિક પણ થઈ શકે, નહિં તો સત્તાઆદિ માત્રનો સર્વકાલે અને સર્વ પદાર્થોમાં સદ્ભાવ હોવાથી એ સુખાદિની વિશિષ્ટતા ન થાય, અને વિશિષ્ટતાના અભાવે વિશિષ્ટતાને માટે કરાતો ઉદ્યમ એ અજ્ઞાન જ ગણાય. જે પદાર્થ નિત્ય હોય તે હંમેશાં એકસ્વભાવવાળો હોય છે અને તે રીતિએ જીવ જો દુઃખ સ્વભાવવાળો હોય તો એ દુઃખના નાશનો સંભવ નહિં હોવાથી દુઃખના નાશ માટે કેમ પ્રવર્તે? તેમજ ઉત્પત્તિની સાથે જ નાશ પામવાવાળો એવો એકાંત અનિત્ય એવો જો જીવ હોય તો એક સમયમાં એટલે ઉત્પત્તિની વખતે પલટો કરાવનારી ચીજ જ નહિં હોવાથી તે પલટાનો સંભવ જ નથી. કારણ અને કાર્યનો એકાંત અભેદ માનવાથી વિશિષ્ટ એવો કારણનો જે પર્યાય તે નાશ ન પામતો હોવાથી એકાંત અભેદપક્ષમાં તેમજ ભેદપક્ષમાં પણ વિશિષ્ટ કાર્ય થઈ શકે નહિ. માટીનો પિંડ પણ તે માફક ઘડારૂપે પરિણમે નહિં, કેમકે પિંડભાવનું વિદ્યમાનપણું છે, ભેદના એકાંતપક્ષમાં જો તેનો તે સર્વથા પિંડભાવ જાય તો જ ઘટપણું થાય, અને મૃત્તિકાદિક ધર્મો તો પ્રત્યક્ષ ચાલુ રહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે કથંચિત્ સઆદિ ધર્મવાળો આત્મા પરિણામી બની શકતો હોવાથી મિથ્યાત્વ આદિના પરિણામવાળો થાય છે, અને તેમ પરિણમવાથી જ મિથ્યાત્વ આદિ કારણોથી જ કર્મને બાંધે છે અને સમ્યકત્વઆદિ કારણોથી કર્મને છોડે છે. જો કે સમ્યકત્વ એ નિર્જરાનું કારણ નથી, પણ સમ્યકત્વથી થતી પરિણામ શુદ્ધિથી નિર્જરા થાય છે. વળી આત્મા પરિણામી હોઈ ને કર્મ અને આત્માના તથા કર્તા ભોક્તાપણાના એક આધારપણાથી પોતાના કરેલાં કર્મો પોતે ભોગવે છે, નહિંતર નિત્ય માનવામાં આવે તો હંમેશાં કર્તા, ભોક્તપણું કે બંને વાનાં સાથે જ આવે, પણ આગળ-પાછળ અનુક્રમે આવેજ નહિં, જુવાનપણામાં ચોરી આદિક કરેલી હોય તેનું ફળ પાછળથી અથવા અંત્યમાં ભોગવે છે અને પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી તે ભોગવનાર કર્તાથી જુદો નથી. વળી અનુભવ, લોક અને આગમથી એમ સિધ્ધ છે કે પાપપરિણતિને લીધે હું કેવું ફળ પામ્યો? એ ઉપરથી કથંચિત્ જુવાન અને વૃધ્ધપણું ભિન્ન જ છે એમ એકાંતે ભેદપક્ષ પણ જુઠો સમજવો. આ જીવ મનુષ્યાદિકના ભવમાં કરેલાં કર્મો દેવઆદિકના ભવોમાં ભોગવે છે, તેથી તે કર્મો કરવાપણાનો અને ભોગવવાપણાનો પર્યાય જીવનો જ છે એમ માનવાથી તે બધું ઘટી શકે. જો જીવ એકાંતે નિત્ય હોય તો કર્તા કે ભોક્તાપણામાંથી એક સ્વભાવપણું જ રહે અને તેમજ એકાંતે અનિત્ય હોય તો ઉત્પત્તિ પછી તરત જ નાશ પામવાથી પોતાનું કરેલું શુભ કે અશુભ કર્મ ભોગવે કોણ ? એવી રીતે એકાંતે નિત્યાનિત્યવાદને અયોગ્ય જણાવી હવે જીવ અને શરીરનો ભેદભેદવાદ કહે છે :