________________
૪૭૯
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ નિશ્ચયની જડ વ્યવહારમાં જ રહેલી છે. એટલે જ જો વ્યવહારનો નાશ કરો, વ્યવહારને જવા દો તો શાસનનો પણ નાશ થાય અને શાસન પણ જાય એ ચોખ્ખું જ છે. વ્યવહાર માટે વ્યવહાર જ પકડવો, પણ એ વ્યવહારને પકડતા લક્ષ્ય કયું રાખવું ? લક્ષ્ય તો નિશ્ચયનું જ રાખવું. ન્યાયાચર્ય શ્રીમદ યશોવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યું છે કે
“અંતરદ્રષ્ટિ હૃદયધરીજી પાળે જે વ્યવહાર.” ' અર્થાત્ વ્યવહાર એ ધર્મરૂપી અંકુરનો કોઠારમાં પડેલા બીજરૂપી દાણો છે. આથી સમજાશે કે વ્યવહાર એ ધર્મનું ઉપચરિત કારણ છે. ૪ થે ગુણઠાણેથી ધર્મ પરિણમે છે. ૪થા ગુણઠાણામાં જે વ્યવહાર છે તે શુદ્ધ વ્યવહાર છે. અશુદ્ધ વ્યવહાર કાંઈ બીજું જ કહે છે. શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ ચોથે ગુણઠાણે ધર્મ માનવામાં આવે છે અને નિશ્ચયની અપેક્ષાએ ચૌદમે ગુણસ્થાને ધર્મ માનવામાં આવે છે. વ્યવહારની દૃષ્ટિએ ધર્મ ક્યારે ?
વ્યવહારની દૃષ્ટિએ ધર્મ ક્યારે કહેવાય છે ? એ જ જવાબ છે કે જ્યારે મોક્ષની ઇચ્છા થાય છે અને આત્મા ધર્મ કરવા લાગે છે અથવા તો જૈન આચાર પાળવા લાગે છે-પછી તે આત્મા સમ્યગુદૃષ્ટિ હોય કે મિથ્યાદૃષ્ટિ હોય તો પણ ત્યાં ધર્મ કહેવામાં વાંધો નથી. મોક્ષની ઈચ્છાથી અન્ય દર્શનવાળાઓ ક્રિયા કરે છે, એમાં માર્ગાનુસારીપણું હોય તો પણ ત્યાં ધર્મ માનવામાં આવ્યો જ છે. પણ અહીં ધર્મ કઈ અપેક્ષાએ માનવામાં આવે છે ? અશુદ્ધ વ્યવહારની અપેક્ષાએ અહીં ધર્મ માનવામાં આવે છે. શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ ધર્મ ૪થે ગુણસ્થાનકે છે. અને નિશ્ચયની અપેક્ષાએ ૧૪મે ગુણસ્થાનકે ધર્મ છે. મિથ્યાત્વ સાથે ધર્મ શક્ય છે?
હવે આપણે મૂળ બાબતનો વિચાર કરીએ પહેલે ગુણઠાણે મોક્ષની ઇચ્છાવાળાને અગર તેની ક્રિયાવાળાને ધર્મ કહ્યો છે. ચોથા ગુણસ્થાનકમાં મોક્ષ સિવાય બીજું સાધ્ય સમજવાનું નથી અને ચૌદમે ગુણસ્થાનકે તો મોક્ષનીજ તૈયારી છે. તો હવે એવો પ્રશ્ન સહેજે ઉદ્ભવે છે કે ફળ લારાએ ધર્મનું લક્ષણ કર્યું ? મોક્ષ આપે તે ધર્મ આ વાત જ્યારે લક્ષમાં લેશો કે “મોક્ષ આપે તે ધર્મ” ત્યારે તમોને એવી શંકા સહેજે ઉદભવશે કે પહેલા ગુણઠાણામાં મિથ્યાત્વ છે, તે છતાં ત્યાં ધર્મ કેમ માનવામાં આવે છે અથવા તો તેને ગુણઠાણું કેમ માનવામાં આવે છે. એ ગુણઠાણામાં છે તો મિથ્યાત્વ અને છતાં તેનું નામ ગુણસ્થાનક છે, તો પછી મિથ્યાત્વ એ સ્થાન ગુણનું કે અવગુણનું ? મિથ્યાત્વ કહો તો તેને ગુણસ્થાનક ન કહી શકો અને ગુણસ્થાનક કહો તો તેને તમો મિથ્યાત્વ ન કહી શકો ! મને જન્મ આપનારી માતા વાંઝણી છે, એમ બોલી શકાય જ નહિ. તે જ પ્રમાણે મિથ્યાત્વ હોય ત્યાં ગુણઠાણું નહિ અને ગુણઠાણું હોય ત્યાં મિથ્યાત્વ કેમ, એ શંકા સીધી રીતે જ ઉદભવે છે. ત્યારે હવે આ ગુંચવાડાનો ઉકેલ શો ?