________________
ભાવના
(ગઝલ)
પ્રભાકરના કિરણ પૃથ્વી પુનિત તેજે ઉજાળે છે ! તિમિર સંસારનો પળમાં જુઓ ! પ્રતિરોજ ટાળે છે ! અમારું આ હૃદય તેવું પરમ પ્રતિભા સદા ધારો ! અને ઉરના વિકારોને હવે તે રોજ સંહારો !
[૨] ચમકતા ચંદ્રની ઉર્મિ મધુરતા વિશ્વને આપે ! સકલ સંતાપ સૃષ્ટિના નિરંતર તે જુઓ કાપે ! અમારું આ હૃદય તેવું મધુરતાને પ્રકટ કરજો ! સનાતન પાપના ભાવો હવે કાયા થકી મરજો !
[૩] હિમાલયની દિવાલો શી દીપે છે વજના જેવી ! અજબ આનંદની વૃષ્ટિ કરે છે તે સદા કેવી ! અમારા દેહ દિલ બન્ને અડગ એવા બની જાઓ ! અને ઉરમાં ખરી સ્થિરતા હવે દરરોજ ઉભરાઓ !
[૪]
જુઓ ગંગા તણાં જલ તે વહે છે શાંતતા ધારી ! દીધો છે અંક ભારતનો અહા ! તેણે જ શણગારી ! અમારું આ જીવન તેવું સદાએ શાંત થઈ જાઓ ! વિકારોના વિચારો ના જીવનમાં લેશ ઉભરાઓ !
અશોક.