________________
૧ ૨૫.
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
અહિં વસ્તુતઃ અવિધિ કહો કે અપવાદ કહો, ગમે તે કહો પણ સુવિહિત શિરોમણિએ કેટલાક ગ્રંથકારોના જણાવવા પ્રમાણે માર્ગમાં ચાલતાં ઉપદેશ આપી શ્રી નયસારને સમ્યકત્વ પ્રાપ્ત કરાવ્યું છે તેમાં ઉત્તમ કાર્ય થયું છે એ સંબંધી કોઇપણ શાસ્ત્રકારે ભિન્ન મત જણાવ્યો નથી.
સુવિહિત શિરોમણિઓમાંથી જે એક સુવિહિત શિરોમણિએ શ્રીનયસારને ધર્મોપદેશ આપી સમ્યકત્વરૂપી મહત્તમ ગુણ જે અનંત કાળે પ્રાપ્ત થવો દુર્લભ છે તે સમ્યત્વ ગુણ પમાડયો હશે તે ઉપદેશ દેવાદિક તત્ત્વો અને જીવાદિક પદાર્થોના સ્વરૂપ વિગેરેને જણાવનાર જ હોવો જોઇએ, અને તે તત્ત્વ અને પદાર્થ સંબંધી ઉપદેશ લાંબા વાક્યપ્રબંધથી હોય એ અસંભવિત નથી, કેમકે તેવા લાંબા વાક્યપ્રબંધ વગર તેવા તત્ત્વો કે પદાર્થોની ઓળખાણ તેવા અપરિચિત વિધર્મીને સહેજે થઈ શકે નહિ, અને તેવી ઓળખાણ થયા વિના સર્વ પદાર્થોની શ્રદ્ધા ઉત્પન્ન કરનાર સર્વદ્રવ્ય-પર્યાય વિષયક શ્રદ્ધારૂપ સમ્યકત્વને શ્રી નયસાર મેળવી શકે નહિ. આ હકીકત વિચારતાં તે નયસાર સુવિહિત શિરોમણિઓને સાર્થમાં મેળવવા માટે ઘણા ગાઉ સુધી દૂર ગયેલો હોવો જોઈએ એમ માનવા તરફ આપણું મન દોરાય તેમાં અસંભવ નથી, અને જો એ વાત માનીએ તો ઘણા ગાઉ સુધીની મુસાફરી કરીને પણ સુવિહિત શિરોમણિઓને સાર્થની સાથે મેળવી દેવાની પરોપકાર વૃત્તિ જે જાગી તે તેમના આત્માની સ્વાભાવિક પરોપકારનિરતતાને દર્શાવવા માટે ઓછી ઉપયોગી નથી, અને આવા પરોપકારનિરત મનુષ્યોને સાધુ પુરુષોનો સમાગમ થાય, અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય તે કોઇપણ પ્રકારે આશ્ચર્યકારક નથી.
પૂર્વે જણાવ્યા પ્રમાણે મહાવીર પરમાત્માનો જે નયસાર નામે ભવ તેમાં એક સમ્યકત્વના પ્રસંગને અંગે જણાવેલા વૃત્તાંતથી આપણે તેનું પરોપકારનિરતપણું જાણી શકીએ, પણ મહાવિદેહ સરખા ક્ષેત્રમાં જ્યાં લાખો પૂર્વનું આયુષ્ય છે ત્યાં તેમની આખી જિંદગીમાં તે પોતાની પરોપકારનિરતતાની ટેવને અંગે ક્યાં ક્યાં પરોપકારના કાર્યો સમ્યકત્વ પ્રાપ્તિ પહેલાં અને પછી પણ કર્યા હશે તેનો શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી, કેમકે શાસ્ત્રોમાં શ્રી નયસારના ભવ સંબંધી બીજા વૃત્તાંતો આવતા નથી. જો કે શ્રી ગુણચંદ્રસૂરિજીના મહાવીરચરિત્રમાં માતાપિતાએ શ્રીનયસારને નીતિના વર્તન સંબંધી ઉપદેશ આપેલો છે, અને તેને કોઈક વૃત્તાંતના સ્વરૂપને નહિ સમજનારો અન્ય વૃત્તાંત તરીકે ગણે છે, પણ માર્ગદર્શન વિગેરેના વૃત્તાંત જેવો શ્રી નયસારનો બીજો વૃત્તાંત તેમની પરોપકારવૃત્તિની ટેવને દર્શાવવાવાળો નથી એ ચોક્કસ જ છે, તો પણ જરૂર એમ માનવું પડે છે કે તેવી પરોપકારવૃત્તિની ટેવ તેમને હોવાથી લાંબા આયુષ્યના જીવનમાં અનેક પરોપકારના કાર્યો કરેલાં જ હોવાં જોઇએ, અને તે ઉપરથી તે નયસારનો આત્મા કે જે ત્રિલોકનાથ ભગવાન મહાવીર મહારાજનો જીવ છે તે બીજાના ઉપકાર તળે દબાયા સિવાય બીજાના ઉપકારમાં લીન રહેવા રૂપ પતિનત હતો એમ માનવું જ વ્યાજબી છે.