________________
૨૬૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ સતી પરીક્ષામાં પસાર.
હવે સુભદ્રાએ આ કાર્ય કરવા સાસુની રજા માગી. સાસુએ જવાબ આપ્યો : “બસ ! બસ ! તારું સતીત્વ કેવું છે તે તો હું જાણું છું !' સુભદ્રા સસરા પાસે ગઈ ત્યાંથી પણ એ જ જવાબ મળ્યો. પતિ પાસે રજા લેવા ગઈ. ત્યારે પતિએ કહ્યું કે મારી માતા તો તારા ઉપર આવું આળ મૂકે છે પરંતુ મારો તારા ઉપર પ્રેમ છે માટે જો તારી મરજી હોય તો હું તને આ કાર્યમાં પ્રવૃત્ત થવાની રજા આપું છું. સુભદ્રા કૂવા પાસે ગઈ અને તેણે સર્વ દેવ, યક્ષો આદિની સાંન્નિધ્યતામાં કહ્યું કે, “હે દેવો, યક્ષો ! અને શાસનદેવતાઓ જો મેં મન, વચન અને કાયાથી શીલવ્રત પાળ્યું હોય તો આ કાર્ય મારે હસ્ત પૂર્ણ થજો!” પ્રતિજ્ઞા કરીને સુભદ્રાએ ચાળણી કાચા તાતણાએ બાંધીને કુવામાં મૂકી કે તરત જ સડસડાટ કરતી ચાળણી નીચે ઉતરી ગઈ પાણીથી ભરાઈ બહાર આવી અને તેની સુભદ્રા જ્યાં બારણા પર અંજલિ છાંટે છે કે બારણાં ઉઘડી ગયાં. સુભદ્રાએ ત્રણ બારણા ખોલી નાખ્યા અને એક બારણું બીજી સતીઓને પોતાનો પ્રભાવ દર્શાવવાને માટે બંધ રહેવા દીધું. આજે પણ ચંપાપુરીમાં હજી એ ત્રણ ખુલ્લા દરવાજા અને ચોથો બંધ દરવાજો, સુભદ્રાના દિવ્ય જીવનની સાક્ષી પૂરતા ઉભા છે. માતૃગત ઉત્તમ જાતિનું મહત્વ કેટલું છે તે આ કથાનક ઉપરથી સ્પષ્ટ થાય છે. માતાની મહત્તા.
બાપ સંતતિને અન્ન આપે છે તેનું પાલનપોષણ કરે છે તેનો તે સંરક્ષક છે એની કોઈથી ના પાડી શકાવાની જ નથી, પરંતુ બાળક ઉપર વધારે પ્રભાવ તો માતાનો જ પડે છે. માતા જેવી ક્રિયા કરે છે, જેવું ધર્માચરણ કરે છે, અને જે રીતિએ વર્તન કરે છે તેવી જ છાપ બાળક ઉપર પડે છે. માતાના વર્તનનું જ બાળક અનુકરણ કરે છે. માતા કીડી, મંકોડી, માંકડ ઈત્યાદિને મારવા લાગશે તો બાળક પણ તે જોઈને તેવું જ કરવા પ્રેરાશે અને માતા જો રોગી, અપંગી અને લંગડા લુલાને દાન આપનારી હશે તો બાળક પણ તેવું જ વર્તન કરવાને લલચાશે, શ્રાવકકુળની જે ગળથુથી પાવાની છે તે પણ માતાને હાથે જ બાળકને પાવામાં આવે છે. માતા શ્રાવિકાના ધર્મોને સમજનારી અને તે પ્રમાણે વર્તનારી હશે તો તેની છાપ પણ બાળકોના ઉપર જરૂર પડવાની જ અને તે બાળક કદી પણ ધર્મહીન થવાનો નહિ. પિતા ધર્મને પામેલો નહિ હોય છતાં માતા શ્રાવિકાના શુભ લક્ષણોથી યુક્ત હશે તો તે માતા પોતાના બાળકને સાચો શ્રાવક બનાવી શકશે ત્યારે પિતા સારા સંસ્કારવાળો હશે તે બાળકને નિરંતર ધાર્મિક સંસ્કારો પાડતો જ રહેશે પરંતુ તે છતાં માતાના સંસ્કારો જો સારા નહિ હોય તો પિતાના પાડેલા સંસ્કારો નકામા જશે અને માતાના વર્તનની છાપ બાળક ઉપર દૃઢ થશે, એટલા જ માટે શ્રાવકકુળમાં માતૃગત જાતિનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે.
(અપૂર્ણ)