________________
૨૯
તા. ૧૫-૩-૨૪
શ્રી સિદ્ધચક્ર આ ઉપરથી વાંચકોને ભૂતકાળને અંગે દ્રવ્યનિક્ષેપો માનવાની સહેજે સમજણ પડશે. જેવી રીતે ભૂતકાળની અપેક્ષાએ વ્યવહારને અનુસરીને દ્રવ્યનિક્ષેપો માનવાની જરૂર પડે છે, તેવી જ રીતે વિવક્ષિત પર્યાયના નાશ પછીની અવસ્થા માટે પણ દ્રવ્ય શબ્દ વાપરવાની જરૂર પડે છે; કેમકે જેવી રીતે ઘટ ઉત્પત્તિની નજીકના પહેલા ક્ષણોમાં ઘટ કરું છું એમ કહેવાય છે તેવી જ રીતે ઘટની અખંડ અવસ્થાનો નાશ થઈ ખંડ ઘટમાં પણ ઘટપણું અને સમગ્ર વસ્ત્રનો નાશ થઈ ખંડિત વસ્ત્રમાં પણ વસ્ત્રપણું સર્વથા નાશ પામેલું ન માનતા ઘટપણું અને વસ્ત્રપણું માનીએ છીએ તો તે માન્યતા પૂર્વપર્યાયને અનુસરીને જ છે, અને તે દ્રવ્યનિક્ષેપાનેજ આભારી છે. આનેજ આધારે પૂર્વકાળે તીર્થંકરાદિ અવસ્થામાં થઈ ગયેલા અને વર્તમાનમાં તે અવસ્થાથી રહિત થઇને સિદ્ધાદિની અવસ્થા છતાં પણ તીર્થકરાદિની અવસ્થાએ સ્તુતિ વિગેરે થઈ શકે છે. જો ભૂતકાળની અવસ્થાને સર્વથા નષ્ટ થયેલી માનીએ તો સિદ્ધાદિની અવસ્થામાં રહેલા જીવોની તીર્થંકરાદિપણે સ્તુતિ થઈ શકે નહિ. અતીતકાળે થયેલા તીર્થકરાદિ મહાપુરુષોની સ્તુતિમાં તે તીર્થંકરાદિપણાનું કે અભિધેય આકાર કે ભાવપણું એકે ન હોવાથી દ્રવ્યપણા સિવાય સ્તુતિની વાસ્તવિકતાનો એક બીજો આધાર નથી. આજ કારણથી નમુથુણં દંડકથી ભાવજીવની સ્તુતિ કર્યા છતાં લોગસ્સથી કરાતી સ્તુતિ નિરર્થક થતી નથી. જો કે લોગસ્સસૂત્રમાં વર્તમાનકાળ દ્રવ્ય તીર્થકરોની સ્તુતિ છે તો પણ ચોવીશીમાં થયેલા તીર્થકરોનું નામ દ્વારા એ કીર્તન હોવાથી તેને નામસ્તવ કહેવામાં આવે છે પણ તેથી તેનું દ્રવ્ય જીવ સ્તવપણું સર્વથા ઉડી જતું નથી, તીર્થકર મહારાજાની હૈયાતીના કાળમાં લઈએ તો પણ જે જે તીર્થકર વિદ્યમાન હોય તેમની તેમની અપેક્ષાએ ભાવ જીવની સ્તુતિ થાય છતાં ભૂત અને ભવિષ્યના તીર્થકરની અપેક્ષાએ તો તે લોગસ્સની અંદર કરાતી સ્તુતિ દ્રવ્ય જીવની સ્તુતિ કહેવાય. આ ઉપરથી જેઓ કેવળ ભાવનિક્ષેપોજ માનનારા છે તેઓને તીર્થકરના વિરહકાળમાં કે હૈયાતી કાળમાં લોગસ્સ બોલવાનો હક રહેતો નથી. સર્વકાળમાં લોગસ્સ બોલવાનો હક તેઓને જ રહે છે કે જેઓ ભાવનિક્ષેપાની માફક દ્રવ્ય નિક્ષેપાને પણ માનનારા હોય છે. વળી તે દ્રવ્યપક્ષની મુખ્યતા ગણવામાં ન આવે તો વર્તમાનમાં સિદ્ધપણું પામી સર્વગુણ સંપન્ન થયેલા મહાપુરુષોને ભવોપગ્રાહિ કર્મ સહિતપણામાં રહેલા તીર્થકરાદિ ગુણોથી સ્તુતિ યોગ્ય ગણાયજ કેમ? અર્થાત્ દ્રવ્ય નિક્ષેપાને માનનારોજ પુરુષ પોતાની ઇષ્ટ એવી તીર્થકરાદિ અવસ્થાથી સિદ્ધપણું પામેલા તીર્થકરાદિની સ્તુતિ કરી શકે. દ્રવ્યનંદીનું સ્વરૂપ કહેવા પહેલાં દ્રવ્ય નિક્ષેપાના ભેદો અને તેના કારણો જાણવાની ઘણી જરૂર ગણી તે બાબત કંઈક વિચાર કરીએ. નામ અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા
દ્રવ્યનિપાના નિરૂપણમાં અપ્રધાનને પણ ભૂત ભવિષ્યના કારણ પેઠે દ્રવ્ય માન્યું તો નામનિક્ષેપો પણ ગુણ વગરમાં હોય છે અને અપ્રધાન દ્રવ્યપણું પણ ગુણશૂન્યમાં હોય છે તેથી તે બેનો વિભાગ શી રીતે સમજાય ? કેમકે અપ્રધાન દ્રવ્યમાં અને નામમાં ગુણરહિતપણું તો સરખું જ છે, જો કે સ્થાપનામાં સાક્ષાત્ ગુણસહિતપણું નથી હોતું પણ સ્થાપનામાં રહેલા આકાર વિગેરેથી જેવું ગુણીમાં સાક્ષાત્ ભાન થાય છે, તેવું નામ અને દ્રવ્યમાં નથી થતું તે તો સહેજે સમજાય તેવું છે, પણ સ્થાપના