________________
૪૯૮
શ્રી સિદ્ધચક્ર
તા.૨૧-૮-૩૩ રોગની જ જન્મભૂમિ છે.” એ મહાસત્ય એ યુગમાં ભગવાન શ્રી મહાવીરદેવે જ સમાજને મૂક્ત કંઠે કહ્યું હતું અને કિલષ્ટ કર્મોની નિર્જરા કરીને મોક્ષને પંથે પડીને શાશ્વત આનંદ ભોગવવાનો માર્ગ પણ એ જ પરોપકારી મહાત્મા એ દર્શાવ્યો હતો. ભગવાનના એ જૈનશાસનની પ્રતિભા અત્યંત વેગપૂર્વક સમસ્ત સંસારમાં ફરી વળી હતી અને એ પ્રતિભાનું શરણું લઈ અનેક આત્માઓએ અનંત અને અખંડ શાંતિ મેળવી હતી.
અને પર્યુષણા મહાપર્વ એ એજ જીનેશ્વરદેવના કલંકરહિત શાસનનું મહાપર્વ છે. પર્યુષણા મહાપર્વની મધુરતા, એની સુવાસ, એની ઉત્તમતા એ સઘળું એટલું બધું સ્વયંસિદ્ધ છે કે જેની વાત કરવી પણ વૃથા છે. દરેક ભવ્ય આત્મા એ મહાપર્વને અત્યંત પ્રેમથી આવકાર આપે છે અને તેને વધાવી લે છે પરંતુ એ મહાપર્વની ઉજવણીમાં સમાજ ઘેલો બને તે પહેલાં તેને એક ગંભીર ચેતવણી આપવી આવશ્યક છે. આ મહાપર્વ એ ખરેખરું ત્યાગની ભૂમિને વિશાળ બનાવનારું પર્વ છે, તે પાપની નિર્જરા કરાવનારું પર્વ છે, અને આત્માને ઉન્નતિને માર્ગે દોરી જવાનો આ પર્વનો હેતુ છે. અન્ય દર્શનીઓના પર્વોની માફક આ પર્વનો હેતુ જનતાને મોજશોખમાં ડુબાડી દેવાનો અને એ રીતે તેમના હાથે પાપની પરંપરા વધારવાનો નથી અને તેથી જ જૈનશાસને જે પાંચ ક્રિયાઓ આ મહાપર્વને અંગે ફરમાવી છે તે ઉપર અમે અમારા ગયા અંકમાં વાંચકોનું ધ્યાન ખેંચ્યું છે.
આજે એ જ પાંચ ક્રિયાઓ પૈકીની “પરસ્પર ક્ષમા” માગવાની વિધિ ઉપર અમે વાંચકોનું ધ્યાન ખેંચવા માંગીએ છીએ. પરસ્પર ક્ષમા માગવાની આ વિધિ અને તેને આવા મહાપર્વમાં મળેલું સ્થાન એ ખરેખર લોકોત્તર ઘટના જ છે. જૈનશાસન બંધુભાવને કેવી રીતે વધારે છે અને પરસ્પરના રાગદ્વેષનો તે ત્યાગ કેવી રીતે કરાવે છે, તેનાજ અહીં સ્પષ્ટ દર્શન થાય છે. જગતમાં જીવાત્માઓ સત્યને ભલી જઈને બાજી માંડી બેઠા છે. દરેકની ઈચ્છા એ છે કે પોતે જીતે અને પ્રતિપક્ષી હારી જાય ! આ લોભમાં ને લોભમાં વિશ્વની પવિત્ર ભૂમિ ઉપર સ્થળે સ્થળે અન્યાય અને અધર્મનું હળાહળ ઝેર પથરાઈ રહેલું છે. એક બીજા આત્માઓને છેતરવામાં આત્મા મશગુલ છે. બીજાને છેતરીને તેની પાસેથી કેમ લાભ મેળવવો એ વસ્તુ તો જાણે આત્માનો સ્વભાવ જ બની રહ્યો છે અને એ કળાને જનતાએ ઈરાદાપૂર્વક કેળવી છે. આ રોગનો પરિપાક એ થયો છે કે સ્થળે સ્થળે બે આત્માઓ વચ્ચે ઈર્ષા, અસૂયા, વૈમનસ્ય અને શત્રુતા પ્રવર્તેલા આપણે જોઈએ છીએ.
એ જ મહારોગ ઉપરનું સિદ્ધરસાયણ તે “પરસ્પરની ક્ષમા” છે. વર્ષ દરમિયાન સંસારતાપમાં મુગ્ધ બનવાથી એક બીજા પ્રત્યે ગમે તેવો સંબંધ ભલે રહ્યો હોય, પરંતુ પર્યુષણાના એ પવિત્ર દિવસે સાચો જૈન આત્મા એ બધા દ્વેષ અને વૈર; કલેશ અને સંતાપ એ બધું ભૂલી જાય છે અને પોતાના દોષની અને પોતાના ગુન્હાની શત્રુ પાસે પણ ક્ષમા વાંચ્છે છે! સંસારની પાપ બાજીને તે ભૂલી જાય છે, આત્માની સરાગદશા ઉપર તે વિજય મેળવે છે અને અત્યંત પવિત્ર થઈને આત્મસુધારણાને પંથે પડે છે, જૈનત્વની આ કેવી સુંદરતા અને