________________
૨૬૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
રીતે પળવા લાગી. સુભદ્રાનાં સાસુ-સસરા અજૈન હતા. તેમને સુભદ્રાનો જૈનાચાર શૈલ્યની માફક ખૂંચવા લાગ્યો. હવે એવું બન્યું કે એક દિવસ સુભદ્રા બારણે ઉભી હતી એવામાં એક તપસ્વી જૈન સાધુ ત્યાંથી પસાર થતા હતા. સાધુના નેત્રમાં રસ્તામાં ચાલતાં કાંઈક ઘાસનું તણખલું પડ્યું હતું અને તેથી તેમની આંખ લાલચોળ બની તેમાંથી પાણી ઝરી રહ્યું હતું. સુભદ્રાએ સાધુને જોઈને તેમને કહ્યું. “મહારાજ! આપના નેત્રમાં કાંઈક તરણું પડ્યું છે માટે જો આપ ઉભા રહો તો તમારી આંખમાંનું તરણું હું કાઢી નાખું!” સાધુ અનુગ્રહ કરીને ઉભા રહ્યા એટલે સુભદ્રાએ પોતાની જીભ તેમની આંખમાં ફેરવી જેથી જીભના કરકરા અગ્રભાગને ચોંટીને પેલું કચરું નીકળી ગયું. સુભદ્રાએ પોતાની જીભ સાધુની આંખમાં ફેરવી તે સમયે તેના કપાળે કેસરનો ચાંદલો કરેલો હતો, ચાંદલો લીલો હતો એ ચાંદલાની છાપ સાધુના કપાળમાં ચોંટી ગઈ. કુલ કામિનીઓની પરીક્ષા.
હવે એવું થયું કે સાધુ નીકળીને જ્યાં બહાર જાય છે ત્યાં સુભદ્રાની સાસુ આવી પહોંચી. તેણે સાધુના કપાળમાં કેસરના તિલકની છાપ જોઈ અને તેથી તેણે સુભદ્રાને દુરાચારિણી માની લઈ તેના ઉપર વ્યભિચારનું પાતક મૂક્યું. સાસુ-સસરાએ તેનો તિરસ્કાર કર્યો. ખિન્ન થયેલી સુભદ્રા આથી શાસનદેવતા પાસે ગઈ અને ત્યાં કાઉસગ્ન કરીને ઘોર પ્રતિજ્ઞા કરી કે હે શાસનદેવતા ! મારા ઉપર જે મહાભયાનક આળ ચહ્યું છે તે આળ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી મારે અન્નજળ ત્યાગ છે. સુભદ્રાએ આવી પ્રતિજ્ઞા કરતાં તે જ ક્ષણે આકાશવાણી થઈ કે હે સુભદ્રા ! તારા ઉપર ચઢેલું આળ આવતી કાલે જ ઉતરી જશે ! બીજે દિવસે દેવી શક્તિથી નગરના કિલ્લાના બારણાઓ બંધ થઈ ગયા. બારણા એવા બંધ થઈ ગયાં કે તે ગમે તે પ્રકારે ઉઘડે નહિ. બારણા પર હથોડા મારે તો હથોડા ઉછળીને જ પાછા પડે. છેવટે આકાશવાણી થઈ કે “જે કોઈ સાચી સતી હશે અને તે મહિલા જો કાચા સુતરના તાંતણાથી ચાળણી વડે કુવામાંથી પાણી કાઢી તે પાણી બારણા પર છાંટશે ત્યારે જ આ કોટના બારણા ઉઘડી જશે !” આકાશવાણી સાંભળી ચંપાપુરીના રાજાએ તેવો ઢંઢેરો પીટાવ્યો. રાજાએ જાણ્યું કે મારા અંતઃપુરમાં જે નારીઓ છે તે તો સતીઓ છે જ એટલે આ કામ અવશ્ય પાર પડશે. આમ ધારી રાજાએ રાણીઓને પાણી ભરવા મોકલી, પરંતુ તેઓ કાચા સૂતરથી જ્યાં ચારણી બાંધીને કૂવામાં મૂકે છે કે ત્યાં જ સૂતરના તાંતણો તૂટી ગયો. મન, વચન અને કાયાએ યુક્ત એવું સતીત્વ કેટલી રમણીઓ પાળે છે તે જાહેર થયું અને હજારો કુલકામિનીઓની બેઆબરૂ થઈ !