________________
૫૧૫
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩
મહાસાગરનાં મોતી
(જૈન સાહિત્યના સત્યઘટનાત્મક ઐતિહાસિક કથાનકને આધારે રચવામાં આવેલું એક સુંદર ચિત્ર.).
લેખક માણિક્ય.
પ્રકરણ ૨ જું.
વસુંધરાની વિચિત્ર વાતો. પાછલા પ્રકરણમાં જે વાત વર્ણવામાં આવી છે તે વાતને આજે ચાર પાંચ દિવસ થઈ ગયા હતા. આજે ઋતુ ઘણી જ સુંદર અને મનોહર હતી. આકાશ સર્વથા સ્વચ્છ હતું. વાદળાનું નામનિશાન પણ ન હતું અને તેને યોગે તેનો ભુરો રંગ પુર બહારમાં પ્રકાશી રહ્યો હતો. સૂર્યના કોમળ કિરણો જગત ઉપર ફરી વળ્યા હતા અને તેને યોગે શહેરની શોભા સુંદરતાને ધારણ કરી રહી હતી. પુરજનો ધીમે ધીમે જિનાલય તરફ જતા આવતા નજરે આવતા હતા. કોઇના હાથમાં સુંદર પુષ્પોથી ભરેલી ફૂલછાબો હતી, તો કોઈના હાથમાં કેસરાદિ વસ્તુઓ હોય એમ જણાતું હતું. એ રીતે માર્ગમાંથી અનેક સ્ત્રીપુરુષો આવજા કરી રહ્યા હતા.
થોડીવારમાં તે રસ્તા ઉપર ત્રણ ચાર સ્ત્રીઓ આવી પહોંચી. આ સ્ત્રીઓ જિનાલય તરફ જ જતી હોય તેમ જણાઈ આવતું હતું. તેમના શીલયુક્ત મુખકમલ ઉપર મીઠું પણ ધર્મયુક્ત હાસ્ય ફરકી રહ્યું હતું. રેશમનાં સુંદર વસ્ત્રો તેમણે ધારણ કરેલાં હતાં. અને શરીર ઉપર જાતજાતનાં સુવર્ણનાં અલંકારો શોભતા હતા. આવા સુંદર અલંકારોથી સજ્જ થયેલી આ રમણીઓ અદ્યાપિપર્યન્ત કૌમારવૃત ધારિણી હતી. અને તેઓ પણ જ્યારે પગે ચાલીને જિનમંદિર તરફ જણાતી દૃષ્ટિએ આવતી હતી ત્યારે એ કાળે મનુષ્યોના હૃદયમાં ધર્મવત્સલતા કેવી અને કેટલી પ્રબળ હશે તેનો વ્યાજબી ખ્યાલ આવતો હતો ! રમણીઓ થોડી આગળ ચાલે છે, એટલામાં માર્ગ પરના એક સુંદર મકાનમાંથી તેમને કોઈએ બૂમ મારી. તરત જ તેમનાં ચપળ નેત્રો એ મકાન તરફ ખેંચાયા. એ બારીમાં માર્ગસ્થ રમણીઓની એક સખી ઉભી રહેલી જણાતી હતી. તેમણે તેમને પોતાના મહાલયમાં આવવાની સૂચના કરી. તે સુંદરીઓએ પ્રસ્તુત સૂચનાનો સ્વીકાર કરી લીધો અને જિનાલયમાંથી પાછા ફરતાં તેમની એ સખીના ગૃહ તરફ પ્રયાણ કર્યું. એ સાહેલીનું નામ વસુંધરા હતું. વસુંધરા પોતાની વહાલથેલી બહેનપણીઓને સત્કારવા માટે બારણા પાસે જ ઉભી હતી. તેણે મુક્તકંઠે તેમને આવકાર આપતાં કહ્યું; “પધારો ! આજે આ ગરીબના ઘરને પાવન કરો!”
એમ કે? આવા વિનયના વચનો બોલવાને જ જો અમોને બોલાવી હોય તો અમારે નથી " આવું!” એક સુંદરીએ વિનોદમાં ઉત્તર આપ્યો. અને જાણે ત્યાંથી પાછા ફરતાં હોય તેવો ડોળ કર્યો.
વસુંધરા તરત જ આગળ આવી, તેણે પોતાના બંન્ને હાથ વડે જવાનો માર્ગ રોકી લીધો અને કિંચિત સ્મિત કરતાં તેમને કહ્યું; “વિનયનાં વચનો જો તમોને ન ગમતાં હોય તો મને અવિનયનાં વચનો પણ કહેતાં આવડે છે હોં !” ઠઠ્ઠા મશ્કરી કરતાં સઘળી મહિલાઓ ઉપર ગઈ અને ત્યાં દિવાનખાનામાં જઈને