________________
૧૦૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
જ્ઞાનદાનની અનુપમતા.
(નોંધ :- શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણાના વાર્ષિક ઇનામના મેળાવડા પ્રસંગે ચાલુ વર્ષના કાર્તિક વદિ રને દિવસે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ આપેલું વ્યાખ્યાન.) दानं धर्मानभिज्ञेभ्यो वाचनादेशनादिना । ज्ञानसाधनदानं च ज्ञानदानमितीरितम् ॥१॥
કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે દાનના અધિકારમાં આગળ ચાલતાં, શાનદાનનો પ્રસંગ શરૂ થતાં, જ્ઞાનદાનની વ્યાખ્યા ઉપરના શ્લોકમાં જણાવી છે. જ્ઞાનદાનની જૈનશૈલી પ્રમાણેની આ વ્યાખ્યા બરાબર મનન કરવા જેવી છે, તેથી તેનું રહસ્ય આપણે જાણી લેવું જોઇએ.
પ્રશ્ન એ છે કે જ્ઞાન એ દરેક આત્માનો ગુણ છે. આત્મા અરૂપી છે. દરેક આત્માનો અલગ અલગ પોતાનો જ ગુણ છે, તેથી તેમાં આપવાનું અને લેવાનું શું? અરૂપી અપાય કેમ ? અને લેવાય કેમ? જો તે લેવાદેવાની વસ્તુ નથી તો પછી તેનું દાન સંભવે જ કેમ? અને જો દાન જ ન સંભવે પછી જ્ઞાનદાનની વ્યાખ્યા જ શી રીતે સંભવે ? અને જ્યારે વ્યાખ્યા જ સંભવતી નથી, તો પછી ઉપરનો બ્લોક કેવળ નકામા પ્રયાસરૂપ જ ઠરશે. જ્ઞાનદાનની વ્યાખ્યા.
પરંતુ વિચાર કરતાં જણાશે કે પ્રત્યેક આત્માનો જ્ઞાનગુણ અરૂપી છતાં કર્મોથી અવરાયેલો છે, તેથી જ્ઞાનગુણ સંપૂર્ણ પ્રગટ નથી થતો. તે જ્ઞાનગુણ બાહ્ય ઉત્તમ આલંબનોથી પ્રગટ થઈ શકે છે, એટલે જ્ઞાનગુણને પ્રગટ કરે તેવાં સાધનો આપવાથી જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્તભૂત થવાય છે.
એ રીતે જ્ઞાન પ્રગટ કરવાના સાધનોનું દાન પણ છેવટ જ્ઞાન પ્રગટ થવામાં નિમિત્તરૂપ હોવાથી તે સાધનોના દાનને પણ શાનદાન કરી શકીશું, એટલે કે અરૂપી જ્ઞાનનું દાન દેવું કે લેવું બનતું નથી, તો પણ તેના સાધનો લેવાદેવાના બની શકે છે, માટે જ્ઞાનને ઉત્પન્ન કરનારા સાધનો આપવાને જ્ઞાનદાન કહેવામાં હરકત નથી.
જે જીવો અભ્યાસી હોય, અને વાંચવા લખવાનું જાણતા હોય તેઓને વાચના આપવાથી પણ શાનદાન આપી શકાય છે. તથા ભણેલા ન હોય, પરંતુ જિજ્ઞાસુ અને ખપી હોય તેઓને દેશના-ધર્મોપદેશ આપવા દ્વારા પણ જ્ઞાનદાન આપી શકાય છે.