________________
તા. ૮-૯-૩૪
૫૩૯
શ્રી સિદ્ધચક્ર સાચું શિક્ષણ તે જ કે જે પ્રાંતે પરમપદ આપે, સંતાપ માત્ર કાપે.
આ વિચારીશું ત્યારે માલુમ પડશે કે સાચું શિક્ષણ કોનું નામ ? જેનાથી માત્ર વર્તમાન જિંદગીને પહોંચી વળાય એવા શિક્ષણને સાચું શિક્ષણ કહી શકીશું? ના! એવું શિક્ષણ તો કીડી મંકોડીમાં પણ છે. હાથી, કુતરા વિગેરેમાં પણ તે તો છે. પોતાની જિંદગીના બચાવનું શિક્ષણ કોનામાં નથી ? કુતરાને દેખીને બિલાડો પણ ઘરમાં પેસી જાય છે. ચાલુ જિંદગી બચાવવાનું શિક્ષણ તિર્યંચો પણ શીખેલા છે. તેટલા માત્રથી એને સાચું શિક્ષણ કહેવાય નહિ. સત્ પુરુષોને હિત કરનાર તે જ સત્ય હોય. સત્ પુરુષોને હિત કરનારી તેનું નામ સત્ય શિક્ષા. “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા; આવી સ્થિતિ ચલાવનાર તો બેવકૂફ કહેવાય છે. ચાલુ જિંદગીની મીઠાશ મેળવવા મહેનત કરવી, અને આદિ અંતનો વિચાર ન કરવો એનું નામ સાચી શિક્ષા (સાચું શિક્ષણ) નથી. ઘોડા, હાથી કે મનુષ્યો પણ વ્યવહારિક વર્તનને કોણ દઢ કરતા નથી ? પણ આત્માને ભવિષ્યમાં દુર્ગતિથી બચાવનાર, સ્વસ્વરૂપને પ્રગટાવનાર, ગુણોને ખીલવનાર એવી ધર્મ સંબંધી શિક્ષા, મનોહરમાં મનોહર પદ તેને અંગે જ જેનો ઉદ્યમ છે તે જ સાચું શિક્ષણ છે. જેઓ કેવળ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે તેઓને જ મહાનિશીથ સૂત્રકાર ઉત્તમ પુરુષ કહે છે. કેવળ મોક્ષ માટે જ અર્થાત્ મોક્ષ સાધવા માટે જીવનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા માટે જે શિક્ષા લેવામાં આવે છે તેને સત્ય શિક્ષા કહેવામાં આવે છે. તે શિક્ષાનો જેઓ ઉદ્યમ કરે છે તેઓ જ આ ભવ પરભવ સુખ પામી મોક્ષસુખને અંગે બિરાજમાન થશે.
ચાલુ ગ્રાહકો પ્રત્યે. જિજ્ઞાસુ અને તત્ત્વપિપાસુ ગ્રાહકોને જણાવવાની રજા લઈએ છીએ કે ભાદરવા સૂરિ પૂર્ણિમાનો અંક આગળ એક વખત જણાવી ગયા છીએ તે પ્રમાણે બંધ રહેશે.
નવા વર્ષ માટે. આસો સુદિ પૂર્ણિમાથી આ સિદ્ધચક્ર પાક્ષિકનું ત્રીજું વર્ષ ચાલુ થશે, માટે દરેક ગ્રાહકો પોતાથી બની શકે તેટલા ગ્રાહકો વધારવા પ્રયત્ન કરશે, તેમજ દરેક મુનિમહારાજાઓને પત્રની ઉપયોગિતા તથા ઉત્તમતા જણાવી ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા વિનંતિ કરીએ છીએ.