________________
૫૧૩
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક જણાવેલા બે ઉપાયોની માફક ત્રીજો ઉપાય એ છે કે (૩) પોતાથી બને તો સામા ઉપર ઉપકાર કરવો, છેવટે સામાના ઉપકારનો બદલો એક પણ વખત જવા દેવો નહિ. આ ત્રણ રીતે સંપ જળવાય છે. ભાઈઓ, ઘર, કુટુંબ, સમાજ કે દેશ એ દરેકના સંપ જાળવવા માટે આ ત્રણ વાતો (ઉપાયો) જરૂરી છે. ત્રણમાં એકની પણ ખામી હોય તો સંપ ટકતો નથી, પણ સંપને સારો કહેનારાઓને આ ત્રણ ઉપાયોનો અમલ કરવો કેવો મુશ્કેલ પડે છે તે તો બધાને પ્રત્યક્ષ તેમજ અનુભવસિદ્ધ છે તો પછી કહો કે માત્ર સંપશબ્દની જ આપણને પ્રીતિ છે પણ સંપપદાર્થની પ્રીતિ નથી. મૂળસ્વરૂપનો વિચાર થતો નથી.
તેવી રીતે આપણે મોક્ષશબ્દને પણ બરાબર પકડયો છે, એકલા શબ્દના ભક્ત થયા છીએ, પદાર્થ (વસ્તુ)ના ભક્ત નથી. જરા વિચારતાં સમજાશે, આખું શરીર બેડરૂપ છે છતાં આંગળી કપાય ત્યારે કોણ રાજી થયું ? જ્યારે આખા શરીરને અંગે તે છૂટી જાય ને મોક્ષ મળે એમ મોક્ષની ઇચ્છા છે તો આંગળી કપાવાથી એટલી તો સિદ્ધિ થઇને ! પણ એ વિચાર કેમ આવતા નથી ? ઘરમાંથી મણ કચરો કાઢવાનો હતો, તેમાંથી રૂપિયાભાર કચરો ગયો તો એટલો તો ઓછો થયોને ! એ રીતે બધું શરીર છોડવા માંગીએ તો ત્યાં આટલી આંગળી કપાઈ તો એટલું તો ઓછું થયું ને ! પણ તેમ મોક્ષ ઇચ્છાવાળાઓને પણ વિચાર આવતો જ નથી. મતલબ કે હજી શબ્દની જ ભકિત છે, પદાર્થની ભકિત નથી; પદાર્થને સમજનારાઓમાં જ્યારે આમ થાય છે તો પછી જેઓ પદાર્થને ન સમજતા હોય તેને શું કહેવું ? તે મોક્ષ કે આત્માદિના પદાર્થને ન જાણવા માનવાથી બહિરાત્મા. જીવ સિવાય બાકીના પદાર્થોની વૃદ્ધિ, હાનિની અસર આત્માને થાય છે, કેમકે એમાં જ પોતાપણું માન્યું છે, મૂળસ્વરૂપનો વિચાર સરખો કરતો નથી. પોતે શું જોઇને પાપ કરે છે ? અનાદિકાલથી આ જીવ સંસારનાં જે દુઃખો સહન કરી રહ્યો છે તે આ શરીરના જ પાપે (પ્રતાપે)ને ! આત્મા શરીરના આશ્રયે જ દુઃખ ભોગવી રહ્યો છે.
દરિયો આખો ઉછળી જાય તો પણ તે અગ્નિ ઓલાય છે કે જે આશ્રય વગરનો છે ? આશ્રય વગરનો અગ્નિ બૂઝાતો નથી.
અગ્નિ આશ્રયમાં પેઠો નથી ત્યાં સુધી અવ્યાબાધ. લાકડા ઉપર લોટો પાણી છાંટશો તો તે તરત શાંત થઈ જશે કેમકે કારણનો નાશ થયો એટલે એ અગ્નિનો નાશ થયો. સ્વતંત્ર અગ્નિનો નાશ નથી. આશ્રય વગરના અગ્નિને પાણીથી કે કશાથી અડચણ નથી. લોઢામાં પેઠેલા અગ્નિને ઘાણ પડે છે, પણ ઝાળને કોઈ લાકડીયે મારે છે ? નહિ. કદી મારે તોયે વાગે નહિ. તેવી રીતે આત્મા કોઇમાં ભરાય નહિ, કોઈના સંયોગમાં આવે નહિ તો એને કોઈ મારતું નથી, અને પીડા પણ થતી નથી, અગ્નિને આશ્રયમાં લોઢા જેવી મજબૂત વસ્તુ મળી તો પણ ઘાણ પડવા લાગ્યા. એવી રીતે આત્મા શરીરને લઈને ચારે ગતિનાં દુઃખો