________________
૧૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
માતાએ કપિલને એ ઉપાધ્યાયને ત્યાં મોકલ્યો. ઉપાધ્યાય પોતે પણ સામાન્ય સ્થિતિનો હતો પણ મિત્રનો પુત્ર આવ્યો તો એના માટે યોગ્ય પ્રબંધ કરવા એ પ્રેરાયો. એક શેઠીયાને ત્યાં જઈ એણે કહ્યું કે-“આ મારા મિત્રનો પુત્ર છે, ભણી શકે એવો છે, યોગ્ય છે અને મારે ત્યાં એટલા જ માટે આવ્યો છે માટે જો આપ ભોજનપ્રબંધ કરી આપો - ભોજનપ્રબંધનો ખર્ચ આપવાનું માથે લ્યો તો હું એને મારે ત્યાં રાખી ભણાવું. આપને આશીર્વાદ મળશે. શેઠે તે કબૂલ્યું એટલે ઉપાધ્યાયે એને પોતાને ઘેર ભણવા રાખ્યો. માત્ર પોતાનું જ અને કુટુંબનું જ પોષણ કરે તે માણસ મનુષ્ય શાની ? જાનવર પણ તેમ તો કરે છે ગાય પણ જંગલમાં ચરી આવીને પોતાના વાછરડાંને દૂધ પાય છે. પોતાનું અને પોતાના આશ્રિતોનું પોષણ કરવું એ તો સામાન્ય નિયમ છે. પોતાના ઘરની રસોઈ પોતે જ ખાઈને વખાણે, ફુલાય એને લબાડા કહીયે છીએને ! જ્યારે મહેમાન ચાખે, ખાય, ત્યારે એનું નામ સ્વાદ ! ખાવાનો સ્વાદ લેવા ઇચ્છનારે બીજાને ખવરાવવું જોઇએ. ધર્મસંગ્રહકાર કહે છે કે-નિર્ધન, કુલીન, દરિદ્ર ભાઈબંધ વિધવા વિગેરેને ધર્મિષ્ઠ નિભાવવા જોઇએ, એ જેને ઘેર ન હોય તેની લક્ષ્મી એને ઘેર કેદ થયેલી છે.
પેલા કપિલને ઉપાધ્યાયે પોતાને ત્યાં ભણાવવા રાખ્યો. પ્રાચીનકાળમાં વિદ્યાર્થી માટે આવી વ્યવસ્થા હતી. આજની બોર્ડિંગો તમારાં બાળકોને કઇ સ્થિતિમાં લાવી મૂકે છે ? બોર્ડિગમાંથી ઘેર આવે તે વખતે એ ટુડંટ (વિદ્યાર્થી) માબાપની શી દશા કરે છે ? માબાપ કરે શું? સખી ગૃહસ્થ તો એ કપિલ માટે વ્યવસ્થા કરી પણ કુલાચારની રીતિભાતિ, પરિચય, સંસ્કારનું
જ્યાં નામનિશાન નહિં, ધાર્મિક સંસ્કારના ઠેકાણા નહિં ત્યાં શું થાય ? આજની બોર્ડિંગમાં સંસ્કારો કેવા છે ? શ્રીમંતને ઘેર રહ્યો હશે તો કાંક મર્યાદામાં રહેશે એમ ધારી ઉપાધ્યાયે એને શેઠને ત્યાં રાખ્યો. જમે ત્યાં, ભણે અહીં એવું રાખ્યું. કપિલ કાબુમાં ન રહ્યો. આજે ઉપકાર કરનારનો ઉપકાર માનવો મુશ્કેલ પડે છે. પૂર્વકાળમાં માસ્તરનો ઠપકો આવે તો માબાપ બાળકને શિક્ષા કરતાં, આજ ઠપકો આપનાર માસ્તરનો બોયકોટ કરાય ! ઉપકારીના ઉપકારનો બદલો વાળવો તો દૂર રહ્યો પણ ઉપકારને ગણવો તે પણ આજકાલ રહ્યું નથી. હવે પેલો કપિલ જતાં આવતાં માર્ગમાં કોઈ દાસી સાથે વાતચીત કરવા લાગ્યો, હાંસી કરતો થયો અને પછી પ્રેમની ફાંસીમાં પડયો. માર્ગે જતાં આવતાં આ બધું થાય, આ થવામાં પહોરો કે દિવસો જોઈતા નથી કે જેથી ગોઠીયાઓ કે શેઠીયાઓ લક્ષ્યમાં લઈ શકે. એવામાં એક મહોત્સવ આવ્યો એટલે પેલી દાસી કપિલ પાસે દ્રવ્ય (પૈસા) માગે છે. કપિલ લાવે ક્યાંથી?