________________
૫૩૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩
થાય છે. આજે એક વિચાર આવે છે એ વિચાર આમરણાંત ટકી જ રહેશે એવો નિરધાર તમે કરી શકો તેમ નથી. સામાન્ય વિચારો પવનના ઝપાટાની માફક ફેરવાય છે તો આત્મા સંબંધીના વિચારો ઝપાટાબંધ ફેરવાઈ જાય તેમાં નવાઈ શી ! “સ્થિરતા” જોઈએ.
સાક્ષાત્ દેવતાઓ આવીને ઉભા રહે અને ભય બતાવે કિંવા લાલચ બતાવે તે છતાં વિચારો એક અણુ માત્ર પણ ન ખસે એનું નામ તે વિચારોની સ્થિરતા ! સાપનો લીટો જોઈને તમો ભાગી જાઓ, તો પછી સાપ જોઈને તો તમે કેવી રીતે ટકી શકો ? સુદેવને માનવાનો દાવો કરો છો છતાં મહાદેવ, કાકા બળીયા, હનુમાન વગેરેને નામે તમે દોરવાઈ જાઓ છો ! હજી સાપનો લીટો છે ! જેમ ત્યાં સાપનો લીટો છે અને ખરો સાપ તો તમોએ જોયો પણ નથી તે જ પ્રમાણે આ દેવોને પણ માત્ર તમે કલ્પનાથી જ માનો છો ખરું કહું તો ચાલતી આવેલી ઘરેડમાં ચાલીને જ એ દેવને તમે માનો છો. તમે પ્રત્યક્ષ માતા કે હનુમાન, ને કોઈના ઉપર દયા દર્શાવતા જોયા નથી છતાં તે માતા કે હનુમાન આવીને ઉભા રહે, ત્યારે તમારી સ્થિતિ શું થાય ? પહેલો અલંકાર.
અહીં જ જૈન સાહિત્યનું પેલું ઉદાહરણ યાદ કરો. શ્રી ઉપાસક દશાંગમાં શ્રાવક કામદેવાદિને સાક્ષાત દેવતાએ દર્શન દીધા અને તેને ધર્મથી ચલિત કરવા માંડ્યો, ઘરની સઘળી સંપતિ કાઢીને બહાર ફેંકી દીધી. ઘરના છોકરાના કટકા કરીને તેને તેલમાં તળી નાંખ્યા, દેવતા કહે છે કે ધર્મ છોડી દે ! જો એટલું થાય તો આ યાતના ન ભોગવવી પડે ! પણ જવાબ આપે છે કે “જે થવાનું હોય તે થાઓ પણ હું ધર્મને છોડવાનો નથી જ... કારણ કે ધર્મ જ મારા આત્માનું કલ્યાણ કરનારો છે ! આનું નામ તે વિચારોની સ્થિરતા ! આજે તો એમ કહેનારા શેરીએ શેરીએ અને ચૌટે ચૌટે મળે છે કે : “અરે, આવ્યા, આવ્યા, દેવતા!” પણ એવું કહેનારા જ માતાને હનુમાનને પૂજવા દોડે છે !! આવી સઘળી ઉપાધિઓથી તમે મુક્ત થઈ જાઓ અને ગમે તે સંજોગોમાં ચલાયમાન ન થવાય એવી સ્થિતિ મેળવી તેનું નામ સ્થિરતા. આ સ્થિરતા સમ્યકત્વને શોભાવનારું પ્રથમ ઘરેણું છે. છાપાના કાગળો વિચાર ફેરવી શકે છે.
કદાચ એમ માનો કે ચાહે તેવા દેવતાઈ ચમત્કારો થાય, કોઈ લબ્લિસિદ્ધિવાળી આવીને તમોને પ્રલોભનોમાં ફસાવવાનો વિચાર કરે અને અનેક પ્રકારે તમારી પરીક્ષા કરી જુએ છતાં તમે ધર્મથી ચલાયમાન નહિ થાઓ તેનું નામ સ્થિરતા ! આજની સ્થિતિ અને આ સ્થિરતા બેની વચ્ચે કેટલો તફાવત છે તે તમે તપાસી જુઓ. આજની સ્થિતિ તો એ છે કે એક છાપામાં ગમે તેવા સમાચારો વાંચો છો કે તરત વાંચનારના વિચારો ફરી જાય છે. વાંચનારના મગજમાં જજમેન્ટ તૈયાર થઈ જાય છે અને જગત સમક્ષ તે જજમેન્ટ કહી સંભળાવે છે. વાંચવામાં આવેલી વાત સાચી છે કે જુઠી છે તેની તપાસ કરવાને માટે પણ કોઈ થોભતું નથી ! હવે ખ્યાલ કરો કે એક સામાન્ય છાપાના કાગળીયા તમારા વિચારો ફેરવી નાંખે છે તો દેવો આવીને તમોને પીડા આપે કિવા પ્રલોભન આપે, તો તેવા સંજોગોમાં તો તમે કેવી રીતે જ ટકી શકો !