________________
૧૬૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫ આશાતના વગેરે ટાળવાના કાર્યોમાં કટિબદ્ધ થાય છે. જગતનો અનુભવ સાક્ષી પૂરે છે કે તીર્થ જેટલું સ્વપ્રભાવે ઉજ્વળતા મેળવે તેના કરતાં ઘણું જ અધિક અંશે ભક્તોની સાહ્યબી અને ભક્તોનું આગમન તીર્થની ઉજ્વળતા કરે છે. જે જે સ્થાને તીર્થો મોટા છતાં પણ સમૃદ્ધિશાળી અને સમુદાયે ભક્તોનું આવાગમન નથી હોતું તે તે તીર્થો ઉજ્વળતામાં ઘટે છે અને યાવત્ ભદિલપુર આદિ તીર્થોની માફક વિચ્છેદ પામે છે, અને તે તીર્થોનો પ્રભાવ એટલો બધો ઘટી જાય છે કે જ્યાં ત્રિલોકનાથ તીર્થકરના જન્માદિક પાંચે કલ્યાણકો કે જન્માદિક ચાર કલ્યાણકો સરખાં અતિશાયી કાર્યો બનેલાં હોઇ તીર્થ તરીકે જાહેર થયાં હોય તેવા તીર્થોનો ઉદ્ધાર કરવા કે નિશાની માત્ર રાખવા પણ તે તે યુગનો સંઘ તૈયાર થઈ શકતો નથી દાખલા તરીકે પુરીમતાલ (અલ્હાબાદ), ભદિલપુર (હટવડીયા) મિથિલા, શ્રાવસ્તિ (સેંટમેટનો કિલ્લો) અને કોસંબી એ વગેરે તીર્થો મુસાફરીના વિષયમાં છતાં પણ તેની હયાતી કે નામોનિશાન પણ રાખવા વર્તમાન સંઘ વિચાર કરતો નથી. જો કે દેશમાત્રને અંગે ઘેલા બનેલા યુવકો તો તેવા અગર તેથી ચઢિયાતા પણ તીર્થોની દરકાર ન કરે તે સમજી શકાય તેમ છે પણ શક્તિસંપન્ન શ્રદ્ધાળુ, શાસન તથા ધર્મ પર પ્રેમ રાખનારા સજ્જનો પણ તેવા તીર્થોને ટકાવવા કે નામોનિશાન રાખવા તૈયાર થતો નથી. એનું ખરું કારણ તપાસીએ તો તે તીર્થો જે સ્થાનમાં આવેલા છે તે સ્થાનમાં અગર તેની નજીકમાં ધર્મપ્રેમીઓની વસતી નથી અગર ઓછી છે અને તેને લીધે ત્યાં યાત્રા કરવા કે સંઘપતિ તરીકે યાત્રિકોને લઈ જવાનું સદભાગ્ય સમૃદ્ધિશાળી સદગૃહસ્થો મેળવી શકતા નથી, અને બીજી બાજુ જે સ્થાનો (ભોયણી, પાનસર, માતર, ઝગડીયા વગેરે) શાસ્ત્રકારોએ કલ્યાણક આદિને અંગે કહેલા કારણથી તીર્થ તરીકે નહિ છતાં માત્ર અપૂર્વ અને આલ્હાદનીય કે સાધિષ્ઠાયક એવી જિનપ્રતિમાને અંગે જાહેરમાં આવ્યાં અને તે તીર્થોની જાહોજલાલી અનેક કલ્યાણકવાળાં તીર્થો કરતાં પણ કંઇગુણી અધિક થઈ છે. આ સ્થિતિ વિચારતાં જો કલ્યાણથી થયેલાં તીર્થોના સ્થાનોમાં સંઘસમુદાયનું સમુદાયે જવું ન જ થાય તો પછી તે તીર્થોનું સ્થાન ન રહે અને ભવ્યોના અંતઃકરણમાંથી તેનું સ્થાન પણ ભુંસાઈ જાય, એટલું જ નહિ પણ શાસ્ત્રોમાં તે તીર્થોનું પ્રતિપાદન આવ્યા છતાં પણ ચક્ર, સૂપ અને સુષુમારપુર આદિ તીર્થોની માફક તેનું સ્થાન અને તેની હયાતી સાથે સત્યતા સાબીત કરવી પણ મુશ્કેલ પડે, એટલે કલ્યાણક આદિકને લીધે પ્રસિદ્ધ થયેલા તીર્થોની સંઘસમુદાયથી કરાતી યાત્રા ઘણી આવશ્યક છે એમ વિચક્ષણોને લાગ્યા વગર રહેશે નહિ. વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે વર્તમાનમાં તીર્થસ્થાનોના તો શું પણ અન્ય સ્થાનોના પણ સત્તાધારકો જન્મથી કે આચારથી જૈનધર્મને અનુસરનારા દેખાતા નથી. જો કે જૈનધર્મની પવિત્રતા અને તે ધર્મને પાળનારી વેપારી કોમની ધનાઢયતા અને સદાચારને અંગે અદ્વિતીય પ્રસિદ્ધિ વ્યાપેલી છે, છતાં તેટલા માત્રથી અન્ય ધર્મને પાલનારા સત્તાધારકોને તે ધર્મના દેવાદિક તરફ સદભાવ થઈ જાય તે આકાશ કુમુવત્ જ છે, અને જ્યારે તે તીર્થના સત્તાધારકોને જૈનધર્મના દેવ, ગુરુ કે ધર્મ તરફ સદભાવ ન હોય અને તેને બકરીના ગળાના આંચળ જેવા નિરર્થક ગણે ત્યારે તે તીર્થોની ઉન્નતિ અને સ્થિતિસ્થાપકતા તો શું પણ અવનતિ થવાનો વખત જ આવે તે અપેક્ષાએ પણ વર્તમાનમાં સંઘસમુદાયે સંઘસહિત યાત્રા કરવાનું જરૂરી ગણવું જોઇએ. એવા સંઘસમુદાયમાં જવાવાળા દરેક મનુષ્યને એ વાતો તો અનુભવસિદ્ધ છે કે ચાહે જેવી સમૃદ્ધિશાળી એકલી વ્યક્તિ કે ચાહે જેવા જ્ઞાનધુરંધર શાસનપ્રભાવક આચાર્ય તેવી છાયા સ્વતંત્ર નથી પાડી શકતા કે જે