________________
તા.૧૫-૩-૩૪
૨૦૦
શ્રી સિદ્ધચક્ર સિવાયના ગુણહીનને અપ્રધાન દ્રવ્ય ગણવું કે નામ ગણવું એ સમજવાની જરૂર છે. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે નામસ્થાપનમાં કેવળ સ્થાપનારની ઇચ્છાને જ મુખ્યપણું મળે છે અને તેથી તે સંકેત જાણનારા તે પદાર્થનો તે શબ્દથી વ્યવહાર કરે છે, જેમકે જે કીડાને ઈન્દ્રગોપક નામથી ઓળખાવવામાં આવે તે કીડાને તે નામ જાણનારો તે નામથીજ ઓળખી શકે, પણ તેજ કીડામાં જે લોકો ને બીજા નામે વ્યવહાર હોય અને ઇન્દ્રગોપક નામે વ્યવહાર ન હોય તો તે મનુષ્ય તે કીડાને ઇન્દ્રગોપક નામથી ઓળખી શકતો નથી. એટલે કેવળ સ્થાપનારની ઇચ્છાથી અને વ્યવહારની ખાતરજ નામની પ્રવૃત્તિ હોય છે. ત્યારે અપ્રધાન દ્રવ્યપણાની સ્થિતિ તેઓમાં જ હોય છે કે જેઓ ભાવના સ્વરૂપને બાહ્યથી જે રૂપે માનતી હોય તે રૂપ બાહ્યથી જેમાં હોવા છતાં કોઇપણ કારણથી આંતર સ્વરૂપ નથી એમ નિશ્ચિત થાય, તો ત્યાંજ માત્ર અપ્રધાન દ્રવ્યપણું ગણાય છે; અથવા તો તાત્ત્વિક ગુણવાળા પદાર્થનો જે નામે સકળ લોકમાં વ્યવહાર થતો હોય તેજ નામ જે વસ્તુને અંગે જગતના આખા વ્યવહારમાં વાપરવાનું થાય તો તે વસ્તુને અપ્રધાન કે વ્યતિરિકત દ્રવ્ય કહેવું પડે છે; કારણ કે ભાવનિક્ષેપા તરીકે તેમાં તાત્ત્વિક સ્વરૂપ નથી. નામનિક્ષેપા તરીકે કેવળ એ એકજ વસ્તુને ઉદ્દેશીને નામનું સ્થાપન કરવામાં આવ્યું નથી અને ભાવનિક્ષેપાના ગુણવાળી વસ્તુનો તેમાં આકાર વિગેરે નથી તેથી તેને અપ્રધાન દ્રવ્ય કહેવાય છે.
અસદ્ભાવની સ્થાપનાની ભિન્નતા.
ઉપરની હકીકતથી એમ માલમ પડે છે કે સ્થાપનામાં તાત્ત્વિક વસ્તુનો આકાર હોવાથી એ અપ્રધાન દ્રવ્યથી ભિન્ન પડે તે માની શકાય પણ અસદ્ભાવસ્થાપનામાં આકાર હોતો નથી કેમકે જે વસ્તુમાં તાત્ત્વિક પદાર્થનો આકાર ન હોય અને તે વસ્તુ તાત્ત્વિક પદાર્થ તરીકે જે વસ્તુ જગતમાં ઓળખાતી હોય તે તરીકે સ્થાપવામાં આવે ત્યારે તે અસદ સ્થાપના કહેવામાં આવે છે, તો ગુણ અને આકાર વગરની વસ્તુને તાત્ત્વિક પદાર્થના નામે ઓળખતા તેને અપ્રધાન દ્રવ્ય કહેવું કે સ્થાપના કહેવી તે વિચારવા જેવું છે. સ્થાપનાનું સ્વરૂપ સમજનારો મનુષ્ય જાણે છે કે સ્થાપનાનું અલ્પકાલીનપણું છે અને તેથી વિવક્ષાને લીધે જુદા જુદા કાળે જુદા જુદા રૂપે સ્થાપનારો મનુષ્ય સ્થાપી શકે છે જ્યારે અપ્રધાન દ્રવ્યપણું તો નિયમિત યાવત્ દ્રવ્યભાવી હોવા સાથે તાત્ત્વિક પદાર્થના બાહ્ય ગુણક્રિયાનું સત્ત્વ હોય તો જ હોય છે માટે અસદ્દભાવસ્થાપના અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા ઉપર જણાવેલી રીતિએ સ્પષ્ટપણે સમજી શકાય તેવી છે.
દ્રવ્યના ભેદો અને તેનું કારણ.
દ્રવ્યનિક્ષેપાનું નિરૂપણ કરતાં ઉપર આપણે જોઈ ગયા કે ભૂતકાળ કે ભવિષ્યકાળનું જે પરિણામી કારણ હોય એટલે કે જે પૂર્વકાળે કે ભવિષ્યકાળે ભાવપણે પરિણમવાનું હોય તેને દ્રવ્ય કહેવું પણ જ્યાં સુધી ભાવનિક્ષેપાનું સ્વરૂપ માલમ પડે નહિ ત્યાં સુધી ભાવને ઓળખી શકાય નહિ અને જ્યાં સુધી તાત્ત્વિક ભાવસ્વરૂપને ઓળખી શકાય નહિ ત્યાં સુધી તેના ભૂત કે ભવિષ્યના કારણરૂપ દ્રવ્યને આપણે ઓળખી શકીએ નહિ માટે ભાવનું સામાન્ય સ્વરૂપ જાણવાની જરૂર અસ્થાને નથી. ભાવ